|
અટલાદરામાં પ્રમુખસ્વામી મહારાજ...
બે મહિનાના લાંબા વિરામ બાદ પુનઃ ગુજરાતની ધરા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પદરજથી પાવન થઈ હતી. તા. ૪-૨-૨૦૧૧ના રોજ સ્વામીશ્રી મુંબઈથી હવાઈજહાજ દ્વારા વડોદરા પધાર્યા. વડોદરાવાસી હરિ-ભક્તો સ્વામીશ્રીને સત્કારવા ઊમટ્યા હતા. બપોરના બરાબર ૧૨-૧૦ વાગે સ્વામીશ્રીનું અહીં આગમન થયું. હવાઈમથકના અધિકારીઓ અને અટલાદરા મંદિરના સંતોએ સ્વામીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. હવાઈમથક પર ઉપસ્થિત ભક્તમેદનીને દર્શનદાન આપી સ્વામીશ્રી અટલાદરાના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા. મંદિરના પ્રાંગણમાં પ્રાણપ્યારા ગુરુહરિના સ્વાગત માટે સેંકડો હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા. જાણે કોઈ ઉત્સવનો માહોલ હોય તેવું વાતાવરણ ખડું થયું હતું ! સૌ કોઈનું હૈયું સ્વામીશ્રીના આગમનને વધાવવા માટે અનેરા ઉત્સાહથી થનગની રહ્યું હતું. 'રેલે રેલે શરણાઈના સૂર...' ગીતના તાલે બાળકોએ સ્વાગત નૃત્ય કરી સ્વામીશ્રીના આગમનને હર્ષભેર ïવધાવ્યું. સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. અહીં અટલાદરા મંદિરના કોઠારી ભાગ્યસેતુ સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સમગ્ર સત્સંગમંડળ વતી સ્વામીશ્રીને સત્કાર્યા.
તા. ૫-૨-૨૦૧૧થી જ સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શન અને સત્સંગનો લાભ પ્રાપ્ત થયો હતો. મંદિરની સામે આવેલા પરિસરમાં જ સભામંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. અહીં ગોલ્ફકાર્ટમાં બિરાજીને પ્રાતઃપૂજામાં પધારતા સ્વામીશ્રીનાં દર્શન વિશેષ સ્મૃતિદાયક બન્યાં હતાં. તા. ૭-૨-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ વીસનગર, કરજણ, વસો અને કપડવંજના મંદિરમાં પુનઃપ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓ તથા હાંડોદ અને બારડોલી છાત્રાલયના મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી. અહીં સ્વામીશ્રીએ અટલાદરામાં વસંતપંચમી અને અટલાદરાના બી.એ.પી.એસ. છાત્રાલયના વાર્ષિકોત્સવ પ્રસંગે આપેલા દિવ્ય સત્સંગલાભની ઝાંખી પ્રસ્તુત છે.
વસંતપંચમી
સ્વામિનારાયણ સંપ્રદાયમાં વસંત-પંચમીનો સવિશેષ મહિમા છે. આ પરમ પવિત્ર દિન એટલે શિક્ષાપત્રી, સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિન.
તા. ૮-૨-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં આ મહાપુરુષોની સ્મૃતિ સાથે વસંતપંચમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવનો લાભ લેવા વહેલી સવારથી જ ઠેર ઠેરથી અહીં હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા. ઉત્સવનું વાતાવરણ જામ્યું હતું.
સ્વામીશ્રી પ્રાતઃપૂજા પૂર્વે જ્યારે ઠાકોરજીનાં દર્શને પધાર્યા ત્યારે મંદિરના ચોકમાં શાસ્ત્રીજી મહારાજના સમયના હરિભક્તોનો વેષ ધારણ કરીને યુવકો ઊભા હતા. આ સૌ યુવકો પર અમીદૃષ્ટિ કરી, આશીર્વાદ પાઠવી સ્વામીશ્રીએ સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. ટાવરવાળા ચોકમાં મહિલામંડળે ભક્તિભાવપૂર્વક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવન અને કાર્યની સ્મૃતિ કરાવતી સુંદર રંગોળી તૈયાર કરી હતી. સ્વામીશ્રીએ આ રંગોળી પર દૃષ્ટિ કરી વિશેષ પ્રસન્નતા દર્શાવી.
આજે પ્રાતઃપૂજામાં સંતોએ નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજના મહિમાનાં પદોનું ગાન કરી ભાવાંજલિ અર્પણ કરી. વળી, આજના દિવસે ઘણા હરિભક્તોએ વિશેષ વ્રત, તપ, નિયમો ધારણ કર્યાં હતાં.
સંધ્યા સમયે મંદિરની સામેના પરિસરમાં ઉત્સવની મુખ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિસરમાં જાણે પૂર્ણપણે વસંત ખીલી હોય એવો નજારો જોઈ શકાતો હતો. પરિસરના પ્રવેશદ્વારથી સભામંડપ સુધીનો ગમનપથ જાણે કે શાસ્ત્રીજી મહારાજના પ્રાદુર્ભાવના પગલે સોળે કળાએ ખીલ્યો હતો. ગમન-પથની બંને બાજુએ રંગબેરંગી પુષ્પોની પાંખડીઓ અને પર્ણોની વિવિધ રંગોળી શોભી રહી હતી. આ રંગોળીની વચ્ચે હરોળબદ્ધ રીતે દીપ ગોઠવવામાં આવ્યા હતા. અને ગમનપથની આજુ-બાજુનાં વૃક્ષો ઉપર ફૂલનાં ઝુલણિયાં ઝૂલી રહ્યાં હતાં. વળી, પથની બંને બાજુએ કલાત્મક રીતે કોપર ઇફેક્ટ દર્શાવતાં આર્ટિસ્ટિક વૃક્ષો ફૂલના શણગારથી શોભી રહ્યાં હતાં અને સભામંડપ સુધી લઈ જતો માર્ગ સંપૂર્ણ રીતે પુષ્પની પાંખડીઓથી આવૃત્ત હતો.
સભામંચ પર પણ અત્ર-તત્ર-સર્વત્ર રંગબેરંગી પુષ્પોની અદ્ભુત પ્રાકૃતિક શોભા રચવામાં આવી હતી. રંગબેરંગી પુષ્પોની આ પ્રાકૃતિક શોભા સ્વામીશ્રીના આગમનથી વિશેષ જીવંત બની ઊઠી હતી. સ્વામીશ્રી મંચની મધ્યમાં ગોઠવાયેલા ઉપમંચ પર બિરાજ્યા. સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં લીલા રંગની અર્ધ-ચક્રાકાર કમાન શોભી રહી હતી. જાણે કે સ્વામીશ્રી ઉદ્યાનમાં બિરાજ્યા હોય એવું લાગતું હતું ! મંચની પાર્શ્વભૂમાં હજારી અને ગુલદાવદી વગેરે પુષ્પોનાં તોરણો શોભી રહ્યાં હતાં. સ્વામીશ્રીના આસનની ડાબી બાજુએ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ સૌને દર્શનદાન આપી રહી હતી.
'જય જય યજ્ઞપુરુષ સુખકારી'ના કેન્દ્રવર્તી વિચાર સાથે સભામાં વિવિધ કાર્યક્રમો રજૂ થઈ રહ્યા હતા.
સૌપ્રથમ પ્રમુખસ્વામીનગર સત્સંગ મંડળે 'જય જય યજ્ઞપુરુષ સુખકારી' સ્કિટ રજૂ કરી શાસ્ત્રીજી મહારાજના દિવ્ય પ્રસંગોની પ્રભાવક પ્રસ્તુતિ કરી.
ત્યારબાદ વિવેકસાગર સ્વામી અને ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસંગિક પ્રવચન દ્વારા શાસ્ત્રીજી મહારાજના ગુણાનુવાદ ગાયા. વડોદરા બાળમંડળના કાર્યકરોએ 'હરિભક્તોના હમદર્દ શાસ્ત્રીજી મહારાજ' વિષયક સ્કિટ રજૂ કરી.
ડૉક્ટર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ સરદારનગર સત્સંગ મંડળે હીરામુખીના સંવાદની પ્રભાવક પ્રસ્તુતિ કરી. મહંત સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ વડોદરા બાળ-કિશોર મંડળે 'આજ આનંદના સિંધુ છલકે' ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. નૃત્ય દરમ્યાન વિવિધ મંડળોમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી. નૃત્ય બાદ 'જય જય યજ્ઞપુરુષ સુખકારી' વિષયક વીડિયો શૉ રજૂ થયો.
સભાના અંતમાં સૌને આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'શાસ્ત્રીજી મહારાજ આ પૃથ્વી પર અવતર્યા એ આપણા માટે મોટા ભાગ્યની વાત છે. બાળપણમાં મંદિરે જાય, સંતોની કથાવાર્તા સાંભળે, રેતીમાંથી મંદિરો કરી તેમાં ઠાકોરજી પધરાવી આરતી કરે. અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન બધે જ પ્રવર્તે એ સંકલ્પ એમના જીવનમાં પહેલેથી જ હતો. વિહારીલાલજી મહારાજે દીક્ષા આપી અને યજ્ઞપુરુષદાસ નામ આપ્યું. શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. વડતાલ સંસ્થામાં બહુ સારી રીતે, સાધુતા રાખીને કાર્ય કર્યું.
અક્ષરપુરુષોત્તમનાં મંદિરો થાય, નિષ્ઠા થાય, પ્રચાર થાય એ માટે જ એમનો જન્મ હતો. વડતાલમાં રહીને પણ તેઓ આ વાત કરતા. પણ ઉપાધિ થઈ, એમનો નાશ કરવા માટે પણ ઘણા પ્રયત્નો થયા, પણ સ્વામી તો નીડર. એમને તો કોઈના પ્રત્યે રાગ-દ્વેષ નહીં. પણ ઉપાધિમાં દેહ ન રહે, માટે અક્ષરપુરુષોત્તમની નિષ્ઠાવાળા હરિભક્તોએ સ્વામીને વડતાલમાંથી નીકળી જવાની વાત કરી. શાસ્ત્રીજી મહારાજની ઇચ્છા નહોતી પરંતુ કૃષ્ણજી અદાએ કહ્યું તેથી વડતાલ છોડ્યું અને પોતાના ધ્યેય પ્રમાણે કામ કર્યું. સ્વામી પાંચ સંતોને લઈને નીકળ્યા. ગામોગામ ફરે, ભિક્ષા માગે, કથાવાર્તા કરે, પણ મનમાં કોઈ ઉદાસીનતા નહીં. આ દુઃખ પડે છે, આવી ઉપાધિ થાય છે તો આ કામ મૂકી દઈએ એવો લેશમાત્ર વિચાર નહીં. મહારાજની ઇચ્છા હશે તો થશે એ જીવમાં નક્કી હતું તો ગામોગામ એમણે ઉપાધિ સહન કરી.
શાસ્ત્રીજી મહારાજ એકદમ અજાતશત્રુ હતા. એમને કોઈની સાથે શત્રુતા નહીં ! કોઈ મારે-ઝૂડે, સુખ-દુઃખ આ બધાંમાં એમને સમભાવ. એમના જીવમાં કોઈનું અહિત થાય, ખરાબ થાય, ખોટું થાય એવો સંકલ્પ જ નહીં. એમને તો એક જ વાત દૃઢ હતી કે અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન પ્રવર્તે અને એ માટે એમણે અનેક ઉપાધિઓ સહન કરીને પણ અક્ષર-પુðરુષોત્તમનું જ્ઞાન બધે પ્રવર્તાવ્યું. એમને એક જ ધ્યેય, એક જ વિચાર હતો કે અક્ષરપુરુષોત્તમનાં મંદિરો થાય, સત્સંગ થાય. પોતાને મનાવું-પૂજાવું છે એવી કોઈ જ મહત્તા એમને હતી નહીં. સાધુતા રાખીને અને એક માત્ર ભગવાનનો જ આધાર રાખીને એમણે કાર્ય કર્યું છે. એટલે રાગદ્વેષથી આ સંસ્થા ઊભી કરી હોય કે પોતાના દુરાગ્રહથી સંસ્થા ઊભી કરી હોય કે પોતાને મનાવું-પૂજાવું છે એટલા માટે આ સંસ્થા ઊભી કરી હોય - એવું રંચમાત્ર એમનામાં ન હતું. એવો જરા પણ વિચાર એમને ન હતો. બધાએ આ જોયું છે. તેઓ કોઈ દિવસ કોઈના માટે ખરાબ બોલ્યા નથી. કેવળ એક - મહારાજની જ ઇચ્છા, મહારાજ કર્તા છે, મહારાજ કરશે એ સારું જ કરશે, એમ જ ઉચ્ચારતા. મહારાજની ઇચ્છા નહીં હોય તો નહીં થાય, પણ આપણે રાગદ્વેષ કરીને, કોઈનો અભાવ-અવગુણ લેવો નથી એમ બધાને સમજાવતા. ભગવાનનું ભજન કરવામાં જ સુખ ને શાંતિ છે અને ભગવાન જ કામ કરવાના છે, એવો દૃઢ આશરો, નિર્ધાર ને નિષ્ઠા એમને હતી અને એ પ્રમાણે જ કાર્ય કર્યું છે. ક્યારેય પણ કોઈ દિવસ કોઈ માટે ખોટો વિચાર કે સંકલ્પ કર્યો નથી.
શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ હતો કે અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન સર્વત્ર પ્રવર્તે તેથી આજે આખી દુનિયામાં સત્સંગ વધ્યો છે. યોગીજી મહારાજે પણ આ જ કાર્ય કર્યું છે. 'દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં; ભક્તિ તેની ભલી માનીશ, રચીશ તેના રંગમાં' કોઈ બોલી જાય, કહી જાય તો પણ એમને દાસભાવ. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ પોતાના જીવનમાં આ રીતે વર્ત્યા છે ને આપણને પણ એ રીતે વર્તવાનું શીખવ્યું છે. આ સત્સંગનો વિકાસ થયો છે એ કેવળ એમના પ્રતાપથી, એમના સંકલ્પથી થયું છે. હવે આપણને આ સેવા મળી છે, તો આપણે પણ મહારાજ-સ્વામી રાજી થાય એવી રીતે સેવા કરી લેવી. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ રાજી થાય અને ભગવાન બધાને તને-મને-ધને સર્વ પ્રકારે સુખી રાખે ને મહારાજની ભક્તિ થાય એવું દરેકને બળ મળે એ જ પ્રાર્થના.'
આશીર્વાદની સમાપ્તિ બાદ સમૂહ આરતી થઈ. રાત્રિના અંધકારમાં પ્રજ્વલિત હજારો દીપકો વચ્ચે ઠાકોરજીની આરતી ઉતારતા સ્વામીશ્રીનાં દર્શનની સ્મૃતિ સૌના હૈયે સદાયને માટે કંડારાઈ ગઈ. ઉત્સવસભાની પૂર્ણાહુતિ બાદ સૌ હરિભક્તોએ મહાપ્રસાદ લઈ વિદાય લીધી.
|
|