Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પ્રમુખવરણીદિન

તા. ૫-૬-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૬૨મા પ્રમુખવરણી દિનની ઉજવણી કરીને સુરત સત્સંગ મંડળે વિશિષ્ટ ગુરુભક્તિ અદા કરી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ઉત્સવનો માહોલ રચાયો હતો. પ્રાતઃપૂજાના મંચની પાર્શ્વભૂમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાથે સ્વામીશ્રીનું દૃશ્ય શોભી રહ્યું હતું. જ્યારે સંગીતજ્ઞ સંતોએ કીર્તનોનું ગાન કર્યું ત્યારે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું.
આજના આ પરમ પવિત્ર દિવસે સ્વામીશ્રીના નિરામય સ્વાસ્થ્ય માટે અનેક હરિભક્તોએ વિશેષ વ્રત-તપ અને પદયાત્રા કરી ગુરુહરિનાં ચરણોમાં ભાવઅર્ઘ્ય અર્પણ કર્યું હતું. આ સૌ વ્રતધારીઓને સ્વામીશ્રીએ અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા.
સંધ્યા સમયે ઝરમર ઝરમર વરસતા વરસાદમાં પણ સુરત તેમજ આજુબાજુનાં ગામડાંઓમાંથી હજારો હરિભક્તો પ્રમુખવરણી દિન નિમિત્તેની ઉત્સવસભાનો લાભ લેવા ઊમટ્યા હતા. સૌમાં અનન્ય ગુરુભક્તિનાં દર્શન થતાં હતાં. સૌએ તાળીઓના ગડગડાટ અને જયનાદોથી સભામાં સ્વામીશ્રીના આગમનને વધાવ્યું. મહંત સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ કલાત્મક હાર અને ચાદર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યાં. ત્યારબાદ 'બાજે રે મૃદંગ-તૂર' અને 'થઈએ સ્વામી જેવા' ભક્તિગીતના તાલે કિશોરો-યુવકોએ નૃત્ય રજૂ કર્યાં. નૃત્ય બાદ ઘનશ્યામચરણ સ્વામી સુરત શહેરની કિશોરીઓએ જાતે ફોલેલા અક્ષતની કલામંડિત માટલી લઈને સ્વામીશ્રી સમક્ષ આવ્યા અને સૌ વતી ચોખા જેવા અણીશુદ્ધ કરવાની પ્રાર્થના કરી. સ્વામીશ્રીએ પણ માટલીમાંથી જાતે જ ચોખાની મુઠ્ઠી ભરી પુનઃ તેની ધાર માટલીમાં કરી સૌને વિશેષ સ્મૃતિ આપી હતી.
અંતે સ્વામીશ્રીએ ચાલુ વરસાદમાં જ સૌ ઉપર આશીર્વાદનો આષાઢી મેઘ વરસાવતાં જણાવ્યું, 'સુરત શ્રીજી-મહારાજનું પ્રાસાદિક શહેર છે. તે વખતના ભક્તોએ ખૂબ પ્રેમભાવથી મહારાજને રાજી કર્યા છે. ઇતિહાસ સાંભળીએ છીએ કે ભગવાનને રાજી કરવા તેમણે પોતાનું તન-મન-ધન અર્પણ કરીને કાર્ય કર્યું છે. ત્યાર પછી એ જ પરંપરામાં હરિભક્તોની સત્સંગની દૃઢતા જોવા મળે છે. જો આ વાત જીવમાં દૃઢ થાય તો ભગવાન ને ભગવાનના સંતને માટે શું ન થાય ? આપણે સંસાર-વહેવારનાં કાર્યો દુઃખ-મુશ્કેલીઓ વેઠીને પણ પાર પાડીએ છીએ. આ તો આત્માના કલ્યાણનું કામ છે, ભગવાન-સંતને રાજી કરવાનું કામ છે, એવી નિષ્ઠા-સમજણ જીવમાં થાય ત્યારે કાર્ય થાય છે.
આજે વરસાદના વાતાવરણમાં મુશ્કેલીઓ છે, છતાં પણ અહીં આવીને આ લાભ લીધો છે, તડકા-છાંયડાનો પણ વિચાર કર્યો નથી. કેવળ આ સત્સંગનો લાભ મળે, દર્શનનો લાભ મળે, આત્માનું કલ્યાણ થાય એ જ ભાવના છે. આત્મકલ્યાણનો લાભ એ બહુ મોટી વાત છે. ભગવાન અને સંત રાજી થાય એ આપણે કરવાનું છે. ભગવાન ને સંતનો યથાર્થ મહિમા સમજાયો હોય ત્યારે આ થાય. ખરેખરો મહિમા હોય તો સુખ-દુઃખને કોઈ ગણતું નથી. સુખ-શાંતિનું મુખ્ય કારણ તો ભગવાન ને સંત છે. આ જગત તો નાશવંત છે, મૂકીને જવાનું છે, છતાં એને માટે રાતદિવસ કામ કરીએ છીએ. ગૃહસ્થાશ્રમમાં છો એટલે એ પ્રમાણે કરવાનું  છે, પણ એની સાથે સાથે આ સત્સંગની દૃઢતા થાય એ મહત્ત્વનું છે.
ભગવાન શ્રીજીમહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા, એમના સંતો આવ્યા અને એમના થકી આત્માના કલ્યાણની, મોક્ષની વાત આપણને મળી છે. દુનિયામાં પૈસા-ટકા, હોદ્દા-અધિકાર મળશે, ઘણી ઘણી સમૃદ્ધિ મળશે, દેશ-પરદેશ ફરવાનું થશે, પણ મોક્ષના દાતા તો ભગવાન ને સંત છે. એમનો જે લાભ મળ્યો છે, એમનો જે આપણને સમાગમ થયો છે એ મોટામાં મોટી વાત છે.
આ દેહે કરી જે કાંઈ ભક્તિ-સત્સંગ થશે એણે કરીને આપણો મોક્ષ થશે, ભગવાનના ધામની પ્રાપ્તિ થશે એવું આ કાર્ય છે. વહેવારમાં ક્યાં તડકા-છાંયડા નથી જોતા ? પણ એમાં આર્થિક લાભ મનાયો છે તો ક્ષણિક સુખ માટે ભીડો વેઠીએ છીએ, તો અહીં તો મોક્ષની, ભગવાનના ધામની પ્રાપ્તિ થવાની છે. ભગવાન ને સંતનું સુખ સાચું મનાયું હશે તો એને માટે જેટલું થશે એટલું ઓછું છે. સંસારના સુખ માટે, એકબીજાને રાજી કરવા માટે આપણે કેટલું કરીએ છીએ, પણ એ આ લોકનું છે ને એ આંખ મીંચાતાં આપણું કશું છે નહીં. જ્યારે ભગવાન અને સંતનું સુખ તો અત્યારે છે ને પછી પણ છે. જગતનું સુખ તો નાશવંત છે ને નાશવંત-વસ્તુ કોઈ સાથે આવતી નથી. પણ ભગવાનની ભક્તિ, કથાવાર્તા, પરોપકાર એ હાથે સો સાથે આવે છે. ભક્તિ-સત્સંગ-માળા-પૂજાપાઠ એ સાથે આવશે. કલ્યાણનું કાર્ય સાથે આવે છે ને જીવને શાંતિ થાય છે.
'સંત બડા પરમારથી, જાકા મોટા મન; તુલસી સબકું દેત હૈ રામ સરીખા ધન.'
જો કોઈ સારામાં સારો પરમારથ કરતા હોય તો એ ભગવાનના સંતો છે. ભગવાન શ્રીજીમહારાજ પાંચસો સંતો લાવ્યા, ત્યાર-પછી પરંપરામાં શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ જેવા સંતો છે એ પરમારથી છે. એમને પોતાના દેહના સુખની કોઈ ઇચ્છા નથી. કેવળ આપણા સુખ માટે એ હરેફરે છે. એમને કોઈ માન-મોટપની પણ જરૂર નથી. એમને તો બધા ભક્તો ભક્તિ કરે, સત્સંગ કરે ને રાજી થાય એ જ ઇચ્છા છે, એટલા માટે એમનું વિચરણ છે.
આવા સંતનાં દર્શન થયાં - સમાગમ થયો એની વાત જીવમાં ઊતરી છે તો આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. બીજાને ભાગ્યશાળી માનો એ મોટી ભૂલ. આ લોકના ઘણાં સુખ મળ્યાં છે, ભોગવ્યાં છે, પણ એમાંથી શાંતિ થઈ નથી ને જન્મમરણનું કારણ બન્યું છે. ભગવાનનું સુખ સાચું છે એવું જ્ઞાન થાય ત્યારે ભગવાનમાં પ્રીતિ થાય.
આજના દિવસે અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે બધાનું ભગવાન કલ્યાણ કરે, સર્વને સુખિયા કરે અને આવું સુખ મળ્યું છે તો એની દૃઢતા કરી સર્વ પ્રકારે મહારાજ સુખિયા કરે. ભગવાન ને સંત મળે, એને રાજી કરીએ અને આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય ત્યારે સર્વ પ્રકારે મુક્તિ થાય છે. એવું જ્ઞાન શ્રીજીમહારાજે આપ્યું છે. મહારાજ સર્વને ખૂબ ખૂબ બળ આપે ને આવી ને આવી ભક્તિ થાય તે માટે પ્રાર્થના.'
આશીર્વાદની સમાપ્તિ બાદ ઝરમર ઝરમર વરસાદમાં સ્વામીશ્રીનાં દર્શનની સ્મૃતિ સાથે સૌએ વિદાય લીધી.


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |