|
જ્યારે શ્રીજીમહારાજનું વરદાન સાકાર થયું...
બોચાસણ મંદિરમાં શ્રીઅક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા પછી આશરે દસ વર્ષે પુનઃ બી.એ.પી.એસ. સંસ્થામાં અનેરા ઉત્સવનો માહોલ છવાયો છે. આજે સમગ્ર કાઠિયાવાડ આનંદમાં હિલોળા લઈ રહ્યું છે. કારણ કે, આજે સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજના વરદ હસ્તે મધ્ય મંદિરમાં શ્રીઅક્ષરપુરુષોત્તમ મહારાજ પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે. વિક્રમ સંવત ૧૯૭૨ના વૈશાખ સુદ ૬ના મંગલ દિને, સવારે બરાબર ૯:૦૦ વાગ્યે શાસ્ત્રીજી મહારાજે જ્યારે મૂર્તિઓનો નેત્ર-અનાવરણવિધિ કર્યો અને મૂર્તિ સામે અરીસો ધર્યો ત્યારે મૂર્તિનાં નેત્રોમાંથી નીકળેલા દિવ્ય તેજના ધસમસતા પ્રવાહથી અરીસો તૂટ્યો. અને એ સાથે જ મહારાજ અને સ્વામી મૂર્તિમાં બિરાજી ગયાની સૌને પ્રતીતિ થઈ. ગગનભેદી જયજયકાર કરી સૌએ વાતાવરણ ગજવી મૂક્યું.
આ દિવસે આશરે બે લાખ વ્યક્તિઓનો માનવમહેરામણ સારંગપુરમાં ઊમટ્યો હતો. તેઓના ભોજન માટે અઢીસો મણનો શીરો તૈયાર કરવામાં આવ્યો હતો. બી.એ.પી.એસ.ના સ્વર્ણિમ ઇતિહાસનું સુવર્ણપૃષ્ઠ છે, જ્યારે સારંગપુરમાં મંદિર કરવાનું શ્રીજીમહારાજે જીવા ખાચરને આપેલું વરદાન શાસ્ત્રીજી મહારાજ દ્વારા સત્ય થયું. કેરિયાના ભગુભાઈએ ગુણાતીતાનંદ સ્વામીને કહેલું કે 'તમે કેરિયા રહો. એક નાનું ઘર બાંધી દઉં ને અનાજ બાંધી દઉં તે જીવનભર પોષણ થાય. આવી રીતે ઘરોઘર ભિક્ષા માંગવી ન પડે.'
ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહેલું: 'આ સાધુ તો ત્રણ શિખરના મંદિરમાં, મધ્ય મંદિરમાં સોનાના સિંહાસનમાં, પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ સાથે સોનાના થાળમાં જમનારા છે.'
આ જ ભગુભાઈ ૧૦૬ વર્ષની ઉંમરના આજે સારંગપુર મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત હતા. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સભામાં તેમને વાત કરવા કહ્યું ત્યારે તેમણે એ પ્રસંગ વર્ણવ્યો અને કહ્યું: 'આજે એ મૂળઅક્ષરમૂર્તિ મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ ઉચ્ચારેલાં વચનોને સત્ય થયેલાં જોઉં છુ _.' |
|