|
મુંબઈમાં પ્રમુખસ્વામી મહારાજ...
સતત સાડા ત્રણ માસ સુધી પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજનું પાવન સાંનિધ્ય પામીને મુંબઈવાસીઓએ દિવ્ય અધ્યાત્મ આનંદની અનુભૂતિ માણી. રોજ નિજ નિવાસેથી પરમ પૂજ્ય સ્વામીશ્રી મંદિરના અભિષેક મંડપમાં શ્રી નીલકંઠવર્ણી પર અભિષેક માટે પધારે અને ત્યારબાદ મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધારે ત્યારે સ્વામીશ્રીનાં સમીપ દર્શનનો લાભ પ્રાપ્ત કરી આબાલ-વૃદ્ધ સૌ કોઈ ધન્યતાથી મહેકી ઊઠતા હતા. પરમ પૂજ્ય સ્વામીશ્રી હરિભક્ત-સંતોનાં અંતરતલને નિત્ય અણમોલ સ્મૃતિઓથી છલકાવતા રહ્યા હતા.
મુંબઈ ખાતેના નિવાસ દરમ્યાન સ્વામીશ્રીના સાંનિધ્યમાં વિવિધ પ્રસંગ પણ ઊજવાતા રહ્યા. તા. ૯-૯-૨૦૧૧ના રોજ બી.એ.પી.એસ. સંસ્થા તરફથી સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં પોલીસ જવાનોને સાઇકલો ભેટ આપવામાં આવી હતી. તા. ૧૨-૯-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીના જીવનની ૧,૧૧૧મી પૂર્ણિમા હતી. એ અવસરને સૌએ ભક્તિભાવપૂર્વક માણ્યો. મુંબઈ મહિલામંડળે તૈયાર કરેલો વિશિષ્ટ હાર વડીલ સંતોએ સ્વામીશ્રીને અર્પણ કરીને સૌ વતી સ્વામીશ્રીનાં ચરણોમાં વંદના કરી. વળી, આ પ્રસંગે વડીલ સંતોએ પ્રવચન દ્વારા સ્વામીશ્રીના વિરલ વ્યક્તિત્વને બિરદાવ્યું હતું.
તા. ૨૩-૯-૨૦૧૧ના રોજ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના સ્મૃતિપર્વે અભિષેક મંડપમ્માં યોગીજી મહારાજની પ્રાસાદિક નિત્ય પૂજા પાથરવામાં આવી હતી અને સાક્ષાત્ યોગીજી મહારાજ પૂજા કરી રહ્યા હોય એવું દૃશ્ય ખડું કરવામાં આવ્યું હતું. યોગીજી મહારાજની એ પ્રાસાદિક વસ્તુઓનાં દર્શન કરી સ્વામીશ્રી વિશેષ પ્રસન્ન થયા.
તા. ૨૮-૯-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ ઉત્તર ગુજરાતના વીસનગર તથા કડીનાં હરિમંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ઠાકોરજીની મૂર્તિઓ અને હરિકૃષ્ણ મહારાજનું પ્રતિષ્ઠા-પૂજન કર્યું હતું.
તા. ૦૯-૦૯-૨૦૧૧, મુંબઈ
સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધારે ત્યારે અહીં ઘુમ્મટમાં બેઠેલા હરિભક્તોને રોજ દર્શન-મુલાકાત આપે અને એ દરમ્યાન સંતો જેõ તે હરિભક્તોનો સ્વામીશ્રીને પરિચય કરાવે, સ્વામીશ્રી દૂરથી કૃપાદૃષ્ટિ કરીને તેમને આશીર્વાદરૂપે પ્રાસાદિક પુષ્પ મોકલાવે. આજે સ્વામીશ્રી આ દર્શન-મુલાકાત દરમ્યાન હરિભક્તો તરફ કૃપાદૃષ્ટિ કરી રહ્યા હતા ત્યારે ઘનશ્યામ મહારાજના ખંડ બાજુ એક નાનો શિશુ પોતાની કાલીઘેલી ભાષામાં સ્વામીશ્રી સમક્ષ મુખપાઠ રજૂ કરી રહ્યો હતો. આજુબાજુના સંતોનું ધ્યાન સ્વામીશ્રીને અન્ય મોટેરા હરિભક્તોનો પરિચય કરાવવામાં હતું. પરંતુ સ્વામીશ્રીની નજરમાં તો એ શિશુ હતો. સંતોએ પરિચય વિધિ પૂરો કર્યો કે તરત જ સ્વામીશ્રીએ તેમને નિર્દેશ કરતાં કહ્યું, 'પેલા બાળકને પણ ફૂલ આપો.'
નિર્મળ અને પવિત્ર હૃદયે થયેલી ભક્તિ સ્વામીશ્રીની દૃષ્ટિમાંથી કઈ રીતે બાકાત રહી શકે !?
સૌને બાળહૃદય અને સ્વામીશ્રીના નિર્મળ સ્નેહસેતુનો વિશેષ અનુભવ થયો.
તા. ૧૦-૦૯-૨૦૧૧, મુંબઈ
મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રી નિજ નિવાસે જઈ રહ્યા હતા. લિફ્ટમાં ધુલિયા બી.એ.પી.એસ. છાત્રાલયના ભંડારી હર્ષવર્ધન સ્વામી સાથે હતા. સ્વામીશ્રીએ તેમને પૂછ્યું : 'તમે શું કરો છો ?'
હર્ષવર્ધન સ્વામી કહે, 'ધુલિયાના છાત્રાલયમાં ભંડારી તરીકે સેવા આપું છું.'
સ્વામીશ્રી કહે, 'બધા વિદ્યાર્થીઓ રાજી છે ને ?'
તેઓ કહે, 'હા.'
સ્વામીશ્રી કહે, 'રમાડી જમાડીને બધાને ખુશ રાખવા. સત્સંગ સારો કરાવવો. વિદ્યાર્થીઓનો અભ્યાસ સારો થાય એ જોવું. બધા વિદ્યાર્થીઓ માળા કરતા થાય, પૂજાપાઠ કરતા થાય, નિયમધર્મમાં પાકા થાય એવા તૈયાર કરવા.'
સ્વામીશ્રીના હૃદયની સ્નેહભાવના દૂર મહારાષ્ટ્રમાં ચાલતા છાત્રાલયના યુવાનો પ્રત્યે પણ એટલી જ છલકાતી અનુભવાઈ.
તા. ૧૧-૦૯-૨૦૧૧, મુંબઈ
લંડનથી સંનિષ્ઠ હરિભક્ત શ્રી નીતિનભાઈ પલાણ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓ દૂર બેઠા હતા. સ્વામીશ્રી દૃષ્ટિ દ્વારા મળ્યા. તેમનું ધંધાકીય પેમ્ફલેટ નારાયણચરણ સ્વામીએ સ્વામીશ્રી પાસે પ્રસાદીનું કરાવ્યું.
ઉતારે પધાર્યા પછી સ્વામીશ્રીએ નારાયણચરણ સ્વામીને પૂછ્યું : 'નીતિનભાઈ કેટલું રોકાવાના છે ?'
નારાયણચરણ સ્વામી : 'કાલે જવાના છે.'
સ્વામીશ્રી કહે, 'તો એમને ફોન કરો, ફોનમાં જ મળી લઈએ.' સ્વામીશ્રીએ ફોન જોડાવ્યો.
નીતિનભાઈ કહે, 'બાપા, આપની તબિયત કેવી છે ?'
સ્વામીશ્રી કહે, 'આરામ કરીએ છીએ, ભગવાનને સંભારીએ છીએ. તમારાં દર્શન થયાં, આનંદ થયો.'
નીતિનભાઈ કહે, 'મને પણ આનંદ થયો.'
સ્વામીશ્રી કહે, 'તમને જોઈને આનંદ થાય છે, પણ રૂબરૂ મળી શકાતું નથી, એટલે ફોનથી મળીએ છીએ.'
નીતિનભાઈ કહે, 'આપે મને ઇઝરાયલમાં આ જ વાત કરી હતી. મને બોલાવો કે ન બોલાવો, પણ જેટલો મૂર્તિમાં પ્રેમ મળશે એટલો જ પ્રત્યક્ષમાં મળશે.' આ રીતે સ્વામીશ્રીએ તેમને રૂબરૂ મળ્યા તુલ્ય આનંદ કરાવી દીધો.
તા. ૧૨-૦૯-૨૦૧૧, મુંબઈ
આજે ભાદરવા સુદ પૂનમનો દિન હતો. આજે સ્વામીશ્રીના જીવનની ૧,૧૧૧મી પૂનમ હતી. એ સંદર્ભમાં આદર્શજીવન સ્વામી કહે, 'આ રીતે ૧,૨૩૫મી પૂનમ સુધી આવા ને આવા રહેજો.'
સ્વામીશ્રી કહે, 'ભગવાન બધું સારું કરશે.'
કોઠારી સ્વામી કહે, 'આપ છો એટલે આનંદ છે.'
સ્વામીશ્રી કહે, 'યોગી બાપાનો આનંદ છે. મહારાજ-સ્વામી કર્તા છે. જે કંઈ થાય છે એ બધું એમની પ્રેરણાથી જ થાય છે. ભગવાન કર્તા છે એમ માનીને રહીએ એમાં બધું આવી ગયું.'
આદર્શજીવન સ્વામી કહે, 'આપનામાં એ ભગવાન અખંડ રહ્યા જ છે ને !'
સ્વામીશ્રી કહે, 'સંકલ્પ કોના છે ? યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના. કર્તા શ્રીજીમહારાજ છે. માનવ જાણે મેં કર્યું ને કરતલ બીજા કોઈ. ભગવાન કોઈના પણ દ્વારા કાર્ય કરાવે છે, પણ કરનાર તો એ જ છે. આવી સમજણ રાખીએ તો દુઃખ ન થાય, નહીં તો અભાવ આવી જાય કે આમ કેમ ન થયું ? આપણે કર્તા નથી, ભગવાન જ કરે છે. એમના સંકલ્પથી ને એમના વિચારથી થાય છે.'
આદર્શજીવન સ્વામી કહે, 'આ જ આપની વિશેષતા છે કે આટલું કાર્ય કર્યું છે છતાં નેવું વરસમાં આપ ક્યારેય એક વાર પણ એવું બોલ્યા નથી કે આ મેં કર્યું.'
સ્વામીશ્રી કહે, 'ભગવાન જ કરે છે ને ભગવાનથી જ બધું થાય છે. ભગવાન બધાને પ્રેરણા કર્યા કરે છે ને થાય છે. મૂળ કર્તા એ છે. યોગી બાપાના સંકલ્પો બહુ બળિયા હતા ને શાસ્ત્રીજી મહારાજની નિષ્ઠાનું અંગ, દૃઢતા છે એટલે થાય છે.'
વર્તમાન સમયે બી.એ.પી.એસ. સંસ્થાની સમગ્ર પ્રગતિ અને વ્યાપમાં સ્વામીશ્રીએ પોતાનું તન ઘસી નાખ્યું છે. તેમ છતાં પોતાના ગુરુવર્યોનાં ચરણે જ યશ-પુષ્પાંજલિ ધરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી !!
તા. ૧૫-૦૯-૨૦૧૧, મુંબઈ
સ્વામીશ્રીનો આરામનો સમય થઈ ગયો હતો એટલે પત્રલેખનની સેવા કરી રહેલા ધર્મચરણ સ્વામી રૂમમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહ્યા હતા.
સ્વામીશ્રી કહે, 'કેમ આઘાપાછા થાવ છો ?'
ધર્મચરણ સ્વામી કહે, 'આપના આરામનો સમય થઈ ગયો છે.'
સ્વામીશ્રી સૂતાં સૂતાં જ ઘડિયાળ તરફ હાથ લંબાવીને કહે, 'હજી ઘણી વાર છે. હજી એકેય કાગળ તો વંચાયો નથી.'
સ્વામીશ્રીની પત્રવાંચનની ધગશ જોઈને ધર્મચરણ સ્વામી મંદ મંદ હસતા હતા.
સ્વામીશ્રી કહે, 'હસો છો શું ? તમે તમારું કામ ચાલુ કરો. જે બે-ત્રણ ટપાલ વંચાય તે વાંચી લઈએ.'
ધર્મચરણ સ્વામીએ સ્વામીશ્રીની અનુવૃત્તિ પાળવા માટે એક નાનો ફેક્સ વાંચી લીધો અને પછી કહ્યું, 'અત્યારે બહુ ટપાલ છે નહીં, કાલે જોઈશું.'
આ સાંભળી સ્વામીશ્રી એકીટસે તેમની સામું જોઈ રહ્યા. તેઓની એ નજરમાં ૯૦ વર્ષની જૈફ વયે પણ આ સેવાની ધગશ વર્તાઈ આવતી હતી!
તા. ૧૬-૦૯-૨૦૧૧, મુંબઈ
સ્વામીશ્રીએ અભયસ્વરૂપ સ્વામીને બોલાવીને શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિપર્વે હરિભક્તો તથા સંતોને જમાડવાની વ્યવસ્થા પૂછી. પ્રતિવર્ષે ઘનશ્યામભાઈ શાહ પરિવાર તરફથી સારંગપુરમાં આ સ્મૃતિ પર્વની ઠાકોરજીને રસોઈ સેવા આપવામાં આવે છે. આ વખતે તે સેવા તેમણે સ્વામીશ્રીની હાજરીમાં મુંબઈમાં રાખી હતી. એટલે સ્વામીશ્રીએ આ પરિવારને યાદ કરતાં કહ્યું : 'આપણે દર્શન કરવા ગયા ત્યારે જયેશ, કિરણ આ બધા પત્તર લઈને બેઠા હતા. દરવખતે તો આપણે એ બધાને પીરસીએ છીએ, પણ આ વખતે એ થયું નથી, તો એ બધાને બોલાવી લેજો અને કોઠારી સ્વામી તેમને પીરસે એવું કરજો અને ખાસ કહેજો કે સ્વામીએ યાદ કરીને દૂધપાક પીરસાવ્યો છે. જેણે જેણે રસોઈ લખાવી હોય એ બધાને જમવાનું આમંત્રણ આપવાનું ભૂલતા નહીં. જેઓના ઘરેથી આવી ન શક્યા હોય તો એ બધાને ઘરે પ્રસાદીનો દૂધપાક મોકલજો.'
આટલું કહીને સ્વામીશ્રીએ શું શું રસોઈ કરી છે એ પણ પૂછ્યું. અભયસ્વરૂપ સ્વામીએ રસોઈની વાનગીઓ ગણાવી. એમાં પત્તરવેલિયાં બોલ્યા. એટલે સ્વામીશ્રી કહે, 'તમે જાતે જઈને જોઈ આવજો - પત્તરવેલિયાં ચીકણાં તો નથી થઈ ગયાં ને ?'
સ્વામીશ્રી નાનામાં નાની સંભાળ સૌની રાખે છે.
તા. ૧૭-૦૯-૨૦૧૧, મુંબઈ
ઔરંગાબાદથી આવેલા બિપિનભાઈ સોની ઘનશ્યામ મહારાજના ખંડમાં બેઠા હતા. અભયસ્વરૂપ સ્વામી તેઓનો પરિચય કરાવવા નજીક આવ્યા. તેઓ કાંઈ બોલે એ પહેલાં જ સ્વામીશ્રીએ તેઓને કહ્યું, 'તમે એમને ઓળખો છો ને ?' આમ, કહીને તેઓની સેવાની વાત સ્વામીશ્રી જાતે જ કરવા લાગ્યા. સ્વામીશ્રીની એ આત્મીયતાથી સૌ તાજ્જુબ થઈ ગયા.
દુબઈથી આવેલા રોહિતભાઈ પટેલના સુપુત્ર ચિરાયુ તેઓના બંને નાનાં શિશુઓને લઈને દર્શને આવ્યા હતા. એક શિશુ ઊંઘી ગયો હતો. સ્વામીશ્રીએ એની સામે દૃષ્ટિ કરી. ચિરાયુએ એને ઉઠાડવાની કોશિશ કરી, પણ ભરઊંઘમાં હોવાથી એણે આંખ જ ન ખોલી.
સ્વામીશ્રીએ એને ઇશારા દ્વારા કહ્યું, 'ઉઠાડ.'
ચિરાયુએ એને ઢંઢોળ્યો ત્યારે માંડ એણે આંખ ખોલી. આ પ્રક્રિયા દરમ્યાન સ્વામીશ્રી ત્યાં જ પ્રતીક્ષા કરતા રહ્યા, ઊઠ્યો ત્યાં સુધી સ્વામીશ્રીએ આ શિશુ માટે ટાઇમ આપ્યો. આંખ ખૂલી અને સ્વામીશ્રીની દૃષ્ટિ એ શિશુની દૃષ્ટિ સાથે મળી, પછી હસતાં હસતાં સ્વામીશ્રી અન્ય હરિભક્તોના પરિચયમાં પરોવાયા.
જાણે એ નવજાત શિશુના આત્મા સાથે સ્વામીશ્રીએ જુગજુગ જૂની ઓળખાણ તાજી કરી લીધી !
તા. ૨૦-૦૯-૨૦૧૧, મુંબઈ
સ્વામીશ્રી અભિષેક કરીને ઠાકોરજીનાં દર્શને પધાર્યા ત્યારે રજનીભાઈ અજમેરાનો સુપુત્ર ધવલ સામે બેઠો હતો. તેને દર અઠવાડિયે એક વાર રવિસભામાં આવવાનો નિયમ આપવાની સ્વામીશ્રીએ રુચિ દર્શાવી.
ધવલ કહે, 'થોડું કન્સેશન રાખો, મહિને એક વાર.'
સ્વામીશ્રીએ આંગળી ઊંચી કરીને ડાબે-જમણે ડોલાવવા લાગ્યા. સંમત નથી એવા ભાવ સાથે વાત કરતાં કહ્યું, 'આૅફિસમાં મહિને મહિને જાવ છો ?'
તેઓ કહે, 'ના.'
'તો અહીં પણ નિયમિત આવવું. ભગવાન બળ આપશે.'
તા. ૨૫-૦૯-૨૦૧૧, મુંબઈ
શ્રાવણ માસ દરમ્યાન મુંબઈના પરાંમાં યોજાયેલ બાળપારાયણમાં જેઓએ શ્રેષ્ઠ પ્રસ્તુતિ કરી હતી એ બાળકો અને શિશુઓ ઉપર સ્વામીશ્રીએ દૃષ્ટિ કરી. સૌ બાળકોએ આજની રવિસભામાં યોજાનાર બાળપારાયણની ઝલક આપીનેõ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સ્વામીશ્રીને પ્રાર્થના કરી.
સ્વામીશ્રીએ સૌ બાળકોને બળના આશીર્વાદ આપતાં કહ્યું, 'સારામાં સારો કાર્યક્રમ થાય. બધા સારામાં સારા ભક્ત બનો. માબાપની સેવા સારામાં સારી કરો. સત્સંગની સેવા સારામાં સારી કરો. સત્સંગ બરાબર કરો. અભ્યાસ બરાબર કરો એ આશીર્વાદ છે.'
ˆ
આજે રવિસભામાં થયેલા બાળકોના અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમની વાત સંતોએ સ્વામીશ્રીને કરી. એ વાત ઉપરથી મનન પંચાલ નામના શિશુની વાત નીકળી કે જેને સંપૂર્ણ શિક્ષાપત્રીનો મુખપાઠ છે. વિશ્વભરના આવા વિશિષ્ટ બાળકોની સ્મૃતિ સંતોએ કરાવી.
આ વાત ઉપરથી આદર્શજીવન સ્વામી કહે, 'આપે એકેએક ક્ષેત્રમાં માણસો તૈયાર કર્યા છે.'
સ્વામીશ્રી કહે, 'યોગીજી મહારાજનો સંકલ્પ હતો એટલે સમય થતાં સૌ આવી ગયા.'
વિવેકસાગર સ્વામી કહે, 'જૂના માણસોને એવું હોય કે અમારા વખતમાં તો આવું કંઈ હતું નહીં, હવે આવું કંઈ કરવાની જરૂર નહીં, રહેવા દે ને, પણ આપ જૂના જમાનાના હોવા છતાં સમય સાથે કદમ મિલાવી શકો છો અને સૌની વાતને સ્વીકારી શકો છો. આ આપની વિશેષતા છે.'
અભયસ્વરૂપ સ્વામી કહે, 'વળી, એમાંય ધીરજ કેટલી !!'
સ્વામીશ્રી કહે, 'યોગી બાપાના સંકલ્પે સૌ ભણેલા-ગણેલા આવ્યા, સમજુ આવ્યા અને સૌ સારું કામ કરે છે.'
વિવેકસાગર સ્વામી કહે, 'સમર્થ થકા જરણા કરવી એ બહુ મોટી વાત છે.'
સ્વામીશ્રી કહે, 'ધીરજથી જ કામ ચાલે છે. બધાનું સહન કરવું પડે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે એ રીતે જ કામ કર્યું છે ને ધીરજ રાખીએ તો છેવટે સારું થાય.'
તા. ૨૬-૦૯-૨૦૧૧, મુંબઈ
એક હરિભક્ત કાર્યકરનો ફોન હતો. તેમના સમાજમાં માણસો દર વરસે બકરાં વધેરવાની બાબતમાં તેઓની પાસે પૈસા માગે છે અને પ્રસાદ લઈ જવાનો આગ્રહ કરે છે. આ બાબતમાં શું કરવું એ તેમણે પૂછ્યું હતું. તેમણે પોતાની મુશ્કેલી વર્ણવતાં કહ્યું, 'જો તેમને પૈસા ન આપીએ તો નાતબહાર કાઢે અને નાતની કોઈ વ્યક્તિ અમારી સાથે વ્યવહાર ન રાખે.'
તેમની વાત સાંભળી સ્વામીશ્રી કહે, 'ભગવાન અને સંત આપણા સગાંવહાલાં છે. બધા સત્સંગી આપણી નાત છે. આપણે બકરાં વધેરવાની બાબતમાં નાતને પૈસા આપવાની જરૂર નથી. દૃઢતા રાખજો. ભગવાન સારું કરશે.'
તા. ૨૮-૦૯-૨૦૧૧, મુંબઈ
નીલકંઠ વણીની અભિષેક મૂર્તિનાં દર્શન કર્યાં પછી સ્વામીશ્રી મંદિરમાં પધાર્યા. અહીં લોસ એન્જલસથી આવેલા જયેશ જોષી તથા તેઓના ભાઈ મૂકેશ જોષી બેઠા હતા.
તેઓને જોતાં જ સ્વામીશ્રી કહે, 'અહો... હો.. ગોંડલ ! ગોંડલ !' સ્વામીશ્રી તેઓના મૂળ વતનને યાદ કરીને તેઓનો પરિચય આપતા હતા.
૯૦ વર્ષની ઉંમરે સ્વામીશ્રીની યાદશક્તિનો પરિચય સૌને થતો હતો.
તા. ૨૯-૦૯-૨૦૧૧, મુંબઈ
આજના દિવસે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
શાસ્ત્રીજી મહારાજના વખતના તેઓના ફૅમિલી ડૉક્ટર સમા ભગુ દાદા ૧૦૦મા વરસે અત્યારે સ્વામીશ્રી પાસે આવ્યા હતા. અત્યારે તેઓ પ્રજ્ઞાચક્ષુ છે, પરંતુ આખો દિવસ પૂજા-ભજન-આરતીમાં જ વીતે છે. સ્વામીશ્રીએ ભગુ દાદાને જોયા. તેઓને નજીક જઈને આશીર્વાદ આપવાની ઊલટ જાગી, એટલે ભગુદાદાની નજીક જવાની ઇચ્છા પ્રદર્શિત કરી. સંતો ભગુ દાદાની ખુરશી સ્વામીશ્રી સુધી લઈ આવ્યા. સ્વામીશ્રીએ તેમનો હાથ પકડ્યો. ઘણી વાર સુધી હાથ મિલાવતા હોય એ રીતે 'સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...' કરતા રહ્યા. પ્રજ્ઞાચક્ષુ ડૉ. ભગુ દાદાએ સ્વામીશ્રીને વિનંતી કરતાં કહ્યું, 'આ જ રીતે બોલતાં ચાલતાં અક્ષરધામમાં જવાય એવા આશીર્વાદ આપો.'
સ્વામીશ્રી કહે, 'શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની ખૂબ સેવા કરી છે, એટલે ભગવાન અક્ષરધામમાં લઈ જ જવાના છે. '
આજે જાણીતા મરાઠી વર્તમાનપત્ર 'સામના'ના તંત્રી શ્રી સાવંત એમના મિત્ર સાથે સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
સ્વામીશ્રીએ એમને દૃષ્ટિ દ્વારા દર્શન આપ્યાં ને સંતોને કહ્યું, 'એમને હાર પહેરાવો.'
આ વાત તેઓ સાંભળી ગયા. પછી પ્રિયદર્શન સ્વામીને તેઓ કહે, 'મને ઇચ્છા હતી જ કે સ્વામીજીની પ્રસાદી મને મળે.'
સ્વામીશ્રીએ અંતર્યામીપણે તેઓનો સંકલ્પ જાણી, પૂર્ણ કર્યો.
વાતચીત દરમ્યાન કોઠારી સ્વામીએ (ભક્તિપ્રિય સ્વામી) સ્વામીશ્રીને કહ્યું, 'પહેલાં જેવું વૉકિંગ કરતા હતા એવું વૉકિંગ ન થાય ત્યાં સુધી મુંબઈથી જવાનો સંકલ્પ ન કરતા.'
સ્વામીશ્રી હસી પડ્યા ને કહે, 'બધાની વચ્ચે ન બોલવું.'
વળી કહે, 'ભગવાનની ઇચ્છા હશે એમ થશે.'
નારાયણચરણ સ્વામી કહે, 'સવારે યોગીચરણ સ્વામીએ આપને કહ્યું કે મોટી ઉંમરે મસલ્સ વીક થઈ જાય ને એને ડેવલપ થતાં ખૂબ વાર લાગે.'
રામસ્વરૂપ સ્વામી કહે, 'બધાનાં હૃદય આપના હાથમાં છે, તો આપનું હૃદય તો આપના હાથમાં હોય જ ને !'
હસતાં હસતાં સ્વામીશ્રી કહે, 'એ બહુ મોટી વાત કરી ! બીજાનું થાય, પણ પોતાનું ન થાય !' એટલું કહીને કહે, 'ભગવાન ચલાવે છે એટલે બધું ચાલે છે.'
|
|