સુપ્રિમ કોર્ટમાં અક્ષરધામ, દિલ્હીનો વિજયઘોષ તા. ૧૨-૧-૨૦૦૫નો દિવસ માત્ર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનો એક અવિસ્મરણીય દિવસ બની રહ્યો હતો. રાજધાની દિલ્હીમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના સંકલ્પે પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય સ્મૃતિમાં પ્રગટ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજ ભારતીય સંસ્કૃતિનું અદ્વિતીય પરિસર 'સ્વામિનારાયણ અક્ષરધામ' સર્જી રહ્યા છે. અક્ષરધામ નિર્માણની આ કલ્યાણકારી પ્રવૃત્તિને થંભાવવા માટે કેટલાક અસંતુષ્ટ લોકોએ ખોટા આરોપો ઘડીને ભારતની સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આજે સુપ્રિમ કોર્ટમાં આ ઐતિહાસિક કેસનો નિર્ણય આવવાનો હતો. કોર્ટમાં કેસ દાખલ થયો ત્યારથી જ સ્વામીશ્રી પ્રાર્થના કરી રહ્યા હતા. આજે સવારે ઠાકોરજીનાં દર્શન કરતી વખતે પણ પ્રાર્થના કરતાં સ્વામીશ્રી ભાવમગ્ન બની ગયા હતા. પ્રાતઃપૂજામાં પણ એ જ ભાવથી સ્વામીશ્રી પ્રાર્થના કરી રહ્યા હતા. આજે આખી પૂજા દરમ્યાન એ માટે જ અખંડ ધૂનનો કાર્યક્રમ થયો. માત્ર અહીં જ નહીં, સ્વામીશ્રીની આજ્ઞા મુજબ દેશ-વિદેશમાં હજારો કેન્દ્રોમાં સંતો-હરિભક્તો ધૂન-પ્રાર્થનામાં પરોવાઈ ગયા હતા. અક્ષરધામ કેસ નિમિત્તે પૂજા દરમ્યાન ઘાટકોપરના યુવકોએ ૫૫૬ દંડવત્ અને ૧૧૫૧ માળા પણ કરી હતી. આખરે, સ્વામીશ્રીની આ પ્રાર્થનાની શક્તિનો વિજય થયો. સતત સવા કલાક સુધી બંને પક્ષની દલીલો સાંભળીને સુપ્રિમ કોર્ટના વિદ્વાન ન્યાયાધીશોએ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્માણ પામી રહેલ અક્ષરધામની સમગ્ર પ્રવૃત્તિને સંપૂર્ણતઃ કાયદેસર, બિનવિવાદાસ્પદ અને તમામ આરોપોથી મુક્ત જણાવી હતી. વિઘ્નકર્તા અરજદારોની અરજીને તેમણે બિનશરતી ફગાવી દીધી હતી. ગણતરીની ક્ષણોમાં જ પ્રસાર માધ્યમો દ્વારા સમગ્ર વિશ્વમાં અક્ષરધામના વિજયના ડંકા વાગવા લાગ્યા. સત્સંગસમાજમાં સર્વત્ર આનંદનો માહોલ છવાઈ ગયો. સ્વામીશ્રીનો આદેશ છે : 'બીજાના ભલામાં આપણું ભલું... બીજાના આનંદમાં આપણો આનંદ.' આ કડીઓમાં હું સમજું છું કે અધ્યાત્મનો સાર આવી જાય છે.' છેલ્લે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ અદ્ભુત વાતો કરી : 'આજે આપણને બધાને ખૂબ આનંદ થયો છે, 'અતિ આદર્યું કામ અતોલ, વિઘનને વામવા...' સારા કામમાં સો વિઘન આવે, પણ એમાં ભગવાનની ઇચ્છા હોય એમ જ થવાનું હોય છે ને થાય છે, પણ 'માણસ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ, આદર્યાં અધૂરાં રહે અને હરિ કરે સો હોય.' માણસ સારા કામમાં વિઘ્ન નાખવા પ્રયત્ન કરે છે, પણ ભગવાન આગળ કોઈનું ચાલતું નથી. ભગવાન અને સંતનું કાર્ય જીવોનાં કલ્યાણ માટે, પરોપકાર માટે, બીજાના સુખને માટે છે, પણ ઈર્ષ્યાવાળા કોઈનું સારું દેખી શકે નહીં. ઈર્ષ્યાળુ બીજાના દુઃખમાં પોતાને સુખિયો માને, બીજાને હેઠો પાડવો, એમાં સુખ માને છે. વિઘ્ન, વિક્ષેપ કરીને સંતોષ માનવો એ આસુરીબુદ્ધિ છે. પોતાનું નહીં જુએ ત્યાં સુધી માણસને અશાંતિ જ રહેવાની જ છે. આણે આમ કર્યું, આણે તેમ કર્યું - એમ બધાની પંચાત કર્યા વગર આપણે પોતાની પંચાત કરીએ તો સુખિયા, બીજાની (પંચાત) કરશો તો દુઃખના દરિયા. ભગવાનનું કાર્ય ભગવાન કરે છે. જે કંઈ દિલ્હીનો સંકલ્પ છે એ યોગીજી મહારાજનો સંકલ્પ છે. એ મહાસમર્થ સંત કહેવાય. જે બોલે એ સિદ્ધ થાય. સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર રહ્યા ને મંદિરો થાય એ સંકલ્પ કર્યો, શાસ્ત્રીજી મહારાજે મંદિરો કર્યાં, ને જોગી મહારાજનો સંકલ્પ કે દિલ્હીમાં જમુનાને કિનારે મંદિર થાય. ગઢિયાને લખે કે ગવર્નર સાહેબને મળજો, હાર મોકલાવે અને પ્રસાદેય મોકલાવે. સંકલ્પ કે મંદિર પાછું જમુનાને કિનારે જ કરવું છે. આપણને જમુના નદીના કિનારે પાંચ એકર જમીન મળી, પણ પછી પાછું ફરી ગયું. ને છેવટે આ જગ્યા મળી એ જમુના કિનારે જ છે. આટલાં વર્ષો ધીરજ રાખી. એમનો સંકલ્પ બળિયો હતો તો વર્ષો પછી પણ એ જગ્યા મળી. એવી સુંદર જગ્યા મળી કે દિલ્હીમાં ટોચ કહેવાય તેવી ! કામ પણ ચાલુ થઈ ગયું. ઈર્ષ્યાળુ માણસોને આ ભાવ થયા કરે, પણ ભગવાનનું કામ અટક્યું નથી. ભગવાન રામના વખતમાં ને ભગવાન કૃષ્ણના વખતમાં પણ વિઘ્ન આવ્યાં છે. શ્રીજીમહારાજને ગઢડામાં ટેકરા પર મંદિર કરવું હતું, પણ વિઘ્ન આવ્યું, પરંતુ પણ શાસ્ત્રીજી મહારાજે ધીરજ રાખી, રાજ્ય પલટો થયો ને ટેકરા પર મંદિર કર્યું. ભગવાન ને મોટાપુરુષ જે બોલે તે મીનમેખ ન થાય, તે થાય જ, સૂર્ય-ચંદ્ર ફરે પણ એ વાણી ફરે નહીં. ગમે તેટલા ઉધામા કરે, પણ મોટાપુરુષની વાણી સફળ થાય છે, સફળ રહેવાની છે, સફળ થશે. જોગીમહારાજનો બળિયો સંકલ્પ છે માટે થોડું થોડું વિઘ્ન આવે છે, પણ નિવારણ ભગવાન કરે છે. જોગી મહારાજ એનું નિવારણ કરે છે, એ કરી રહ્યા છે ને કરશે અને એમાં કોઈ વાંધો આવવાનો નથી, નિર્વિઘ્ન થશે, જય જયકાર થઈ જશે, સર્વોપરી ડંકો વાગી જશે. ધામધૂમથી એની પ્રતિષ્ઠા થશે. હજારો-લાખો માણસો આવશે. જોગીજી મહારાજનો સંકલ્પ છે કે જે આવશે, દર્શન કરશે તે બધાનું કલ્યાણ થશે. ભગવાન જે કરે છે તે સારા માટે. વિઘ્ન લાવે છે એ સારા માટે અને વિઘ્ન ટાળે છે પણ સારા માટે.' |
||