ચંદ્રગ્રહણ-સભા તા. ૧૫-૬-૨૦૧૧ની ચંદ્રગ્રહણની રાત્રી સભામાં સ્વામીશ્રીએ સતત સાડાચાર કલાક હરિભક્તો-ભાવિકોને દર્શનનું સુખ આપી વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. આ વખતના ચંદ્રગ્રહણ-ઉત્સવની વિશેષતા એ હતી કે ઉપસ્થિત પાંચ હજાર હરિભક્તોમાં અઢી હજાર તો કાર્યકર્તાઓ હતા. રાત્રે ૧૧-૫૨ વાગે ગ્રહણ શરૂ થાય તે પૂર્વે પાંચ મિનિટ પહેલાં સ્વામીશ્રી સભામાં પધારી ચૂક્યા હતા અને છેક ૩-૪૦ સુધી સ્વામીશ્રી પોતાનાં ચરણ પણ હલાવ્યા વિના સળંગ સાડા ચાર કલાક સુધી ભજન-ભક્તિમાં રત રહ્યા હતા. ૯૧ વર્ષની ઉંમરે પણ પોતાના શરીરની પરવાહ કર્યા સિવાય આજે સ્વામીશ્રીએ અભૂતપૂર્વ લાભ આપીને સૌને કૃતાર્થ કર્યાર્ હતા. રાતના એકાંતમાં ભજનની રમઝટ સાથે હરિભક્તોના પ્રેરણાદાયી પ્રસંગોનો ધોધમાર વરસાદ વરસ્યો, આનંદના હિલોળ ઊછળ્યા, અને સાથે સાથે સ્વામીશ્રી પણ આજે સૌ પર અનરાધાર વરસ્યા હતા. આજે વિવિધ ભક્તિસભર પ્રેરક કાર્યક્રમોએ સૌને દિવ્ય આનંદમાં રસભીના કર્યા હતા. સૌ માટે આ ગ્રહણ-ઉત્સવ અવિસ્મરણીય બની ગયો.
|
||