|
શ્રીહરિ જયંતી
તા. ૧૨-૪-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિ-નારાયણના ૨૩૦મા પ્રાકટ્યોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશ-વિદેશથી પધારેલા હજારો હરિભક્તોનાં હૈયે દિવ્ય આનંદની ભરતી ઊમટી હતી. વહેલી સવારથી જ મંદિરમાં સર્વત્ર ઉત્સવનું વાતાવરણ રચાયું હતું.
નિત્યક્રમ મુજબ પ્રાતઃપૂજા પૂર્વે સ્વામીશ્રી જ્યારે મંદિરમાં ઠાકોરજીના દર્શને પધાર્યા ત્યારે સંતો શ્રીહરિનું જીવન કાર્ય વર્ણવતું 'સ્નેહભર્યા નયણે નિહાળતા...' પદનું સમૂહગાન કરી રહ્યા હતા. ઠાકોરજી ઉત્સવને અનુરૂપ રાજવી પોષાકમાં શોભી રહ્યા હતા. સ્મૃતિ મંદિરે શ્રીહરિનું કાર્ય વર્ણવતાં કલાત્મક ચિત્રોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. મહિલા મંડળે સ્મૃતિ મંદિરના પ્રાંગણમાં પ્રસંગને અનુરૂપ ભક્તિભાવપૂર્વક રંગોળી પૂરી હતી. સ્મૃતિ મંદિરની પ્રદક્ષિણાના પાછળના ભાગમાં ભગવાન સ્વામિ-નારાયણે કરેલાં દિવ્ય કાર્યોને તાદૃશ્ય કરતા પ્રસંગોની પ્રભાવક પ્રસ્તુતિ નિહાળી સ્વામીશ્રી સવિશેષ પ્રસન્ન થયા.
મંદિર પરિસરમાં ઉપસ્થિત વિશાળ ભક્તમેદનીને દર્શનદાન આપી સ્વામીશ્રી યજ્ઞપુરુષમંડપમ્માં પ્રાતઃપૂજામાં પધાર્યા. પ્રાતઃપૂજામાં સંગીતજ્ઞ સંતોએ ઉત્સવપદોનું ગાન કરી ભગવાન સ્વામિનારાયણને ભક્તિવંદના અર્પી હતી.
સંધ્યા સમયે મંદિરની જમણી બાજુના વિશાળ પ્રાંગણમાં શ્રીહરિ જયંતીની મુખ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતો-પાર્ષદો-સાધકોએ ભારે જહેમત ઉઠાવી ઉત્સવને અનુરૂપ મંચને શણગાર્યો હતો. મંચની ચારેબાજુ વાદળોની વચ્ચે દિવ્ય તેજોમય અક્ષરધામનાં દર્શન સૌને થઈ રહ્યાં હતાં. સૌથી ઉપર દિવ્ય સિંહાસનમાં બિરાજમાન શ્રીહરિની મૂર્તિ સૌને દર્શનદાન દઈ રહી હતી. નીચેની પીઠિકા પર હરિકૃષ્ણ મહારાજનું પારણું ઝૂલી રહ્યું હતું. મંચની મધ્યમાં સ્વામીશ્રીનું આસન રાખવામાં આવ્યું હતું.
આજે મંદિરમાં ઠાકોરજી સમક્ષ અન્નકૂટ રચવામાં આવ્યો હતો. સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી ગોલ્ફ-કાર્ટમાં બિરાજી ઉત્સવસભામાં પધાર્યા. સૌએ સ્વાગત-ગીતોનું ગાન કરી સ્વામીશ્રીના આગમનને વધાવ્યું.
અક્ષરેશ સ્વામી અને સંતવૃંદે 'પ્રેમવતીસુત જાયો રે અનુપમ' કીર્તનગાન બાદ વિવેકશીલ સ્વામીએ સભાના મધ્યવર્તી વિચારની સમજૂતી આપી. અપૂર્વમુનિ સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ બોટાદ યુવકમંડળે 'મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું' વિષયક પ્રેરક સંવાદ પ્રસ્તુત કર્યો. બ્રહ્મદર્શન સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ બોટાદ યુવકમંડળે નેનપુરના દેવજીભક્તની સમજણ સંવાદના માધ્યમથી રજૂ કરી. ત્યારબાદ સિદ્ધેશ્વર સ્વામીએ પ્રવચન દ્વારા શ્રીજીમહારાજના બાઈ-ભાઈ હરિભક્તોની સમજણ અને સ્થિતિની ગાથા વર્ણવી. વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચન દ્વારા ભગવાન સ્વામિનારાયણના દિવ્ય પ્રસંગોનું પાન સૌને કરાવ્યું.
આજના ઉત્સવ પ્રસંગે બી.એ.પી.એસ. સંસ્થાના કેટલાંક વિશિષ્ટ પ્રકાશનોનું ઉદ્ઘાટન સ્વામીશ્રીએ કરી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. જેમાં ઞ્ooફુ ણ્aણુજ્ઞ્દ્દસ્ન્ & ગ્aફુ ણ્aણુજ્ઞ્દ્દસ્ન્નું ઉદ્ઘાટન પ્રિયચિંતન સ્વામીએ, 'સારંગસ્તુતિ'નું ઉદ્ઘાટન પરમતૃપ્ત સ્વામી અને દિવ્યસંકલ્પ સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. ત્યારબાદ મોગરાની ચાદર અને વિવિધ મંડળોમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. ત્યારબાદ પ્રિયદર્શન સ્વામી રચિત અને અક્ષરેશ સ્વામીએ સ્વરબદ્ધ કરેલા 'આજ ધર્મભક્તિને દ્વાર, હરિ પ્રગટ્યા પૂરણકામ' એ ભક્તિગીત પર ભાવનગર કિશોર મંડળના કિશોરોએ નૃત્ય રજૂ કરી આનંદની અભિવ્યક્તિ કરી. આ ભક્તિ-ગીતનું સંગીત-નિયોજન જયદીપ સ્વાદિયાએ કર્યું હતું.
આ પાવન પર્વે સૌ પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'પુરુષોત્તમ સર્વાવતારી શ્રીજીમહારાજ આ પૃથ્વી ઉપર પોતાનું ધામ અને મુક્તો લઈને પધાર્યા. આજે એમનો પ્રાકટ્ય દિન છે. શ્રીજીમહારાજ અનેક જીવના કલ્યાણ માટે પૃથ્વી ઉપર પધાર્યા ને આપણને અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન આપ્યું. આ અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન શાસ્ત્રીજી મહારાજે દૃઢ કરી તેનો પ્રચાર કર્યો. એમાં એમને ઘણી ઉપાધિઓ થઈ, પણ એમને દૃઢ હતું કે આ જ્ઞાન સાચું છે, શાસ્ત્રોક્ત છે, એમ પ્રમાણ કર્યા પછી એમણે કોઈ પણ જાતની પરવા કર્યા સિવાય, મહારાજના બળે આ જ્ઞાનનું પ્રવર્તન કર્યું. ભગવાનનું કાર્ય કરવા માટે જ તેઓ પધાર્યા હતા, તો એમણે દેહની પરવા કરી નથી, ઉપાધિની પરવા કરી નથી. વેદ - ઉપનિષદ - ગીતા - ભાગવત બધામાં આ જ જ્ઞાન છે. આ જ્ઞાનની દૃઢતા થાય ને એ પ્રમાણે ચાલીએ તો આપણો મોક્ષ થાય. આ વાત સાચી છે એટલે સૌને જીવમાં બેસે છે, અને આજે આ સત્સંગની વૃદ્ધિ થાય છે, મંદિરો થાય છે. સાચે દેવળે ઘંટ વાગે એમ શાસ્ત્રીજી મહારાજ કહેતા. અક્ષર-પુરુષોત્તમનું જ્ઞાન સાચું છે. ભલે આજેય ન સમજાય, પણ ભગવાન સમજાવશે. ભગવાનનો સંકલ્પ છે એટલે બધે ધીરે ધીરે સમજાશે, પણ આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આ વાત મળી છે.
'આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય, ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય' આપણે બીજાને ભાગ્યશાળી માનીએ છીએ, પણ આપણા જેવા કોઈ ભાગ્યશાળી જ નથી. આપણને આ જ્ઞાન થયું, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેવા સંત મળ્યા, કથાવાર્તા, કીર્તન, ભજન થાય છે, તો એ મોટાં ભાગ્ય છે. આ દેહ તો પડવાનો છે એટલે આ દેહે કરીને જેટલી ભગવાનની ભક્તિ થઈ, ભજન-સેવા થઈ, જેટલો લાભ લીધો એ કામનું છે. એ આપણું ભાથું છે. આ ભાથું સમજ્યા હોઈએ, આપણા જીવમાં ઉતાર્યું હોય તો આનંદ અને કેફ રહે. આ કેફ ચઢે એ ભગવાનના ધામને પામે છે.
ભગવાન અને સંતની પ્રાપ્તિનો કેફ રાખવો. દુનિયાના હોદ્દા, અધિકારનો કેફ રહે છે, નાશવંત વસ્તુનો કેફ રહે છે, તો આ તો એનાથી પરની વસ્તુ છે. આ રીતે સત્સંગ કરીશું, તો અંતે ભગવાનના ધામમાં જવાશે, સુખિયા થવાશે.'
આશીર્વાદની સમાપ્તિ બાદ સંતોએ સૌની સુખાકારી માટે 'સ્વામિનારાયણ મહામંત્ર'ની ધૂનનું ગાન કર્યું. ધૂનગાન દરમિયાન હરિકૃષ્ણ મહારાજને સોનેરી પારણામાં પધરાવવામાં આવ્યા. તેમની સમક્ષ અન્નકૂટ રચવામાં આવ્યો. બરાબર ૧૦-૧૦ વાગે સ્વામીશ્રી અને વડીલ સંતોએ જન્મોત્સવની મહા-આરતી ઉતારી. આરતી દરમિયાન દેવબાળકોની વેશ-ભૂષામાં સજ્જ બાળકોએ બાળ ઘનશ્યામના જન્મોત્સવની ક્ષણોને પુષ્પવૃષ્ટિ કરી વધાવી હતી. આરતી બાદ સંગીતજ્ઞ સંતોએ ઝીલણિયાં પદોનું ગાન કર્યું ત્યારે વાતાવરણમાં સવિશેષ દિવ્યતા છવાઈ ગઈ. કીર્તનગાન દરમિયાન સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજને પારણે ઝુલાવી સૌને વિશેષ સ્મૃતિ આપી હતી.
આમ, સવા બે કલાકથી પણ ïવધુ સમય સુધી સભામાં સ્વામીશ્રીનાં દિવ્ય સાંનિધ્યમાં ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય જન્મોત્સવ ઊજવતાં ઊજવતાં હજારો હરિભક્તોએ કૃતાર્થતા અનુભવી હતી.
|
|