|
કિશોર શિબિર
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં તા. ૨૨-૪-૨૦૧૧ થી ૨૪-૪-૨૦૧૧ દરમ્યાન સારંગપુર ખાતે કિશોર-કિશોરીઓની શિબિરનું એક અનોખું પર્વ યોજાયું હતું. તા. ૨૨-૪-૨૦૧૧ના રોજ ભરૂચ અને વડોદરા ક્ષેત્રનાં કિશોર - કિશોરીઓની આ શિબિરનો કેન્દ્રવર્તી વિચાર હતો - 'યુવાનો જાગો.' આ બંને ક્ષેત્રોમાંથી ૧,૫૦૦ જેટલાં કિશોર-કિશોરીઓ શિબિરમાં સહભાગી થવા ઉપસ્થિત રહ્યાં હતાં.
સ્વામીશ્રીના પાવન સાંનિધ્યમાં યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિર સામેના વિશાળ ચોગાનમાં રચાયેલી સભાથી જ શિબિરનો પ્રારંભ થયો.
યોગેન્દ્ર સ્વામી રચિત 'અક્ષર-પુરુષોત્તમને કાજે...' નૃત્યગીત પર શિબિરાર્થી કિશોરોએ નૃત્ય પ્રસ્તુત કર્યું, ત્યારે નૃત્યગીતના તાલે સૌ કિશોર-કિશોરીઓએ ધ્વજ લહેરાવી શિબિરનો ભવ્ય ઉદ્ઘોષ કર્યો. ત્રણ દિવસની આ શિબિરમાં ઉપસ્થિત સૌ કોઈએ અધ્યાત્મ જ્ઞાનનું અદ્ભુત ભાથું બાંધ્યું હતું.
તા. ૨૪-૪-૨૦૧૧ના રોજ 'નીલકંઠ આપણો આદર્શ' મધ્યવર્તી વિચાર સાથે સારંગપુર ક્ષેત્રનાં કિશોર-કિશોરીઓની એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિરના ચોકમાં શિબિરાર્થીઓએ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા શ્રી નીલકંઠવણીના વિવિધ પ્રસંગોની પ્રેરક રજૂઆતો કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજાથી જ આ એક દિવસીય શિબિરનો પ્રારંભ થયો. પ્રાતઃપૂજામાં કિશોરોએ કીર્તનગાન અને પ્રેરક સ્કિટ રજૂ કરી ભક્તિ અદા કરી.
પ્રાતઃપૂજાના અંતે સૌ શિબિરાર્થીઓએ સ્વામીશ્રીની અમૃતવાણીનું પાન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.
આશીર્વચનની સમાપ્તિ બાદ વિવિધ મંડળોમાંથી આવેલા હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા.
તા. ૬-૫-૧૧ના રોજ સ્વામીશ્રીએ પ્રાતઃપૂજા બાદ સવારે ૧૦-૦૦ કલાકે હવાઈમાર્ગે સારંગપુરથી સુરત જવા માટે વિદાય લીધી.
|
|