Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજના મહિમાવંતા પ્રાગટ્યસ્થાનમાં સ્વામીશ્રી

પોતાના ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજનું જન્મસ્થાન મહેળાવ, સ્વામીશ્રી માટે એક અતિ મહિમાવંતું અનન્ય તીર્થ છે. આ તીર્થમાં તા. ૮-૩-૨૦૦૫ના રોજ સંધ્યા સમયે પધાર્યા ત્યારે સ્વામીશ્રીની ગુરુભક્તિનું એક વિશિષ્ટ દર્શન સૌના અંતરાત્માને સ્પર્શી રહ્યું હતું. સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાને પધાર્યા ત્યારે અંધારું થઈ ચૂક્યું હતું. ઠાકોરજી અને ગુરુવર્ય શાસ્ïત્રીજી મહારાજની મૂર્તિનાં ભાવથી સ્વામીશ્રીએ દર્શન-દંડવત્‌ કર્યાં. સ્વામીશ્રી ભાવવશ થઈને દંડવત્‌ કરતાં કરતાં પણ 'સ્વામીજી તો મહાપ્રતાપી...' એ કીર્તનની કડીઓ ગાઈ રહ્યા હતા. દંડવત્‌ પૂરા થયા પછી એકીટશે શાસ્ïત્રીજી મહારાજની મૂર્તિનાં દર્શન કરતા સ્વામીશ્રીએ ધૂન ચાલુ કરી. એકધારા શાસ્ïત્રીજી મહારાજનાં દર્શન કરીને, તો ક્યારેક આંખ મીંચીને એકાગ્રતાથી આ સંકલ્પો કરી સ્વામીશ્રી પ્રાર્થના કરી રહ્યા હતા : 'શાસ્ïત્રીજી મહારાજની ઇચ્છા હતી કે ગઢડામાં ભવ્ય દરવાજો કરવો છે તો એ સારો થઈ જાય; દિલ્હી અક્ષરધામનું કામ સર્વોપરિ થઈ જાય, સર્વોપરિ સમૈયો થઈ જાય ને હજારો ને લાખો હરિભક્તો લાભ લે; ૨૦૦૭માં સંસ્થાનો શતાબ્દી મહોત્સવ સારામાં સારી રીતે ઊજવાય; લોસ એન્જેલસ, એટલાન્ટા, ન્યુજર્સી, અક્ષરધામ, કેનેડા, ભાવનગર, ભાદરા, જૂનાગઢ, બોડેલી, જયપુર- આ બધાં જ મંદિરો વહેલામાં વહેલાં તૈયાર થઈ જાય; દુનિયામાં, દેશમાં ને ગુજરાતમાં શાંતિ થાય; નર્મદાનું અધૂરું કામ પૂરું થાય ને ગુજરાતને વહેલી તકે પાણી મળે અને ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય બને.'
પ્રાર્થના-ધૂન પછી ઊભા થતાં થતાં આશ્ચર્યમિશ્રિત મુખભાવ સાથે સ્વામીશ્રી કહે, 'આટલા નાના ઘરમાં બેસીને પણ એમણે કેટલા મોટા વિચારો કર્યાં છે! જુઓ કેટલું નાનું ઘર છે ?!' એમ કહેતાં જાણે કે પહેલી જ વખત દર્શન કરી રહ્યા હોય એ રીતે નાનકડા ઘરના એકએક ખૂણા ઉપર દૃષ્ટિ કરી અને ત્યાંથી બહાર પધાર્યા. ગાડીની વ્યવસ્થા હતી, પરંતુ સ્વામીશ્રી કહે, 'અહીં આવ્યા છીએ તો એમ અધૂરું ઓછુ _ મુકાય?' આટલું કહીને બાળવયના શાસ્ત્રીજી મહારાજે (ડુંગર ભક્તે) જ્યાં માણ વગાડીને મહાભારતની કથા કરી હતી, એ ગલી તરફ સ્વામીશ્રી ચાલવા માંડ્યા. અંધારું થઈ ગયું હતું અને ગામના રસ્તાઓમાં પથ્થર પથરાયેલા હતા. ઊંચાનીચા આ પથ્થરોને વીંધતાં સ્વામીશ્રી આગળ વધ્યા. એક નાનકડી બેટરીનું જ અજવાળું થયું હતું એમાં વળી ગામના એક છોકરાએ સ્કુટરની લાઈટ કરી, એટલે પૂરતું અજવાળું થઈ ગયું. અહીંથી સ્વામીશ્રી માણ વગાડી એ પ્રસાદીનાં સ્થાને દર્શન કરી, સાંકડી ગલીમાંથી ચાલતાં ગાડી સુધી આવ્યા ને સ્વામીશ્રી શિખરબદ્ધ મંદિરે પધાર્યા.
અહીં સ્વાગત માટેનો અદ્‌ભુત માહોલ હતો. સ્વામીશ્રીના અંતરમાં પણ ગુરુવર્યના સ્થાનમાં આવ્યાનો આનંદ હતો. મંદિરના પ્રવેશદ્વારથી બે હરોળમાં બાળકો વિવિધ વેશભૂષા સાથે ઊભા હતા. રઢુપુરા મંડળના સભ્યો ભૂંગળ લઈને સ્વામીશ્રીનું સ્વાગત કરી રહ્યા હતા. દર્શન-આરતી કર્યા પછી સ્વામીશ્રી સ્વાગતસભામાં પધાર્યા. ત્યાગવલ્લભ સ્વામી, ભગવતચરણ સ્વામી તથા ગુણનિધિ સ્વામીએ હાર પહેરાવીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. ગામના આગેવાનો રમણભાઈ (ન્યૂયોર્ક) તથા ભાસ્કરભાઈએ આશીર્વાદ મેળવ્યા. છેલ્લે સૌ ઉપર આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ કહ્યું, 'મહેળાવ એક મહાન તીર્થ બની ગયું. શાસ્ïïત્રીજી મહારાજ જન્મ્યા ને જે કાર્ય કર્યું ને આખી દુનિયામાં ડંકો વાગી ગયો. મહાન પુરુષો નાના સ્થાનમાં પ્રગટ થઈ હંમેશાં નાના રહે અને કામ કરે મોટાં. આ ગામનાં તો મોટાં ભાગ્ય કે અહીં આવા પુરુષ પ્રગટ થયા! આ પ્રગટનું તીરથ. જોગી મહારાજ આખા ગામને પગે લાગતા કે આ ઝાડ છે એ બધા મુક્તો છે. શ્રીજી મહારાજ પધારેલા છે. ૫૦૦ સંતો પણ આ રસ્તે નીકળતા. આ મહેળાવનો મેળાપ ભગવાન ને સંત સાથે થઈ ગયો.' ત્યારબાદ ગામની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ સ્વામીશ્રીએ સ્થાનિક ગ્રામજનોને સ્વચ્છતાની શીખ આપી હતી. અંતે કહ્યું: 'આખું ગામ સુખી થાય એ પ્રાર્થના. ગટર એવી કરવી કે ગામમાં ગંદકી ન રહે બધે સ્વચ્છતા રહેવી જોઈએ. ગટરનું કામ પણ ખૂબ સારી રીતે થાય એ પ્રાર્થના.''
તા. ૯-૩-૨૦૦૫થી કૃષ્ણપ્રિય સ્વામીએ યોગીજી મહારાજે મહેળાવમાં કરેલી પ્રાર્થના ઉપર પારાયણ શરૂ કરી હતી. સવારે ૧૧.૦૦ વાગ્યે પારાયણ બાદ આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે, ''બધાનોõ બેડો પાર થઈ ગયો. શેમાં બેડો પાર થયો ? પૈસા મળ્યા, બંગલા મળ્યા એમાં બેડો પાર થયો? એમાં તો હજાર જાતની ઉપાધિઓ હોય છે, પણ ભગવાન ને સંત મળે એ બેડો પાર. એમના સંબંધ વિના કંઈ ન થાય. વાયર હોય, પણ એમાં કરંટ આવે તો અજવાળું થઈ જાય. દુનિયાનો વૈભવ મળે, પણ કરંટ નથી. એટલે અંધારું જ છે, પણ ભગવાન અને સંતનો કરંટ(સંબંધ) લાગી જાય તો અજવાળું થઈ જાય. કરંટ એટલે શું કે ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા સમજાય. ભગવાન કાં ભગવાનના સંત મળે તો એના થકી જ કલ્યાણ છે. આપણી અંદરના દુર્ગુણો જાય એ સંબંધ થયો કહેવાય. એને વિષે નિર્દોષભાવ. એ સાક્ષાત્‌ ભગવાન છે. એ દિવ્ય, દિવ્ય ને દિવ્ય જ છે. એવી રીતે ભક્તિ કરે તો મોક્ષ થઈ જાય. શ્રીજી મહારાજ જતા નથી. એ તો પ્રગટ છે, છે ને છે જ. એવો મહિમા સમજી ભક્તિ થાય તો ભેટંભેટા ને ન સમજાય તો છેટંછેટા.''
ભરતસિંહ સોલંકી, નટવરસિંહ, અમિતભાઈ વગેરે સંસદસભ્ય-ધારાસભ્ય અને કૉંગ્રેસના આગેવાનોએ ગાંધીજીની દાંડીયાત્રાના ૭૫મા વર્ષે યોજેલી દાંડીકૂચ માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
તા. ૧૦-૩-૨૦૦૫ના રોજ કાર્યકર સ્વયંસેવકોની સભા યોજાઈ હતી. ત્યાગવલ્લભ સ્વામીના પ્રવચન પછી મહેન્દ્રભાઈ બારોટે(સંયોજક) પેટલાદ મહિલાક્ષેત્રનો અહેવાલ આપ્યો. ત્યારબાદ આ વિસ્તારમાં વિચરણ કરી રહેલા યોગીતનય સ્વામીએ વિસ્તારના કાર્યકરોના પ્રેરક પ્રસંગો કહ્યા. ત્યારબાદ આ ક્ષેત્રના પ્રતિનિધિઓ દ્વારા સ્વામીશ્રીનું સન્માન કરવામાં આવ્યું. પોરડા મંડળનો કેસરનો હાર, પાળજ, પીપળાવ મંડળ દ્વારા બનાવવામાં આવેલો હાર બાળપ્રવૃત્તિ નિર્દેશકોએ અર્પણ કર્યો. ત્યારબાદ સંયોજકોએ એક વિશિષ્ટ કળશ સ્વામીશ્રીનાં ચરણોમાં ધર્યો. આ કળશમાં સેંકડોની સંખ્યામાં દોરાધાગા ભરવામાં આવ્યા હતા. મહિલા પ્રવૃત્તિના સંચાલકો દ્વારા સત્સંગજાગૃતિ અભિયાન દરમ્યાન યોગમાં આવેલા મુમુક્ષુના વહેમની મુક્તિ નિમિત્તે દોરા કાપવામાં આવ્યા હતા એ દોરા એની અંદર હતા. સ્વામીશ્રીએ કળશમાં પુષ્પ પધરાવીને સૌનાં કલ્યાણની મંગલ કામના કરી.
કૃષ્ણપ્રિય સ્વામીએ 'સ્વામીશ્રીજીનું એ જ્ઞાન...' એ કીર્તનનું ગાન કર્યા બાદ આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય સંબંધનો મહિમા ગાઈને અધ્યાત્મ-બળ પ્રેર્યું હતું.
તા. ૧૧-૩-૨૦૦૫ના રોજ મહેળાવના શિખરબદ્ધ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ ધામધૂમથી ઊજવવામાં આવ્યો હતો. ગુણાતીત જ્ઞાનની ગંગોત્રી સમા આ ગામમાં છ વર્ષ પહેલાં શિખરબદ્ધ મંદિર રચીને સ્વામીશ્રીએ ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજનાં ચરણોમાં અર્ઘ્ય અર્પણ કર્યું હતું. આજના પાટોત્સવ પ્રસંગે ગામોગામથી હરિભક્તો ઊમટ્યા હતા. આૅસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફીજી, તાઈવાન, કંબોડિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં સત્સંગ પ્રવાસ કરીને બ્રહ્મદર્શન સ્વામી અને સંતો આજે અહીં આવ્યા હતા. પ્રાતઃપૂજામાં સ્વામીશ્રીએ તેઓને આશીર્વાદ આપ્યા. પ્રાતઃપૂજા પછી સ્વામીશ્રીએ પાટોત્સવની આરતી ઉતારી હતી. પાટોત્સવની પ્રાસંગિક સભામાં બ્રહ્મદર્શન સ્વામી, સોજિત્રાના બાળક શિવમ્‌ના પ્રવચન, મહેળાવ, મલાતજ અને ચાંગાનાં બાળમંડળોનાં નૃત્યો બાદ કોઠારી ગુણનિધિ સ્વામીએ આ વિસ્તારના કેટલાક હરિભક્તોની ગાથાઓ નિરૂપી. સ્વામીશ્રીનું વિવિધ હાર વડે સન્માન કરવામાં આવ્યું. પાટોત્સવના મુખ્ય યજમાન જશભાઈએ આશીર્વાદ મેળવ્યા. આજના યજમાનોમાં કુમુદબેન કે. પટેલ પણ હતાં. તેઓનું મહિલા વિભાગમાં સન્માન કરવામાં આવ્યું.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ ભગવાનના નિશ્ચયની જરૂરિયાત નિરૂપી હતી. તા. ૧૨-૩-૨૦૦૫ના રોજ કૃષ્ણપ્રિય સ્વામીએ યોગીજી મહારાજે કરેલી પ્રાર્થનાની પારાયણની પૂર્ણાહુતિ કર્યા પછી મહેળાવ તથા દેવાના બાળમંડળે 'બોલ્યા શ્રી હરિ રે...' એ સંવાદ રજૂ કર્યો હતો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |