|
વાર્ષિકોત્સવ
તા. ૧૩-૨-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં અટલાદરા ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયના છાત્રોએ વાર્ષિકોત્સવ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા.
સંધ્યા સમયે વાર્ષિકોત્સવની વિશિષ્ટ સભાનો આરંભ થયો. સૌપ્રથમ અભ્યાસમાં તેજસ્વી છાત્રોને ઇનામ આપી બિરદાવવામાં આવ્યા. ત્યારબાદ યોગેન્દ્ર સ્વામી લિખિત 'સ્વામી તમારો સ્નેહ-સાગર' ગઝલનું ગાન છાત્રોએ કર્યું ત્યારે સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું. ત્યારબાદ યુવાનોમાં સંસ્કારોનું ઘડતર કરતા છાત્રાલયનો પરિચય આપતી 'એ.પી.સી. ક્યા હૈ ?' સ્કીટ રજૂ થઈ.
બરાબર ૬-૧૫ વાગે સ્વામીશ્રી સભામાં પધાર્યા. મંચ પર સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં 'ચૅમ્પિયન આૅફ ચૅમ્પિયન'ની કમાન રચવામાં આવી હતી. વળી, વિશાળ કદમાં વિવિધ એવોર્ડનાં દૃશ્યો પણ પાર્શ્વભૂમાં શોભી રહ્યાં હતાં. સ્વામીશ્રીના આગમન બાદ યોગેન્દ્ર સ્વામી લિખિત અને હાસ્ય પટેલ દિગ્દર્શિત 'ચૅમ્પિયન આૅફ ચૅમ્પિયન' પ્રસ્તુત થયો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયમાં ભણેલો એક સંયમી અને તેજસ્વી વિદ્યાર્થી કઈ રીતે પોતાની સાથે ભણતા વિદ્યાર્થીના જીવનમાં સંસ્કાર સિંચિત કરે છે તેની અદ્ભુત પ્રસ્તુતિ છાત્રાલયના છાત્રોએ સંવાદ દ્વારા કરી.
આજના દિવસે છાત્રાલયના ૧૨૦ છાત્રોએ વિશેષ નિયમો ગ્રહણ કર્યા હતા. આ સૌ છાત્રોને જીવનમાં આગળ વધારનારા નિયમોના ચંદ્રકનો બનેલો હાર યોગેન્દ્ર સ્વામી અને યજ્ઞપ્રિય સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યો. સ્વામીશ્રીએ આ સૌ યુવકો પર વિશેષ પ્રસન્નતા દર્શાવી.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં_ સ્વામીશ્રીએ જણાવ્યું : 'બી.એ.પી.એસ. છાત્રાલયના વિદ્યાર્થીઓને ધન્યવાદ છે. તમે બધાએ તૈયારી કરીને સુંદર રજૂઆત કરી છે. આ દુનિયાની મહત્તા, મોટપ ને દુનિયાના હોદ્દા-અધિકાર પ્રાપ્ત થાય એ લૌકિક રીતે જરૂરનું છે, પણ ખરી વાત તો આત્માના ઉદ્ધારની છે. આત્માની શાંતિ મળે એના માટેનું ઇનામ જોગી મહારાજે આપ સર્વને આપેલું છે. જોગી મહારાજ કહેતા કે છાત્રાલય એ બ્રહ્મવિદ્યાની કૉલેજ છે. એમાં રહીને અભ્યાસ બરાબર સાવધાનીપૂર્વક કરવો. નિયમધર્મ, આજ્ઞા-ઉપાસના બરાબર રાખવા. અત્યારે વાતાવરણ કેવી રીતે ચગડોળે ચઢી જાય છે એ આપ સૌ જાણો છો. પણ છાત્રાલયમાં રહેવાથી નિયમધર્મ, આજ્ઞા-ઉપાસના દૃઢ થાય છે, આચાર-વિચાર શુદ્ધ થાય છે.
આજે તો યુવાનો માટે માબાપ પૈસા ખર્ચે, પણ એ પાછા મોજશોખમાં જતા રહે છે. ખાવા-પીવા, નાટક-સિનેમામાં પૈસા જતા રહે છે. એ રીતે ઘણાં દૂષણો પેસી જાય છે. એ દૂષણો ન પેસે એની માટે આ કૉલેજ છે. જીવનમાં જેટલી શુદ્ધિ ને પવિત્રતા હશે, એટલું આપણું મગજ કામ કરશે. પણ જો બધી બદીઓ ભરેલી હોય તો લથડિયાં ખાય ને એને પોતાને સુખ ન આવે, કુટુંબને સુખ ન આવે, સમાજને સુખ ન આવે.
અહીં રહીને સારામાં સારી ડિગ્રીઓ મેળવો અને તમારા દ્વારા સારું કાર્ય થાય એ જ આશય છે. ભણેલા-ગણેલા ને ગુણિયલ યુવાનો હોય તો દેશની, સમાજની સેવા કરે, ધર્મભાવના વધે, સમાજનું કામ કરે. સાથે સાથે બ્રહ્મવિદ્યા પણ ભણવાની છે. આપણે આત્મા છીએ અને પરમાત્મા પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. દુનિયાની વિદ્યાથી જે કાંઈ પ્રાપ્ત કરો - હોદ્દાઓ મેળવો, પણ એ હોદ્દાઓનું મુખ્ય કારણ ભગવાન છે. ભગવાનની કૃપાથી મળ્યું છે, ભગવાનની ઇચ્છાથી મળ્યું છે એમ માનીએ તો અહં ન આવે. અભિમાનીનું પતન થાય છે. રાવણને અભિમાન આવ્યું કે મારા જેવો કોઈ છે નહીં, તો એનું પતન થયું. દુર્યોધનનું પણ પતન થયું. અહં હશે તો ગમે એટલું હશે તો પણ પતન થઈ જશે - ઠેરના ઠેર થઈ જવાય, એટલે એ વિચાર હંમેશાં રાખીને અભ્યાસ કરવાનો છે. સારામાં સારો અભ્યાસ થાય, સારી ડિગ્રીઓ મળે, નોબલ પ્રાઈઝ મળે પણ એનું અભિમાન ન થવું જોઈએ.
જીવનમાં ભગવાન પ્રધાન રાખવાના છે, સંત પ્રધાન રાખવાના છે, ધર્મ પ્રધાન રાખવાનો છે. અભ્યાસ પછી પણ આચાર-વિચાર શુદ્ધ રાખવા. જો આચાર-વિચાર શુદ્ધ હશે તો ગમે ત્યાં જશો તો ત્યાં તમને શાંતિ થશે ને બીજાને પણ તમારી વાતથી શાંતિ થશે. આજે ભણીગણીને ઘણા સાધુ પણ થયા છે તો સમાજની ને દેશની સેવા થાય છે, નિર્વ્યસની કરે છે, દરેકને સારા આચાર-વિચાર આપે છે અને એનાથી શાંતિ શાંતિ થાય છે.
આપણે જે કંઈ કરવું એ ભગવાનને રાજી કરવા માટે કરવું. આપણી જે કાંઈ આવડત છે એનો ઉપયોગ ભગવાન ને સંત રાજી થાય, સમાજની સારી સેવા થાય ને દેશની સારી સેવા થાય એ માટે કરવો. પણ હું કરું છું, મારાથી જ થયું છે, એવું મનાય તો પતન થાય. ભગવાન જ સર્વ કર્તા છે. એમણે બુદ્ધિ-શક્તિ આપી છે ત્યારે આપણે કાર્ય કરી શકીએ છીએ. એમના વિના સૂકું પાંદડું પણ હાલવાને સમર્થ નથી. એવી ભગવાનની શક્તિ છે, ભગવાનનો પ્રતાપ છે. તમારી આ રજૂઆતથી જોગી મહારાજ રાજી થશે. શાસ્ત્રીજી મહારાજ, મહારાજ રાજી થશે. નીતિ-નિયમ ને પ્રામાણિકતાવાળું આપણું જીવન બને એ બહુ અગત્યની વસ્તુ છે. કોઈ જાતના વ્યસન-દૂષણ ન હોય એવું જીવન બને તો આપણને શાંતિ ને બીજાને પણ શાંતિ થાય. બધી જાતનાં ઈનામો મળશે, પણ ભગવાન મળ્યા છે એ મોટું ઇનામ છે. મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ ઓળખાયા એ મોટામાં મોટું ઇનામ છે. એ ઇનામ તમે જેને આપશો તો એનુંય રૂડું થશે.
'ખરચ્યું ન ખૂટે વાકો ચોર ન લૂંટે.' જ્ઞાન, સમજણ ને બ્રહ્મવિદ્યાની દૃષ્ટિ કોઈ લૂંટવાનું નથી. અને જો કોઈ લૂંટે તો એનુંય કામ થઈ જાય. આપણને તો ફાયદો થાય, બીજાને પણ ફાયદો થાય, એવી વાત યોગી બાપાએ કરી છે. આવો સંવાદ રજૂ કર્યો એટલે તમને ખૂબ ધન્યવાદ છે. આપણું જીવન એવું બનાવવું કે જેથી બીજાને આપણા પ્રત્યે પ્રેમ થાય, ભગવાનમાં શ્રદ્ધા થાય, સત્સંગ થાય. એવું બળ ભગવાન આપ સર્વને આપે એ જ પ્રાર્થના.'
|
|