|
યજ્ઞપુરુષ સ્મૃતિમંદિર પાટોત્સવ
તા. ૧૮-૪-૨૦૧૧ના રોજ ચૈત્રી-પૂર્ણિમાના પરમ પવિત્ર દિને સ્મૃતિ મંદિરના ૩૦મા પાટોત્સવની ભક્તિ-ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા પધારેલા હરિભક્તોથી મંદિરનું પ્રાંગણ છલકાતું હતું.
મંગળા આરતી બાદ યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિરમાં પાટોત્સવવિધિનો આરંભ થયો. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિને વેદોક્તવિધિપૂર્વક પંચામૃત-કેસરજળથી અભિષિક્ત કરવામાં આવી. સ્વામીશ્રી યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિરે પધાર્યા ત્યારે મંદિર પરિસરમાં ઠેર ઠેર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરાવતાં સંવાદો, નૃત્ય અને કીર્તનભક્તિ રજૂ કરતા સંતો-હરિભક્તોથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું. સ્મૃતિમંદિરમાં ફૂલની ચાદરથી આચ્છાદિત ગુરુવર્ય બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિનાં દર્શન કરી સ્વામીશ્રી વિશેષ પ્રસન્ન થયા. આજે પાટોત્સવ નિમિત્તે અહીં અન્નકૂટ રચવામાં આવ્યો હતો. સ્વામીશ્રીએ આરતી ઉતારી, મંત્ર-પુષ્પાંજલિ અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી હતી. આ પરમ પવિત્ર દિવસે અહીં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને સ્વામીશ્રીની નૂતન ચિત્રપ્રતિમાઓનું પૂજન કરી પૂર્વ સ્થાને પધરાવવામાં આવી.
સ્મૃતિ મંદિરે દર્શન કરી સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા. પ્રાતઃપૂજામાં સ્વામીશ્રીના આસનની ચારે બાજુ ઘનઘોર વાદળ છવાયેલાં હોય એવું દૃશ્ય રચવામાં આવ્યું હતું. મંચની પાર્શ્વભૂમાં સ્મૃતિ-મંદિરનું કટઆઉટ અને જમણી બાજુએ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ તથા ડાબી બાજુએ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની મૂર્તિઓ શોભી રહી હતી. આજે પ્રાતઃ પૂજામાં સંગીતજ્ઞ સંતોએ પ્રાસંગિક કીર્તન-ભક્તિ રજૂ કરી પોતાની કલા પાવન કરી.
પ્રાતઃપૂજા બાદ સૌ ઉપર આશીર્વચન વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'આજે આ મંદિરનો પાટોત્સવ છે. બધા સંતો-હરિભક્તોએ પણ એનો ખૂબ સારો લાભ લીધો છે. 'કોણ જાણે કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ; ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખો મુખ.'
સારંગપુરમાં આવું સર્વોપરિ મંદિર થયું તો દેશ-પરદેશના બધા લાભ લે છે. નજીકનાને વધારે લાભ છે, કાંધનો ક્યારો કહેવાય. ખેડૂત કોશથી પાણી પાય તે કાંધનો એટલે નજીકનો પાળો હોય એને સહેજે પાણી મળી જાય. એમ, આપણને ભગવાનનું સુખ ને આવો લાભ મળ્યો છે એ Ù તૂર્ઠં Ù તસરણૂદસઠ છે. આ દુનિયાના લાભ આપણને વહેલા-મોડા મળે છે, પણ આ લાભ આપણા મોક્ષ માટેનો લાભ છે. શાસ્ત્રીજી મહારાજની કૃપા ને મહારાજનો સંકલ્પ હતો તો અહીં મંદિર થયું.
શાસ્ત્રીજી મહારાજ વડતાલથી બહાર નીકળ્યા ત્યારે ઘણી ઘણી ઉપાધિઓ હતી, પણ સ્વામીને મહારાજ-સ્વામીનું બળ હતું. એમને ભગતજી મહારાજના આશીર્વાદ હતા. મહારાજનો સંકલ્પ છે એટલે બધું કામ થશે જ, એવું એમને આત્મબળ હતું. આવું આત્મબળ હોય ત્યારે આવાં કાર્ય થાય છે. શરીરબળ હોય પણ બીજો કોઈ બળિયો મળે તો મટી જાય, પણ આત્મબળ, ભગવાનનું બળ જેને છે એને ઘણાં વિઘ્ન આવે તોપણ વાંધો આવે નહીં. ભગવાનની નિષ્ઠાનું, આશરાનું બળ ને મહિમા હોય તો શું ન થાય ? આ કામ તો આત્મા-પરમાત્માનું, મોક્ષનું કામ છે. ચારેય બાજુથી અનેક વિક્ષેપો અને ગામોગામ તિરસ્કાર આ બધું સહન કરીને એમણે મહારાજનો સિદ્ધાંત પ્રવર્તાવ્યો છે. નિષ્ઠાની દૃઢતા હતી તો પછી એમને કોઈ જાતનું દુઃખ લાગ્યું નહીં. સુખ-દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિર મતિ; જાળવીશ મારા જનને, અતિશે જતન કરી.'
સુખ-દુઃખ આવે, પણ ભગવાનની નિષ્ઠા બરાબર હોય, ભગવાનને કર્તા માનીએ તો શાંતિ થાય. સારું થાય તોય એમની ઇચ્છા અને દુઃખ આવે તોય એમની ઇચ્છા. આત્મા-પરમાત્માનું જ્ઞાન જેને હોય એને પછી કોઈ જાતનું દુઃખ રહે નહીં. અણચિંતવ્યું સુખ મળ્યું છે, પણ એ સુખ આત્માનું જ્ઞાન થાય ત્યારે આવે. આત્મા ને પરમાત્મા એ સુખ સાચું છે, એ જ્ઞાન સાચું છે. આ જ્ઞાન થશે પછી પર્વત જેવાં દુઃખ આવે તોપણ જીવમાં અખંડ આનંદ, સુખ અને પ્રાપ્તિનો કેફ રહે. એવું જ્ઞાન શાસ્ત્રીજી મહારાજે આપણને આપ્યું છે. અક્ષર-પુરુષોત્તમ, આત્મા-પરમાત્માનું જ્ઞાન એ બધાં શાસ્ત્રોનો સિદ્ધાંત છે. આપણે આત્મારૂપ થઈ પરમાત્માની ભક્તિ કરવાની છે. આ લાભ પ્રાપ્ત થયો છે તો અત્યારે આનંદ ને સુખ છે. એવો ને એવો આનંદ ને કેફ સર્વને રહે, સર્વ સુખિયા રહે ને ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ કરી શકે એવું બળ ભગવાન સર્વને આપે એ પ્રાર્થના.'
આશીર્વાદની સમાપ્તિ બાદ હરિભક્તો તેમજ બી.એ.પી.એસ. વિદ્યામંદિર, સારંગપુર અને રાણપુર છાત્રાલયના છાત્રોએ ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલા કલાત્મક હાર સૌ વતી સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા.
|
|