|
ભીમપોરમાં સ્વામીશ્રી...
સુરત ખાતે સત્સંગ-ભક્તિનો અમૃતલાભ આપીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ તા. ૭-૬-૨૦૧૧ના રોજ ભીમપોર (ડુમસ) ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા. મંદિરના પ્રત્યેક પગથિયે સ્વામીશ્રીના આગમનને વધાવતી રંગબેરંગી ફૂલોની વિવિધ રંગોળીઓ શોભી રહી હતી.
બાળકો-કિશોરોએ સ્વામીશ્રીના સ્વાગત માટે નાનાં નાનાં દૃશ્યો ગોઠવ્યાં હતાં. બાળકોએ પોતપોતાની ભાવનાઓ સ્વામીશ્રી આગળ વ્યક્ત કરી, સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી. મંદિર પરિસરમાં ઊમટેલા હજારો હરિભક્તો-ભાવિકોને દર્શનનું સુખ આપી, સૌનું અભિવાદન સ્વીકારી સ્વામીશ્રી 'વંદના' ભવનમાં પધાર્યા. 'વંદના' ભવનના માલિક શ્રી સી. કે. પીઠાવાલાએ સ્વામીશ્રીનું ભક્તિભાવપૂર્વક અભિવાદન કર્યું. સ્વામીશ્રીના ભીમપોર ખાતેના નિવાસ દરમ્યાન કેટલાક સ્મરણીય પ્રસંગોની અહીં ઝાંખી મેળવીએ...
તા. ૧૨-૬-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં, તેઓની પ્રાતઃપૂજા સાથે રવિવારીય સત્સંગસભા યોજાઈ હતી. ઘનશ્યામચરણ સ્વામીએ કથામૃતનો લાભ આપ્યો. પ્રાતઃપૂજા બાદ ઔપચારિક સત્કારવિધિ સ્વીકારીને સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું : ''મોહ ટળે તો શાંતિ રહેõ. સાચું છે એ ખોટું મનાય ને ખોટું છે તે સાચું મનાય તે મોહ. આ જગત ખોટું છે, નાશવંત છે, આ મનુષ્યદેહ પડી જવાનો છે. ઘણાનો આપણે સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવા પણ ગયા હોઈશું. ત્યાં જોઈએ છીએ કે આ ભાઈ બધું જ મૂકીને ચાલ્યા ગયા, એવું જોવા-જાણવા છતાં મોહ થાય છે.
આપણું કાંઈ છે જ નહીં. માણસને એમ છે કે ખાઈ-પીને મોજશોખ કરો. અહીંનું લેવા ઇચ્છીશું તોપણ કુટુંબી કોઈ લેવા દેશે નહીં. પૈસા, સમૃદ્ધિ, બંગલા હોય એણે કરીને સુખ નથી, એ મૂકીને જવાનું છે, આ જ્ઞાને કરીને સુખી રહેવાય છે. જેને આ જ્ઞાન થયું છે એણે ભગવાન પરાયણ કાર્યો કર્યાં છે, પોતાના આત્માનું કલ્યાણ કર્યું છે. જ્ઞાનથી સુખિયા થવાય છે. જ્ઞાન એટલે જગત ખોટું ને ભગવાન સાચા.
અહીં ભગવાનની કથાવાર્તા સાંભળીએ છીએ, એમાંથી એક શબ્દ લાગી જાય તો કામ થઈ જાય. ખેડૂતો બે પથ્થરથી ચકમક કરવા પ્રયત્ન કરે, એમાં ઘણા પ્રયત્ન નકામા જાય, પણ એક તણખો લાગી જાય તો અગ્નિ પ્રગટી જાય. એમ સત્સંગ કરતાં કરતાં જ્ઞાન પ્રગટી જાય. માટે કથાવાર્તાના આ શબ્દો જીવમાં ઊતરે એટલા ઉતારતા રહેજો અને સંભારતા રહેજો.''
ભીમપોર (ડુમ્મસ) ખાતે તા. ૧૮-૬-૨૦૧૧ સુધીના રોકાણ દરમ્યાન તા. ૯-૬-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ, શ્રી સી. કે. પીઠાવાલાએે ઉભરાટ ગામમાં મંદિર નિર્માણ માટે અર્પણ કરેલી પચાસ વીઘા જમીનનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કર્યું હતું.
|
|