Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

મુંબઈમાં સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં સત્સંગની હેલી

તા. ૫ જાન્યુઆરી થી તા. ૨૩ જાન્યુઆરી સુધી મુંબઈ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર, દાદરમાં બિરાજીને પ્રમુખસ્વામી મહારાજે સત્સંગની અમૃતવર્ષા કરી હતી. સ્વામીશ્રીનો દિવ્ય લાભ મેળવવા માટે સવાર-સાંજ હરિભક્તોની વિશાળ મેદનીથી મંદિરનો ખૂણેખૂણો છલકાઈ રહ્યો હતો.

તા. ૬-૧-૨૦૦૫ના રોજ સંધ્યા સત્સંગસભામાં 'યોગી સભાગૃહ'માં વિવેકસાગર સ્વામીએ વચનામૃતના આધારે પારાયણનો મંગલ આરંભ કર્યો હતો. સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું હતું: 'ભગવાનના સુખનો મહિમા સમજાયો હોય તો સંસારનું સુખ ગૌણ થઈ જાય. ગૌણ એટલે શું? જીવમાં એની મહત્તા ન રહે. સત્સંગ, ભગવાનની કથાવાર્તા, મંદિરે જવું એ જ જીવનમાં મુખ્ય રહે. ભગવાન અને સંત મળ્યા છે. હવે ભગવાન ન ભજીએ તો વાંક આપણો છે. બીજે બધે કળિકાળ છે, પણ આપણે સત્યુગ છે. કારણ, એવો સાચો લાભ મળી ગયો છે. હવે ભગવાન ને સંતનાં વચનમાં દૃઢ વિશ્વાસ ને આત્મબુદ્ધિ થઈ જાય તો કામ થઈ જાય ને બેડો પાર થઈ જાય. એવા જોગી મહારાજ મળ્યા છે તો એમની આજ્ઞા છે કે સત્સંગ કરવો, ભજન કરવું અને દેહભાવ મૂકી બ્રહ્મરૂપ થઈ ભગવાનને રાજી કરવા.'
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્થાપિત કન્યા છાત્રાલય- 'સ્વામિનારાયણ વિદ્યાપીઠ'ની છાત્રાઓએ હૈદરાબાદમાં વિવિધ સ્પર્ધાઓમાં ખૂબ જ ઉજ્જ્વળ દેખાવ કરી ઘણાં પારિતોષિક પ્રાપ્ત કર્યાં હતાં. ૮-૩૦ વાગે ભોજન દરમ્યાન અમિતભાઈ ત્રિવેદીએ આ છાત્રાઓની ઉજ્જ્વળ કારકિર્દીનો ચિતાર સ્વામીશ્રી સમક્ષ રજૂ કર્યો હતો.
તા. ૭-૧-૨૦૦૫ના રોજ સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીના વચનામૃત નિરૂપણ બાદ એક પ્રેરક પ્રસંગ રજૂ કરવામાં આવ્યો હતો. સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું: 'આપણે ભગવાનની જેટલી આજ્ઞા પાળીએ, એટલું કાર્ય આપણા માટે સરળ થઈ જાય છે. એ આજ્ઞામાં વિશ્વાસ હોવો જોઈએ. ભગવાન અને સંતનાં વચનમાં વિશ્વાસ હોય તો કામ થઈ જાય. ભગવાનની આજ્ઞા ભેગી મૂર્તિ. એટલે ભગવાન પોતે જ આપણી સાથે આવે, પણ એ વિશ્વાસ હોય તો. ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીમાં સંપૂર્ણ વિશ્વાસ હતો કે એ જે બોલે છે એ બધું સાચું જ છે. એ જે જે કરે છે એ સાચું છે.

એવી આજ્ઞા કે જે વસ્તુ ન જ બની શકે એમાં પણ વિશ્વાસ રાખીએ તો રાજીપો થાય. ભગવાનની આજ્ઞા આપણા શ્રેય માટે જ હોય છે. આપણને ખબર નથી એટલે આપણને એમાં સંશય થાય છે, પરિણામે રાજીપો થાય નહીં.
એ રાજીપો લેવા માટે ભગવાનની ઇચ્છા, મરજી સમજીને શાસ્ત્રોનાં વચનમાં વિશ્વાસ રાખવો. સ્વામી કહે : 'આખા મંદિરનું કામ એકલો કરતો હોય અને લાખો માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે મનધાર્યું કરતો હોય તો એ ન્યૂન છે. મોટાપુરુષની આજ્ઞાથી થોડોક સત્સંગ કરાવતો હોય તો એ અધિક છે.'

તા. ૮-૧-૨૦૦૫ના રોજ સાયં સત્સંગસભામાં હરિકૃષ્ણ મહારાજનો 'ષોડશોપચાર પૂજન'નો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વિવેકસાગર સ્વામીના પ્રવચન બાદ ઘનશ્યામભાઈ કાગરાણી, શિવાભાઈ અને અતિનિર્મળ વગેરે પરિવારજનોએ હરિકૃષ્ણ મહારાજનું ત્રણ વખત 'ષોડશોપચાર' પૂજન કર્યું હતું. સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા.

રાત્રિ ભોજન દરમ્યાન અક્ષર પ્રકાશ સ્વામીએ બાળકાર્યકરોનો પરિચય અને પ્રવૃત્તિનો રિપોર્ટ આપ્યો હતો. સૌ કાર્યકરોએે સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

તા. ૯-૧-૨૦૦૫ના રોજ સંધ્યા સમયે અમેરિકા સ્થિત 'શેર એન્ડ કેર' સંસ્થાના ડૉ. નયનભાઈ શાહ વગેરે કાર્યવાહકો સ્વામીશ્રીનાં દર્શને પધાર્યા હતા. તાજેતરમાં સુનામી હોનારતમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ કરેલા રાહતકાર્યને તેમણે દક્ષિણ ભારતમાં પ્રત્યક્ષ નિહાળ્યું હતું. તેઓએ સ્વામીશ્રીને પ્રતિભાવ આપતાં કહ્યું: 'આપનું કાર્ય અમે જોયું છે. મદ્રાસમાં જઈને ત્યાં પણ જોયું છે. જે રીતે સમર્પિત થઈને બધા સેવા કરે છે, એ અદ્‌ભુત છે. એટલે આપ જે રીતે કાર્ય કરો છો એમાં અમે સહયોગ આપવા માટે આવ્યા છીએ.'

સ્વામીશ્રીએ તેઓને આશીર્વાદ આપ્યા. રવિવારને લીધે આજે હૉલ ઉપરાંત મંદિરના તમામ હૉલ પણ ભરાઈ ચૂક્યા હતા. સ્વામીશ્રીની અમૃતવાણીના ધ્વનિમુદ્રિત કૅસેટસંપુટ-૯નું ઉદ્‌ઘાટન આદર્શજીવન સ્વામીએ કોઠારી સ્વામીના હસ્તે કરાવ્યું. સ્વામિનારાયણ અક્ષરપીઠ તરફથી ફાઈબર ગ્લાસમાંથી બનાવેલી પુસ્તક-ગ્રંથ મૂકવા માટેની ઘોડીનું ઉદ્‌ઘાટન પણ સ્વામીશ્રીએ કર્યું. ત્યારબાદ આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ સ્વામીની વાતનું નિરૂપણ કરી ભગવાનના દિવ્ય કર્તૃત્વનો અદ્‌ભુત મહિમા સમજાવ્યો. અંતમાં સ્વામીશ્રીએ ૪૫ મિનિટ સુધી સૌને સમીપદર્શનનો લાભ આપ્યો હતો.
રાત્રિભોજન સમયે કિરણભાઈ શાહ તથા અન્ય હરિભક્તોએ મહિલા પ્રતિનિધિઓ જાતે ઘસાઈને કેવું ઉત્તમ સત્સંગ-કાર્ય કરે છે તેનો અહેવાલ આપ્યો.

તા. ૧૦મી જાન્યુઆરીએ મહિલાઓ દ્વારા ભક્તિદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે ઠાકોરજીને ધરાવવામાં આવેલા અન્નકૂટનાં દર્શન સ્વામીશ્રીએ કર્યાં. સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન મંચ ઉપર ૬૫ ડબ્બાઓવાળી 'અક્ષરધામ એક્સપ્રેસ' ગાડીમાં મહિલા-મંડળ દ્વારા તૈયાર કરાયેલી વિવિધ વાનગીઓ અન્નકૂટ રૂપે મૂકવામાં આવી હતી. તેઓની ભાવનાઓને જયદીપ સ્વાદિયાએ પોતાનો કંઠ આપ્યો. ત્યારબાદ જાણીતા ગાયક આશ્કરન્‌ શર્માએ મંગલાચરણ અને ધૂન ગવડાવી પોતાની કલાને પાવન કરી હતી.

સંધ્યા સત્સંગસભામાં પારાયણ પછી 'મહિલાદિન' નિમિત્તે જુદા જુદા કાર્યકરો અને યજમાનો દ્વારા હરિકૃષ્ણ મહારાજનું 'ષોડશોપચાર પૂજન' કરવામાં આવ્યું.

તા. ૧૧-૧-૨૦૦૫ના રોજ સ્વામીશ્રીનો ૬૫મો ભાગવતી-દીક્ષાદિન હતો. મુંબઈ સત્સંગમંડળ આજના મહિમાવંતા દિવસે સ્વામીશ્રીનાં દિવ્ય દર્શને ઉમટ્યું હતું. યોગી સભાગૃહમાં સંધ્યા સત્સંગસભા દરમ્યાન વચનામૃત નિરૂપણ પછી સ્વામીશ્રીની દીક્ષાદિન પ્રસંગની સ્મૃતિ સાથે વિશિષ્ટ કાર્યક્રમ શરૂ થયો. હિતેશ પાનેરાએ 'બાળસ્નેહી સ્વામીશ્રી', સનત દોશીએ 'સ્વામીશ્રીની પરાભક્તિ', સ્નેહ પટેલે 'સ્વામીશ્રીની ગુરુભક્તિ' અને વિરલ મિસ્ત્રીએ 'વિરલ સંત પ્રમુખસ્વામી મહારાજ' એ વિષય ઉપર છટાદાર વકતવ્ય આપીને પ્રકાશ પાથર્યો. ત્યારપછી બાળપ્રવૃત્તિના બાળકોએ 'મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ...' એ ગીતના આધારે સુંદર નૃત્ય રજૂ કર્યું.

ત્યારબાદ સ્વામીશ્રીએ સ્વામીની વાત પર નિરૂપણ કરતાં જણાવ્યું કે, 'માણસને તરત બ્રહ્મરૂપ થવું છે. મંદિરમાં જઈએ, દર્શન કરીને, પાંચ માળા કરીએ એટલે તરત આપણું કામ થઈ જ જાય, એવી ઇચ્છા રહે છે. પણ એમ થાય નહીં. દરેક બાબતમાં સાધનાઓ હોય છે. લાઇટની શોધ માટે એડીસને કેટલી સાધનાઓ કરી છે ? અમેરિકાએ ચંદ્ર પર યાન મોકલ્યું, પણ એની પાછળ સાધના કેટલી ? એમ આપણા ૠષિમુનિઓએ અંતરની શાંતિ માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે ઘણાં વર્ષો સુધી સાધના કરી છે, પણ માણસને ઉતાવળ બહુ છે. દૂધમાં રાત્રે મેળવણ નાખી દહીં કરવા મૂક્યું હોય, પણ રાત્રે કલાકે કલાકે વારંવાર આંગળી બોળ્યા કરે તો સવારે દહીં ન થાય, ફોદા થઈ જાય. એમ આપણે પણ ભગવાન પાસે જઈએ ને કેમ થયું નહીં... કેમ થયું નહીં ? કરીએ તો ફોદા થઈ જાય ! એના ક્રમ પ્રમાણે બધું થવાનું જ છે. આપણે ધીરજ રાખવાની, મહિમા સમજવાનો, શાંતિ રાખવાની. થાય ન થાય તેના કર્તા ભગવાન છે.'
આજે મુંબઈના ડેપ્યુટી મેયર શ્રી પટેલે સભામાં ખાસ ઉપસ્થિત રહીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |