|
બોચાસણમાં પ્રમુખસ્વામી મહારાજ...
લોકકલ્યાણ અર્થે અહોરાત્ર વિચરતા પ્રમુખસ્વામી મહારાજે આદિતીર્થ બોચાસણ ખાતે તા. ૧૮-૧૧-૨૦૧૦ થી તા. ૪-૧૨-૨૦૧૦ સુધી બિરાજીને ચારુતર પ્રદેશના હરિભક્તો-ભાવિકોને આધ્યાત્મિકતાના રંગે રંગ્યા હતા. સ્વામીશ્રીના અહીંના રોકાણ દરમ્યાન સૌના હૈયે ભક્તિની હેલી ઊમટી હતી. નિત્યક્રમ મુજબ મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધારતા તેમજ પ્રાતઃપૂજામાં બિરાજતા સ્વામીશ્રીનાં દર્શનની વિરલ સ્મૃતિઓ હજારો હરિભક્તોના હૈયે સદાયને માટે અંકિત થઈ ગઈ હતી. પ્રાતઃપૂજા પૂર્વે મંદિરથી સભામંડપ સુધીના ગમનપથ પર બોચાસણ ક્ષેત્રનાં વિવિધ સત્સંગ મંડળના બાળકો અને યુવકો વિવિધ થીમ આધારિત કાર્યક્રમો રજૂ કરતા હતા. સૌ બાળકો અને કિશોરો સ્વામીશ્રીનાં સમીપ દર્શનનો લાભ પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કરતા હતા.
અહીંના રોકાણ દરમ્યાન સ્વામીશ્રીએ તા. ૨૬-૧૧-૨૦૧૦ના રોજ સાંકરી દશાબ્દી મહોત્સવ નિમિત્તે પ્રતિષ્ઠિત થનાર નીલકંઠ વણી અને ગુરુપરંપરાના ખંડ નિર્માણની તથા પલસાણામાં રચાનાર બી.એ.પી.એસ. હરિમંદિરની ખાતશિલાઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી હતી તેમજ અંબેરાવપુરામાં પ્રતિષ્ઠિત થનાર હનુમાનજીની મૂર્તિનું પણ પૂજન કર્યું હતું. તા. ૨૮-૧૧-૨૦૧૦ના રોજ રુદેલ ગામમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓ તેમજ કપડવંજમાં પુનઃ પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી. તા. ૨૯-૧૧-૨૦૧૦ના રોજ ધોળકા ક્ષેત્રના સાથળ ગામમાં રચાનાર બી.એ.પી.એસ. મંદિરની ઈંટોનું પૂજન કરી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. બોચાસણ ખાતે સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગલાભની ઝાંખી અત્રે પ્રસ્તુત છે...
આગમન :
સ્વામીશ્રીને સત્કારવા માટે અહીં માનવમહેરામણ ઊમટ્યો હતો. 'યજ્ઞપુરુષ દ્વાર'નું વિધિવત્ ઉદ્ઘાટન કરી સ્વામીશ્રીએ મંદિર-પરિસરમાં પ્રવેશ કર્યો. પરિસરમાં બાળકો હાથમાં તોરણો લઈને કતારબદ્ધ ઊભા રહી સ્વામીશ્રીને વધાવી રહ્યા હતા. સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. અભિષેક મંડપમાં દર્શન કરી સ્વામીશ્રી સભામંડપમાં પધાર્યા. સભામાં બોરસદમંડળે સ્વાગત ગીત ગાઈ સ્વામીશ્રીને સત્કાર્યા. ત્યારબાદ સમગ્ર સત્સંગમંડળ વતી બોચાસણ મંદિરના મહંત ત્યાગવલ્લભ સ્વામી તથા કોઠારી વેદજ્ઞ સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીને સન્માન્યા. સભામાં વિવેકસાગર સ્વામીએ સ્વામીશ્રીનાં પૂર્વ વિચરણની ઝાંખી સૌને કરાવી. આમ, સૌનો ભાવભર્યો આદર સત્કાર સ્વીકારી સ્વામીશ્રી નિજનિવાસે પધાર્યા.
કાર્તિકી પૂર્ણિમા :
તા. ૨૧-૧૧-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીના પાવન સાંનિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાના પરમ પવિત્ર પર્વે હજારો હરિભક્તો-ભાવિકોએ સત્સંગનો દિવ્ય આનંદ માણ્યો હતો. ઉત્સવ-સભાનો લાભ લેવા દૂર દૂરથી હરિભક્તો-ભાવિકો બોચાસણ ખાતે ઊમટ્યા હતા.
પ્રાતઃ સમયે જ્યારે સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા ત્યારે ઠાકોરજી સમક્ષ ભવ્ય અન્નકૂટ રચવામાં આવ્યો હતો. સ્વામીશ્રીએ અન્નકૂટની આરતી ઉતારી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
સવારે ૮-૦૦ વાગ્યે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરથી થોડે દૂર આવેલી ભારેલિયા વાડી ખાતે ઉત્સવની વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાડીમાં જ ઉત્સવને અનુરૂપ સુંદર મંચ અને સભામંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. હરિભક્તોના ભોજન અને પાર્કિંગ માટેની સુંદર વ્યવસ્થા અહીં કરવામાં આવી હતી.
વરસાદી માહોલ વચ્ચે ધૂન-પ્રાર્થનાથી ઉત્સવ-સભાનો આરંભ થયો. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલી બી.એ.પી.એસ. સંસ્થાના વિકાસના આધાર-સ્તંભો કયા કયા છે, એ મધ્યવર્તી વિચાર સાથે એક પછી એક કાર્યક્રમો રજૂ થવા લાગ્યા. સૌ પ્રથમ ગાનામંડળે 'આજ મારે ઘેર' એ ભક્તિગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. નૃત્ય બાદ સર્વમંગલ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી અને વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં. સ્વામીશ્રી જ્યારે સભામાં પધાર્યા ત્યારે ત્યાગવલ્લભ સ્વામી પ્રવચન કરી રહ્યા હતા. તેઓના પ્રવચન બાદ બાળકો અને કિશોરોએ 'સમર્પણ' સંવાદની પ્રભાવક પ્રસ્તુતિ રજૂ કરી.
સંવાદ પછી કોઠારી ભક્તિપ્રિય સ્વામી અને મહંત સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું. ત્યારબાદ અડાસ, મોગરી, વલાસણ, કુકવાડા અને ગાના મંડળના બાળકો તથા કિશોરોએ 'અક્ષરપરુષોત્તમના ડંકા દિગંતમાં...' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. નૃત્ય દરમ્યાન વિવિધ મંડળોમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું :
'બધાને જય સ્વામિનારાયણ. આજે બોચાસણમાં કાર્તિક પૂનમનો ઉત્સવ ઊજવવા માટે ભેગા થયા છીએ. આજુબાજુથી, દૂરદૂરથી, પરદેશથી ઘણા ભક્તો આ લાભ લેવા માટે પધાર્યા છે. આ કાર્ય જે આગળ વધ્યું છે એનું મુખ્ય કારણ છે ભગવાન. જેણે ભગવાનને રાખ્યા છે એનાં બધાં કામ સરળતાથી થાય છે, પણ જેને અહં હોય કે 'આ મેં કર્યું', 'મારાથી થયું' અને 'હું કરી શકું છું' એનો કોઈ દા'ડો વિકાસ ન થાય. શાસ્ત્રીજી મહારાજને કોઈ અહં હતો જ નહીં. એમને એક જ વાત હતી કે ભગવાન શ્રીજી-મહારાજ આ પૃથ્વી ઉપર પોતાનું ધામ અક્ષર લઈને આવ્યા છે એ વાતની દૃઢતા કરવી ને બીજાને કરાવવી. ભગવાન શ્રીજીમહારાજના વચનના આધારે એમણે કાર્ય શરૂ કર્યું. એને માટે એમને ઘણાં કષ્ટો વેઠવાં પડ્યાં, ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી છે, ઘણી ઉપાધિઓ વેõઠવી પડી છે. પણ એમને એક જ હતું કે મહારાજ કર્તા છે, ભગવાન જે કરશે એ સારું કરશે. એમણે કોઈ બીજાનો આધાર લીધો નથી, દુનિયાની કોઈ સત્તાનો કે માણસોનો આધાર લીધો નથી, પણ એમને મહારાજનો આધાર હતો કે એ જે કરશે એ સારું જ કરશે.
આપણે ગમે એટલા વિચારો કરીએ, પણ આપણું બળ કામ આવતું નથી. આપણી પાસે સત્તાનું બળ, પૈસાનું બળ હોય ને બીજાં ઘણાં ઘણાં બળો હોય, પણ એ બધાં નકામાં થાય છે. પણ જેને ભગવાનનું બળ હોય છે એને હંમેશાં કાર્યમાં સફળતા મળે છે. જેના પક્ષમાં ભગવાન હોય છે એનો જય થાય છે. દુનિયામાં ઘણી સત્તાઓ થઈ ગઈ ને થાય છે ને થવાની છે. પણ જેની સાથે ભગવાન હોય છે એનું કામ થાય છે.
મહારાજે વચનામૃતમાં કહ્યું છે, 'ચાર વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ એ બધામાં ભગવાન ને ભગવાનના સંત કલ્યાણકારી કહ્યા છે.' મહારાજે સારનો સાર કહી દીધો. એ સિદ્ધાંતને શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવ્યો છે. એમણે ભગવાનને જ રાખ્યા હતા. શાસ્ત્રીજી મહારાજની સાચી વાત હતી, સાચી નિષ્ઠા હતી, સાચી સમજણ હતી, તો એમનું આ કાર્ય આખી દુનિયામાં ચાલ્યું છે. આખી દુનિયામાં આ જ્ઞાનની પ્રવૃત્તિ થઈ એનું મુખ્ય કારણ એ છે કે એમણે મહારાજને રાખ્યા છે.
પાંડવોને ભગવાનનું બળ હતું તો વાંધો આવ્યો નહીં, ને કૌરવોને પોતાની સત્તાનું, પૈસાનું, આવડતનું બળ હતું તો કોઈ ફાવી શક્યા નહીં. એના ઉપરથી આપણે પણ સમજવાનું છે કે જ્યાં નીતિ હશે, પ્રામાણિકતા હશે તો એ બધાનો જય થાય છે. કોઈ પણ કાર્યની પાછળ ભગવાનનું બળ હશે એને કાર્યમાં સફળતા મળે જ છે. આપણે જાણીએ પૈસાનું બળ છે, પણ રાજાઓના રાજ પણ જતાં રહ્યાં, પૈસા ને સમૃદ્ધિ જતી રહી છે ને યુદ્ધોમાં કેટલાય મરી પણ ગયા છે, કારણ કે એમને પોતાનું બાહુબળ હતું. જેને અહં છે એનો કોઈ દિવસ જય થાય નહીં, પણ ભગવાનનું બળ છે કે 'હું ભગવાનનો છું ને ભગવાન મારા છે' એનાથી કાર્ય થાય છે. જીવનમાં જ્યાં સુધી અહં છે, ત્યાં સુધી કોઈ કાર્ય થાય નહીં, પણ ભગવાનનું બળ રાખીએ. રાવણ જેવો યોદ્ધો પણ ભગવાન રામ આગળ હાર્યો. કૃષ્ણ પરમાત્માના વખતમાં કંસ, શિશુપાલ, જેવા બળિયા રાજાઓ હતા પણ કોઈનું ચાલ્યું નહીં. આ બધા ઇતિહાસ સાંભળીએ છીએ, એમાંથી એટલું જ સમજવાનું છે કે પૈસાનું, સત્તાનું, આવડતનું બળ હોય એ બળ ક્ષણિક છે. ભગવાનનું બળ કાયમ છે.
સંસાર-વહેવારના કોઈ પણ કાર્યમાં જો ભગવાનનું બળ રાખીશું કે જે કરે છે ભગવાન સારું જ કરે છે. આપણને દુઃખ આવે તોય ભગવાન આપે છે ને સુખ પણ એ આપે છે. બેય વસ્તુની સમતા રાખવી જોઈએ. આટલું ભજન-સેવા કરી ને દુઃખ કેમ આવ્યું ? એ સારા માટે છે. એમાંથી અભિમાન આવી જતું હોય એટલે ભગવાન જરા સમજાવે. એટલે આ જ્ઞાન-સમજણ જીવમાં દૃઢ થાય તો કોઈ વાંધો આવતો નથી. આપણે પણ જીવનમાં ભગવાનનું બળ, ભગવાનનો આશરો, ભગવાન જે કરે છે એ સારા માટે છે, એ વિચાર દૃઢ રાખીને કાર્ય કરવું.'
સ્વામીશ્રીના આશીર્વાદની સમાપ્તિ બાદ ઉપસ્થિત તમામ હરિભક્તોએ મહાપ્રસાદ લઈ વિદાય લીધી.
|
|