Annakut 2007
 

જ્યારે બી.એ.પી.એસ.ની ઓળખ સમી અક્ષર-દેરી પ્રાપ્ત થઈ...

ગોંડલમાં ગોંડલી નદીના તટે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પાર્થિવ દેહનો જ્યાં અગ્નિસંસ્કાર થયેલો તે સ્થાન અક્ષરદેરી તરીકે સંપ્રદાયમાં પ્રસિદ્ધ હતું. અક્ષરદેરી એક મહાપ્રતાપી સ્થાન, જેના દિવ્ય અનુભવો અનેક લોકો કરી ચૂક્યા હતા. તે મહાપ્રતાપી સ્થાનની જમીન લેવા સંબંધી કાર્યવાહી હરિભાઈ અમીન કરી રહ્યા હતા. તેઓએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું: ''ગોંડલ મહારાજાએ બે લાખ રૂપિયામાં તે જમીન આપવાનું કબૂલ કર્યું છે.''
આ સાંભળી હસતાં હસતાં શાસ્ત્રીજી મહારાજ કહેઃ 'એટલી રકમ ન હોય!'
હરિભાઈ કહેઃ ''સ્વામી! કેટલી રકમ વ્યાજબી કહેવાય?''
''પચીસ હજાર.'' શાસ્ત્રીજી મહારાજ બોલ્યા.
હરિભાઈ તો આ સાંભળી સ્તબ્ધ બની ગયા. પરંતુ વિશેષ આશ્ચર્ય તો તેઓને ત્યારે થયું જ્યારે ગોંડલ મહારાજાએ દોઢ લાખ રૂપિયાની કિંમતે નૂરમહંમદ શેઠને વેચેલી આ જમીન, તે વેચાણખત રદ કરીને પચીસ હજાર રૂપિયાની મામૂલી રકમમાં વેચવાનું નક્કી કર્યું. રાજ્યના હિતમાં એક દોકડાનું પણ નુકસાન સહન ન કરનાર મહારાજાએ આટલી સામાન્ય રકમમાં અક્ષરદેરીની જમીન આપી તે શાસ્ત્રીજી મહારાજની જ પ્રેરણા છે તેમ હરિભાઈને લાગ્યું.
આમ, પોતાના પ્રૌઢ પ્રતાપથી શાસ્ત્રીજી મહારાજે અક્ષરદેરી સંપાદિત કરી એ ક્ષણ, બી.એ.પી.એસ.ના ઇતિહાસની સુવર્ણ ક્ષણ હતી. કારણ કે, સમય જતાં આ જ અક્ષરદેરી બી.એ.પી.એસ.ની ઓળખ બની આદિવાસીના ઝુપડાથી લઈને 'યુનો'ના સભાસદન સુધી પહોંચવાની હતી.