પ્રજાસત્તાક દિને સુરતમાં યુવાદિનનો વિશિષ્ટ માહોલ
સુરતમાં તા. ૨૬-૧-૨૦૦૫ના રોજ પ્રજાસત્તાક દિનની પ્રભાતે સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં યુવાદિન ઊજવીને યુવાનોએ ભારતીય અસ્મિતાના ધ્વજ લહેરાવ્યા હતા. સવારે સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા ત્યારે તિરંગા ઝંડા લહેરાવતા બે યુવકોએ સ્વામીશ્રીને તિરંગા આપ્યા અને સ્વામીશ્રીએ બંને હાથે ઝંડાને ફરકાવીને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. પ્રજાસત્તાક દિન નિમિત્તે ત્રિરંગા ઝંડાઓનું સઘળે સામ્રાજ્ય વર્તાઈ રહ્યું હતું. સ્વામીશ્રીના ગમનપથની આજુબાજુ દર્શન માટે ઊભેલા હરિભક્તોના હાથમાં પણ નાના ત્રિરંગી ઝંડા લહેરાઈ રહ્યા હતા. સ્વામીશ્રી નીલકંઠ વણી પાસે પધાર્યા. અહીં અભિષેક દરમ્યાન ભારતની પ્રગતિ અને શાંતિ માટે સંકલ્પ કરીને વિશેષ આશીર્વાદ આપ્યા અને ત્યારબાદ ઠાકોરજી સમક્ષ પધાર્યા. અહીં પણ ત્રિરંગા ઝંડાનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું હતું. નજીકમાં જ ધ્વજવંદન માટેનો ધ્વજ આરોપિત કરવામાં આવ્યો હતો. સ્વામીશ્રીએ એ ધ્વજની દોરી છોડીને ઝંડો લહેરાવ્યો. સ્વામીશ્રીએ જેવો ઝંડો લહેરાવ્યો કે તરત જ ઘુમ્મટમાં બેઠેલા સૌ હરિભક્તોએ પણ ધ્વજવંદનના ભાગરૂપે હાથમાં રાખેલા ઝંડા ફરકાવ્યા. ખૂબ અદ્ભુત દૃશ્ય લાગી રહ્યું હતું. પ્રદક્ષિણાપથ ઉપર પણ જેટલા હરિભક્તો દર્શન માટે ઊમટ્યા હતા એ સૌના હાથમાં ધ્વજ ફરફરી રહ્યો હતો. પરિસરમાં દર્શન કરી રહેલાં સૌના હાથમાં પણ ધ્વજ ફરફરી રહ્યા હતા. સ્વામીશ્રીએ પણ નાની ઝંડી બેય હાથમાં લઈને ફરકાવતાં ફરકાવતાં ઠેઠ પગથિયાં સુધી આવીને સૌને સ્મૃતિ આપી. 'નારાયણ કથાકુંજ'માં પ્રાતઃપૂજા બાદ ઉતારે પધારીને ૭૧૨ જેટલા બાળકોને સ્વામીશ્રીએ વર્તમાન ધરાવ્યાં.
આજે સંધ્યાસભામાં 'યુવાદિન' નિમિત્તે વિવેકસાગર સ્વામીની પારાયણ પછી યોગવીર સ્વામી લિખિત સંવાદ 'વિજય ધ્વજ લહેરાવો રે...' પ્રસ્તુત કરવામાં આવ્યો. આજના પ્રજાસત્તાક દિનને લક્ષ્યમાં રાખીને ભારતીય સંસ્કૃતિના તારણહાર સ્વામીશ્રીએ સજ્જ કરેલા પ્રામાણિક અને નિષ્ઠાવાન યુવકોનાં પ્રેરક દૃષ્ટાંતો પર પ્રકાશ પાથરવામાં આવ્યો. ત્યારબાદ 'ભારતકી હમ શાન હૈ...' એ કૂચગીત નૃત્ય સાથે ગૂંજવા લાગ્યું ત્યારે સામે બેઠેલા હજારો શ્રોતાઓના હાથમાં ધજાઓ ફરફરી રહી હતી. સ્વામીશ્રીએ પણ બેય હાથમાં ધજા લઈને આ શૌર્યગીતમાં પ્રાણ પૂર્યો. અદ્ભુત દૃશ્ય હતું.
૮૪ યુવતીઓ દ્વારા ૮૪ નિર્જળ ઉપવાસ કરીને બનાવવામાં આવેલો ગુલાબનો હાર યુવકોએ સ્વામીશ્રીને અર્પણ કર્યો. સ્વામિનારાયણ મહામંત્ર રટતાં રટતાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલો નાડાછડીનો હાર સુરત ક્ષેત્રના કાર્યકરોએ સ્વામીશ્રીને પહેરાવ્યો. ત્યારબાદ 'રાષ્ટ્રનિર્માણ રત્ન' એવોર્ડ વિજેતા ભવાની જેમ્સના માલિક મનજીભાઈ રૂડાભાઈને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા.
સૌ ઉપર આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ અસ્મિતા પ્રેરીને સંસ્કારોની દૃઢતા કરવાનું અદ્ભુત બળ સિંચ્યું હતું.
તા. ૨૭-૧-૨૦૦૫ના રોજ સવારે નીલકંઠ હૉલમાં ૨૦૦ જેટલા અપંગ બાળકોને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા. આ અપંગ વિદ્યાર્થીઓના સંચાલક કનુભાઈ ટેલર સ્વામીશ્રીના આશીર્વાદ મેળવવાની ઝંખના સાથે બાળકોને બસમાં લઈને અહીં દર્શને આવ્યા હતા.
|