સ્વામીશ્રીના સાંનિધ્યમાં 'શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિપર્વ'ની ઉજવણી....
તા. ૧૬-૯-૨૦૧૧ના રોજ મુંબઈ ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પાવન નિશ્રામાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિપર્વ ભક્તિભાવપૂર્વક ઊજવાઈ ગયું. દાદર મંદિરનું પ્રાંગણ સંતો-હરિભક્તોથી ઊભરાતું હતું. સવારથી જ ઉત્સવનો માહોલ છવાયો હતો.
નિયત સમયે સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને નિજ નિવાસની બહાર પધાર્યા. પ્રમુખસદનના પ્રતીક્ષાખંડમાં સારંગપુર સંત તાલીમ કેન્દ્રમાં તાલીમ લઈને આવેલ ૫૧ સંતોને સૌપ્રથમ સ્વામીશ્રીનાં દર્શન થયાં. હરોળબદ્ધ બેઠેલા આ સૌ સંતોના મસ્તક પર હાથ મૂકી સ્વામીશ્રીએ દિવ્ય સુખ આપ્યું. અહીંથી સ્વામીશ્રીએ અભિષેક મંડપમ્માં પધારી શ્રી નીલકંઠવણીની મૂર્તિ પર જળાભિષેક કરી મંગલ પ્રાર્થના કરી. આજે અભિષેક મંડપમ્માં વિશિષ્ટ શોભા કરવામાં આવી હતી. નીલકંઠવણીની પાર્શ્વભૂમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની ઉત્સવ-મૂર્તિ હાથી પર મયૂરાકાર અંબાડી પર વિરાજીને સૌને દર્શનદાન આપી રહી હતી. આજના પ્રસંગને અનુરૂપ આ ઉત્સવમૂર્તિ અને ગુરુપરંપરાની મૂર્તિઓ સમક્ષ દૂધપાકના કટોરા મૂકવામાં આવ્યા હતા. ગુરુપરંપરાની મૂર્તિ સમક્ષ 'આજે યજ્ઞપુરુષને દ્વાર નોબત વાગે રે લોલ...'ના મધ્યવર્તી વિચાર સાથે ત્રણ શિખરના મંદિરમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ વિરાજમાન હોય તેવી સુંદર રંગોળી શોભી રહી હતી. સ્વામીશ્રી આ વિશિષ્ટ શોભાનાં દર્શન કરી વિશેષ પ્રસન્ન થયા.
અહીંથી સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. મંદિરનો ખૂણે ખૂણો સંતો-હરિભક્તોથી ઊભરાતો હતો. પ્રત્યેકને સ્વામીશ્રીનાં દર્શનની એક ઝલક મેળવવાની તાલાવેલી લાગી હતી. સ્વામીશ્રી પણ સૌને વ્યક્તિગત રીતે મળી રહ્યા હોય એ રીતે સુખ આપી રહ્યા હતા. મંદિરના મધ્યખંડમાં પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પત્તરમાં દૂધપાક પીરસતા હોય એવું સુંદર દૃશ્ય ખડું કરવામાં આવ્યું હતું. સારંગપુરથી આજના પ્રસંગે ખાસ તૈયાર કરવામાં આવેલા દૂધપાકના કટોરા મધ્યખંડમાં ઠાકોરજી સમક્ષ મૂકવામાં આવ્યા હતા. સ્વામીશ્રીએ આ દૂધપાકમાં પ્રાસાદિક ગુલાબ-પાંખડીઓ પધરાવીને દૂધપાક પ્રસાદીભૂત કર્યો. ઘનશ્યામ મહારાજ પણ આજે પુષ્પના વાઘા ધારણ કરીને સૌને દર્શનદાન આપી રહ્યા હતા. મંદિરમાં ઠાકોરજીની આવી અદ્ભુત શોભાનાં દર્શન કરી સ્વામીશ્રી સવિશેષ પ્રસન્ન થયા.
ત્યારબાદ મંદિરમાં ઉપસ્થિત સૌ કોઈને દર્શનદાન આપીને સ્વામીશ્રી નિજ-નિવાસે પધાર્યા. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા દરમ્યાન સંતોએ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિનાં કીર્તનોનું ગાન કરી ભાવાંજલિ અર્પણ કરી હતી.
આ રીતે શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ-પર્વ સૌ માટે અવિસ્મરણીય બની રહ્યું.
|