|
સુરતમાં સ્વામીશ્રીના હસ્તે નીલકંઠ વણીની અભિષેક-મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા
તા. ૨૫-૧-૨૦૦૫ના રોજ સુરતવાસી હરિભક્તોની ભક્તિગંગાને વિશેષ વેગ આપવા માટે પ્રમુખસ્વામી મહારાજે અહીંના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં વેદોક્તવિધિપૂર્વક શ્રી નીલકંઠવણીની પંચધાતુની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.
સુરત શહેર માટે આજના આ ઐતિહાસિક દિને ઠેર ઠેરથી પદયાત્રીઓ સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં ઊમટ્યા હતા. સુરતના ગ્રામ્ય વિભાગનાં કંથરાજ, કરસોલી, વેળુક, કુદિયાણા અને અરિયાણા ગામમાંથી ૫૫ પુરુષો અને ૩૫ મહિલાઓ ૩૦ કિલોમીટરથી માંડીને ૧૫ કિલોમીટર સુધીની પદયાત્રા કરીને આવ્યાં હતાં.
સવારે સ્વામીશ્રી મંદિરમાં દર્શનાર્થે પધાર્યા ત્યારે મધ્યખંડમાં ગુણાતીતાનંદ સ્વામીના દીક્ષાનો માહોલ રચવામાં આવ્યો હતો. શ્રીજીમહારાજ હાથમાં જનોઈ લઈને ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપવા તત્પર જણાતા હતા. સામે રચવામાં આવેલી યજ્ઞવેદીની ધૂમ્રસેરો ગુણાતીતની ગાથાને ગગનમાં વહાવવા માટે તત્પર હતી. આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં હતાં.
સવારે ૧૦-૩૦ વાગ્યે સ્વામીશ્રી 'નીલકંઠવણી પ્રતિષ્ઠા મહોત્સવ' માટે મંદિરના નીચેના ભાગમાં આવેલા રંગમંડપમાં પધાર્યા. પંચધાતુના નીલકંઠ વણી આરસના બનાવેલા કમળના આસન ઉપર વિરાજિત હતા. સ્વામીશ્રી પધાર્યા ત્યારે ઘનશ્યામભાઈ શાસ્ત્રીએ પ્રતિષ્ઠાનો પૂર્વવિધિ પૂરો કરી દીધો હતો. સ્વામીશ્રીએ પધારીને નીલકંઠ વણીની અભિષેક મૂર્તિમાં ઐશ્વર્યનું આરોપણ કર્યું. આજુબાજુ ૧૭૪ જેટલા યજમાનો પ્રથમ પ્રતિષ્ઠાના લાભ માટે બેઠા હતા. વણીની મૂર્તિની સેવા કરનાર યુવામંડળને પણ દર્શન કરવા માટે સ્થાન આપવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠા પછી પ્રથમ આરતી ઉતારીને વણીનું સ્વામીશ્રીએ પૂજન કર્યું. ત્યારબાદ સુવર્ણ કળશ વડે પંચામૃત, કેસર જળ અને છેલ્લે શુદ્ધ જળથી વણીનો અભિષેક કર્યો. ત્યારપછી નીલકંઠ વણી સૌના સંકલ્પ પૂરા કરે એ માટે ધૂન કરીને ઉપસ્થિત યજમાનોને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા.
પ્રતિષ્ઠા પ્રસંગના આજના અવસરે યોજાયેલી સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીએ પ્રારંભમાં નીલકંઠ-મહિમા સમજાવ્યો. બાદ પ્રતિષ્ઠામાં સહયોગ આપનારા સુનીલભાઈ પટેલ (અમરોલી), પુરુષોત્તમદાસ પટેલ, પંકજભાઈ પટેલ, ધીરુભાઈ દેડિયા, નરસિંહભાઈ ગંગાજળિયા, જયંતીભાઈ પટેલ (ઉગામેડી), મનુભાઈ એન્જિનિયર, અમરશીભાઈ (લાખિયાણી), ધર્મેશભાઈ, હિમાંશુભાઈ દેસાઈ તથા સુનીલભાઈ (મારબલ) વગેરે સૌ હરિભક્તોએ પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ સૌ ઉપર આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'નીલકંઠ મહારાજની જય. સુરત શહેર બહુ ભાગ્યશાળી છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે આવીને અહીં ભક્તોને ખૂબ સુખ આપ્યું છે. અરદેશર પારસીએ શ્રીજીમહારાજની ખડેપગે સેવા કરી છે ને ભગવાન સ્વામિનારાયણે અહીં એટલો બધો રાજીપો બતાવ્યો કે પોતાની પાઘ સુરત શહેરને આપી. ગુણાતીતાનંદ સ્વામી પણ અહીં પધાર્યા. શાસ્ત્રીજી મહારાજ અહીં પધાર્યા ને પારાયણો થઈ. મગનભાઈ, ગોવિંદજી ને બીજા ભક્તો થોડા હતા, પણ પારાયણમાં સ્ટેશનથી નગરયાત્રા નીકળી તે બજાર ચિક્કાર, મેડી ઉપર માણસો, એ પ્રતાપ શાસ્ત્રીજી મહારાજે બતાવ્યો હતો. જોગી મહારાજ પણ અહીં વારંવાર પધાર્યા. આશાભાઈ ને બધાને સત્સંગ થયો. લાલદરવાજા પાસે વાડીમાં સભા થતી ને એ પુરુષોની દૃષ્ટિ, કૃપા ને આશીર્વાદથી સત્સંગ કેવો વધ્યો છે તે આપણે જોઈએ છીએ. નાણાવટમાં મંદિર ચાલ્યું, પણ ભગવાનની ઇચ્છા, બધાનો પુરુષાર્થ તે નદીકિનારે આ જગ્યા મળી ગઈ. તાપી પવિત્ર છે, એના કિનારે મહારાજ-સ્વામી બેઠા અને ડંકો વાગી ગયો. આજે હજારો, લાખો માણસો લાભ લે છે, એ આપણે જોઈએ છીએ.
આપણું કાર્ય વધે છે એનું કારણ આપણને ભગવાનની નિષ્ઠા છે, ભગવાનનો મહિમા છે, સત્સંગનો મહિમા છે ને પોતાના કલ્યાણનો ખપ છે. ખપ ને મહિમાથી આ કાર્ય થયું છે. શહેરમાં ચારેય બાજુ સત્સંગનું કાર્ય થાય છે, ઉત્સવો પણ ઊજવાય છે. એમાં આ વખતે નીલકંઠ વણીની પ્રતિષ્ઠા થઈ. વણીને વનવિચરણમાં કેટલી મુશ્કેલી પડી, પણ એ બધું કરવા પાછળ એ હતું કે હજારોને એમનાં દર્શન થયાં, એમના સ્વરૂપનો નિશ્ચય થાય ને ધામને પામે, આત્યંતિક કલ્યાણ થાય. દેહભાવ ટાળવા અને બ્રહ્મભાવ લાવવા ગુણાતીતાનંદ સ્વામીને સાથે લાવ્યા. શાસ્ત્રીજી મહારાજે બે સ્વરૂપો પધરાવ્યાં ને ઓળખાવ્યાં. હવે નીલકંઠ વણીની આજે પ્રતિષ્ઠા થઈ છે. જે જે સંકલ્પો હોય એ બધા શુદ્ધભાવથી પ્રાર્થના કરીશું તો નીલકંઠ વણી પૂરા કરશે. આપણે સામી ભક્તિ એ કરવાની છે કે એમના સ્વરૂપમાં અખંડ દિવ્યભાવ રહે. બધાના સંકલ્પો પૂરા થાય એ તો કરે છે, પણ મોટામાં મોટું એ થાય કે બ્રહ્મરૂપ થવાનો સંકલ્પ, અક્ષરધામમાં જવાનો સંકલ્પ, ભગવાનનો મહિમા સમજાય એ સંકલ્પ, સત્સંગ વધે એ સંકલ્પ - એ સંકલ્પો સિદ્ધ થાય અને અજ્ઞાન દૂર થાય એવા સંકલ્પો મહારાજ પૂરા કરે. આપણે ખબડદાર રહેવું. વ્યવસાયમાં પડ્યા છીએ, પણ એમાં સતત જાગૃતિ રહે એટલા માટે મંદિર, સંતો છે. કાયમ સત્સંગની કથા વાતો થાય તો એક દિ' ઘડતર થઈ જાય. આપણું જીવન સંસ્કારમય બને એટલે સતત સેવન.'
આજે સંધ્યા સત્સંગસભામાં ભૂપેન્દ્રભાઈ ધીરુભાઈ પટેલ લિખિત 'નીલકંઠ વણીને વધાવો રે...' એ સુંદર સંવાદ અહીં રજૂ કરવામાં આવ્યો. સુરત ક્ષેત્રની બાલિકાઓએ ૩૦ દિવસ સુધી મહેનત કરીને ઊનનો હાર બનાવ્યો હતો. એ હાર શ્રીનિવાસ સ્વામીએ, મહિલામંડળ દ્વારા બનાવવામાં આવેલા ફૂલનો હાર પ્રભુચરણ સ્વામીએ તથા નવીન જેમ્સના માલિક અરવિંદભાઈ શાહે જૈન સમાજવતી અને ભડિયાદરા જેમ્સના નારાયણભાઈ ભડિયાદરાએ વરાછા ડાયમંડ ઉદ્યોગ વતી પુષ્પહાર અર્પણ કરીને સ્વામીશ્રીને સત્કાર્યા.
છેલ્લે આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે 'જેને આ જગતનું કાંઈ ન જોઈએ અને ભગવાન સાથે જે એકતાર છે એ સંત સુખિયા છે. જોગી મહારાજ જેવા સંત મળ્યા, એવા સંત સુખિયા હોય છે.'
|
|