|
કિશોર દિન
તા. ૧૪-૧૧-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં રાજકોટ કિશોરમંડળના કિશોરોએ 'કિશોરદિન'ની ઉજવણી દ્વારા વિશિષ્ટ રીતે ભક્તિ અદા કરી હતી.
સ્વામીશ્રી જ્યારે નિજ નિવાસેથી પ્રાતઃપૂજા માટે પધાર્યા ત્યારે ગમનપથની બંને બાજુએ રાજકોટ કિશોર મંડળના કિશોરોએ તેમની વિવિધ પ્રવૃત્તિનું સુંદર નિદર્શન રજૂ કર્યું. કિશોરોની પ્રવૃત્તિઓ નિહાળી સ્વામીશ્રી સવિશેષ પ્રસન્ન થયા.
સંધ્યા સમયે મંદિર પરિસરમાં આવેલા વિશાળ સભાગૃહમાં કિશોર દિનની વિશિષ્ટ સભાનો આરંભ થયો. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં કિશોરદિન અને રવિસત્સંગ સભા એમ બેવડો લાભ લેવા ઊમટેલા ૧૨,૦૦૦થી વધુ હરિભક્તો-ભાવિકોથી મંદિરનાં બંને સભાગૃહો છલકાતાં હતાં. મંદિરનું પ્રાંગણ પણ હરિભક્તોથી ઊભરાતું હતું.
બરાબર ૬-૧૫ વાગે સ્વામીશ્રી સભામાં પધાર્યા. ત્યારબાદ વિવેકસાગર સ્વામીએ 'હરિલીલામૃત' ઉપર નિરૂપણ કર્યું. રાજકોટ સત્સંગમંડળના કિશોરોએ રજૂ કરેલા 'એક અમૂલ્ય વરદાન' સંવાદની પ્રભાવક પ્રસ્તુતિ બાદ સત્સંગ શિક્ષણ પરીક્ષાના વિજેતાઓને વિવેકસાગર સ્વામીએ એવોર્ડર્ આપી બિરદાવ્યા. ત્યારબાદ કિશોરી મંડળે તેમજ મહિલા મંડળે ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલા હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા.
'આજ મારે ઘેર' ભક્તિગીતના આધારે કિશોરોએ રજૂ કરેલા નૃત્ય બાદ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'વાહ ! રાજકોટનો સત્સંગનો રંગ બહુ જબરો છે. શ્રીજીમહારાજ સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર જ્હૉન માલ્કમને મળવા આવ્યા ત્યારે આ શહેર પર દૃષ્ટિ અને આશીર્વાદ વરસાવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી, જૂનાગઢના નારાયણદાસ સ્વામી, બાલમુકુંદ સ્વામી અને જે જે મોટા સંતો થઈ ગયા એ પણ અહીં પધાર્યા છે. શાસ્ત્રીજી મહારાજ પણ અહિયાં અભ્યાસ માટે રહ્યા હતા. યોગીજી મહારાજને તો આ સ્થાન પ્રત્યે હેત ને પ્રેમ એટલે વારંવાર અહીં પધારીને બધાને સુખ આપ્યું છે.
કથામાં વાત સાંભળી કે ચારિત્ર્ય એ મોટી વસ્તુ છે. સમાજમાં, દેશમાં કામ કરતા હોય, પણ એમાં સંસ્કાર-ચારિત્ર્ય ને સત્સંગના નિયમ-ધર્મનું પાલન એ મોટી વાત છે. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં ગૃહસ્થના ને ત્યાગીના નિયમ આપ્યા છે. એ દરરોજ વાંચીએ તો આપણું જીવન શાંતિ ને સુખમય બને. પૈસા ન હોય તો પણ નિયમ-ધર્મ, ચારિત્ર્ય છે એનાથી માણસને આનંદ રહે. આજ્ઞામાં સુખ છે. ગમે તેટલી સમૃદ્ધિથી સુખ નથી. ગૃહસ્થને વહેવાર છે એટલે પૈસા કમાવા પડે, પણ એ જો નીતિ-નિયમ ને પ્રામાણિકતાથી સાચી રીતે કરીએ તો અંતરમાં શાંતિ રહે. ગમે એટલા બંગલા હોય ને ગમે એટલી સમૃદ્ધિ હોય, પણ અંતરમાં શાંતિ રહે એ મોટામાં મોટી વસ્તુ છે. જે ભગવાનની આજ્ઞા પાળે છે એને અંતરે શાંતિ છે. આ લોકની મહત્તા કે મોટા હોદ્દા-અધિકાર શાંતિ નહીં આપે. શાંતિ તો આજ્ઞામાં રહીને જે કામ કરીએ તેમાં થાય.
આજે વિજ્ઞાનનો વિકાસ થયો છે, પણ માણસ એવો ને એવો જ રહ્યો. ચારિત્ર્ય ભ્રષ્ટ થાય ને સંસ્કાર જાય એવું વાતાવરણ થયું છે. ટી.વી., ટેલિફોનથી કામ સારાં થાય છે, પણ એની અંદર બીજો કચરો આવ્યો, એ જુઓ એટલે આંખમાં પડે, એટલે આંખ થઈ આંધળી. આંધળી એટલે શું ? એને દેવ, મંદિર કે સત્સંગ દેખાય નહીં, પણ કચરો જ દેખાય. આ કચરો જે આપણી આંખો ખરાબ કરે છે, આપણું મન ખરાબ કરે છે, આપણા કાન ખરાબ કરે છે, આપણી વાણી ખરાબ કરે છે, એ બધું ખરાબ કરે છે, માટે અખંડ જાણપણારૂપ દરવાજે રહેવું.
આપણે મહારાજના આશ્રિત થયા, જોગી બાપાના આશ્રિત થયા છીએ અને એમણે આપણને આવો સત્સંગ ને સુખ આપ્યું છે, તો એ કચરો આપણામાં આવવો જ ન જોઈએ. મહારાજે વચનામૃત છેલ્લા પ્રકરણના ૯માં કહ્યું છે : જાણપણારૂપ દરવાજે જો રહીએ તો આપણને અખંડ શાંતિ રહે. જાણપણા-રૂપ દરવાજે ન રહીએ તો આપણંð બધું સારું છે એ લૂંટાઈ જાય. બહારના ચોર તો બહુ હેરાન નથી કરતા, પણ કામ-ક્રોધાદિક અંતઃશત્રુથી ભ્રષ્ટ થવાય છે. માટે આવો સત્સંગ મળ્યો છે, ભગવાન અને સંત મળ્યા છે તો સાવધાની રાખવી કે આવું કાંઈ નડે નહીં. મહારાજની આજ્ઞા-ઉપાસના, નિયમ-ધર્મનું જાણપણું હંમેશા રાખવું.
આ સત્સંગ મળ્યો છે તો હવે એને સાચવવાનો છે. 'જેની પાસે હોય જોખમ, તે જાળવો જતન કરી' જેમ પૈસા-ઘરેણાંને સાચવવાં પડે છે. એમ આ સત્સંગ તો એથી વધારે ઉત્તમ છે, તો એને સાચવવો. વચનામૃત, સ્વામીની વાતો અને બીજા આપણા ગ્રંથોનું વાંચન નિરંતર કરવું. એ વારંવાર વાંચવાથી જાણપણું રહે છે. આવો સત્સંગ ને આવી વાત મળી છે તો નિરંતર જાણપણારૂપ દરવાજે રહીને, અખંડ ભજન-કીર્તન કરવાં. રવિવારની સભામાં જવું અને ઘરસભા કરવી. પહેલાના જમાનામાં વૃદ્ધ માતા-પિતા સાંજે છોકરાઓને બેસાડી રામાયણ-મહાભારતની વાતો સંભળાવતાં. આજે તો બાપુજીને જ પડી નથી. પણ ભગવાન ને સંત આપણી ચિંતા કરે છે. કુટુંબ-પરિવાર, બાળકો બધાંમાં સત્સંગ સારો થાય અને ભગવાન ખૂબ રાજી થાય એ મહારાજને પ્રાર્થના.'
|
|