|
જ્યારે ગુરુવચનના મહિમાનું અલૌકિક પૃષ્ઠ આલેખાયું...
સારંગપુરમાં મંદિરનું બાંધકામ આગળ ધપી રહ્યું હતું. મધ્ય શિખરના તરઘટનો પથ્થર આશરે ૧૫૦ મણનો, જાડા દોરડાના સાત બંધથી બાંધેલો, ઉપર ચઢતો હતો. એટલામાં જાડા દોરડાનું એક બંધ તૂટ્યું, કોઇનેય ખબર પડે એટલામાં તો બીજુ _, ત્રીજુ _, ચોથું એમ છ બંધ તૂટ્યા અને એક જ બંધ ઉપર પથ્થર એક બાજુ લટકી રહ્યો. સૌના જીવ અદ્ધર થઇ ગયા.
આવી કટોકટીભરી પરિસ્થિતિમાં બે-ત્રણ જણા શાસ્ત્રીજી મહારાજને બોલાવી લાવ્યા. સ્વામીએ આ જોતાં જ સોમા ભગતને આજ્ઞા કરી કે, ''પથ્થર ઉપર ચઢીને તૂટેલાં દોરડાં બાંધી દ્યો.'' સ્વામીના આ શબ્દો સૌ આશ્ચર્યવત્ થઈ સાંભળી રહ્યા. એક જ બંધ ઉપર લટકી રહેલા આ પથ્થર ઉપર મહાકાય સોમા ભગત ચઢે તો સોમા ભગતની અને પથ્થરની શી સ્થિતિ થાય? આમ સૌ વિચારી રહ્યા હતા ત્યાં જ સોમા ભગત અત્યંત ગતિ અને ચપળતાથી દોટ મૂકીને ઉપર ચઢીને પથ્થર ઉપર કૂદી પડ્યા. તેમના વજનના હલેસાથી પથ્થરે આંચકો લીધો. નીચે દોરડું પકડી રાખનાર વીસ જણાને તેનો ઉછાળ લાગ્યો. સૌ ભયભીત બની ગયા, પરંતુ પળવારમાં તો સોમા ભગતે એક પછી એક એમ તૂટેલા બધા બંધ બાંધી દીધા. અને નીચે ઊતરી સ્વામીનાં ચરણોમાં આવી નમી પડ્યા. સ્વામીએ આશીર્વાદનો અભય હસ્ત તેઓના મસ્તકે મૂક્યો.
બી.એ.પી.એસ.ના સ્વર્ણિમ ઇતિહાસની આ સોનેરી ક્ષણ છે, જ્યારે ગુરુવચનના મહિમાનું અલૌકિક પૃષ્ઠ ભારતભૂમિ પર આલેખાયું. |
|