|
અટલાદરામાં પ્રમુખસ્વામી મહારાજ...
તા. ૪-૨-૨૦૧૧ થી તા. ૧૧-૩-૨૦૧૧ સુધી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વડોદરામાં અટલાદરા ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં વિરાજીને સૌને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા. સતત ૩૬ દિવસ સ્વામીશ્રીનું દિવ્ય સાંનિધ્ય પામીને સૌનાં હૈયે અપાર આનંદ-ઉત્સાહ અનુભવાતો હતો. વહેલી સવારથી જ વડોદરા શહેર અને આજુબાજુનાં ગામોમાંથી સ્વામીશ્રીનાં દર્શનની એક ઝલક મેળવવા હજારો હરિભક્તો-ભાવિકો ઊમટતા હતા. નિત્યકર્મ મુજબ મંદિરમાં ઠાકોરજી, શાસ્ત્રીજી મહારાજના ઓરડે તેમજ અભિષેક મંડપમ્માં દર્શન કરી સભામંડપમાં પ્રાતઃપૂજા માટે પધારતા સ્વામીશ્રીનાં દર્શનની વિરલ સ્મૃતિઓ આબાલ-વૃદ્ધ સૌ કોઈનાં હૈયે સદાયને માટે અંકિત થઈ ગઈ હતી.
મંદિરમાં મધ્યખંડમાં ઠાકોરજી સમક્ષ રચવામાં આવતાં ભગવાન સ્વામિનારાયણનાં લીલા-ચરિત્રોનાં દૃશ્યો નિહાળી સ્વામીશ્રી અતિ પ્રસન્ન થયા હતા. મંદિર પરિસરના ટાવરવાળા ચોકમાં ભગવાન સ્વામિનારાયણના વિવિધ પ્રસંગોને તાદૃશ કરતી રંગોળી રચવામાં આવતી હતી. વડોદરા અને પંચમહાલ જિલ્લાના આદિવાસી હરિભક્તોએ સવાદ્ય લોકનૃત્ય કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. એ જ રીતે લીમડાવાળા ચોકમાં યુવકો-કિશોરોએ વિવિધ નિદર્શનની પ્રભાવક પ્રસ્તુતિ કરી સ્વામીશ્રીને નિત્ય આનંદ કરાવતા હતા. સ્વામીશ્રીના અહીંના નિવાસ દરમ્યાન વ્યાપાર-ઉદ્યોગના જાણીતા અગ્રણીઓ, સામાજિક પ્રતિષ્ઠિતો તેમજ ઉચ્ચ સરકારી અધિકારીઓ સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા. વડોદરા ક્ષેત્રના વિવિધ મહિલા મંડળની મહિલા હરિભક્તોએ વિશિષ્ટ વ્રત, તપ, પદયાત્રા કરી ગુરુહરિના ચરણે ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું હતું. આ રોકાણ દરમ્યાન કેટલાક સ્મરણીય અવસરો આ હતા :
ગોધરામાં રચાયેલા શિખરબદ્ધ બી.એ.પી.એસ. મંદિરના સુવર્ણરસિત કળશ અને ધજાદંડનું પૂજન સ્વામીશ્રીએ તા. ૧૪-૨-૨૦૧૧ના રોજ કર્યું. આ સાથે, વલસાડ જિલ્લાના જોરાવાસણ ગામમાં રચાનાર બી.એ.પી.એસ. સંસ્કારધામનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. તા. ૧૫-૨-૨૦૧૧ના રોજ ઉમરેઠ મંદિરના કળશનું પૂજન કર્યું હતું. તા. ૧૬-૨-૨૦૧૧ના રોજ સાબરકાંઠા જિલ્લાના પોશીના અને તુવેર ગામના નૂતન બી.એપી.એસ. મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓ તેમજ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કારધામમાં પ્રતિષ્ઠિત થનાર ઘનશ્યામ મહારાજની આરસની અને ગુરુપરંપરાની પટમૂર્તિઓનું સ્વામીશ્રીએ વિધિપૂર્વક પૂજન કર્યું હતું. વળી, આજના દિવસે બોચાસણ ક્ષેત્રના બનેજડા અને ચુવા ગામમાં રચાનારાં સંસ્કારધામની ખાતવિધિ કરી સૌને આશીર્વાદ આપ્યા હતા. તા. ૨૧-૨-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ નોંધણામાં રચાનાર સંસ્કારધામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આજે યુગાન્ડા(આફ્રિકા)ના બી.એ.પી.એસ. મંદિર સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે સત્સંગપ્રચાર કરીને આફ્રિકાથી પાછા પધારેલા સંતોને સ્વામીશ્રીએ પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ આપ્યા હતા. તા. ૨૩-૨-૨૦૧૧ના રોજ બોડેલીના શિખરબદ્ધ બી.એ.પી.એસ. મંદિરના કળશનું વેદોક્ત પૂજન કર્યું અને નિર્વિઘ્ને મૂર્તિપ્રતિષ્ઠા થાય એવી પ્રાર્થના કરી, હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. તા. ૨૫-૨-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ ૫૫૦ બાળકોને વર્તમાન-દીક્ષામંત્ર આપી, આશીર્વાદ આપ્યા હતા. તા. ૨૬-૨-૨૦૧૧ના રોજ વડોદરા ક્ષેત્રનાં વિવિધ મહિલા મંડળની બહેનોએ નવધા ભક્તિદિનની ઊજવણી કરી હતી. તા. ૨૭-૨-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ ઓચ્છણ ગામમાં રચાનાર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કારધામની ખાતવિધિ કરી હતી. તા. ૧૦-૩-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ ચાણસદથી અટલાદરા મંદિર સુધી દંડવતયાત્રા કરીને આવેલા વડોદરાના દશ કિશોરોને અને બી.એ.પી.એસ. વિદ્યામંદિરમાં દશમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા.
ગત અંકમાં સ્વામીશ્રીએ અટલાદરા ખાતે વસંતપંચમી અને વાર્ષિકોત્સવ સભામાં આપેલા સત્સંગલાભની વિગતો આપણે માણી. અહીં 'કિશોરદિન' નિમિત્તે સ્વામીશ્રીએ આપેલા સત્સંગલાભને હવે માણીએ...
|
|