|
ચરોતરમાં પાંચ નૂતન મંદિરોની પ્રતિષ્ઠાવિધિ
તા. ૭-૩-૨૦૦૫ના રોજ આણંદ ખાતે બિરાજમાન સ્વામીશ્રીએ ખેડા જિલ્લાનાં એક સાથે પાંચ ગામો- થામણા, બાલાસિનોર, પીપળાતા, ખીજલપુર અને યોગીનગરનાં નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોની મૂર્તિઓનો વેદોક્ત પ્રતિષ્ઠા-પૂર્વપૂજન વિધિ કરીને એક ઇતિહાસ સર્જ્યો હતો. સાથે સાથે તેઓએ આણંદ ખાતેના શિખરબદ્ધ મંદિરની પ્રદક્ષિણામાં ગુરુશિખરનાં નવા સિંહાસનોનો પૂજનવિધિ પણ કર્યો હતો.
વલ્લભવિદ્યાનગરથી આણંદ મંદિરે પધારીને સ્વામીશ્રીએ પ્રથમ યોગીજી મહારાજની મૂર્તિનું પૂજન તથા નૂતન સિંહાસનોનું પૂજન કરીને નિરાલભાઈ પટેલ(બાકરોલ), સુકેતુ અશ્વિનભાઈ પટેલ(યુ.એસ.એ.), નવીનભાઈ મહાજન(વડોદરા), જયંતીભાઈ ચુનીભાઈ(લંડન) વગેરે દાતાઓને આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ આ પાંચેય ગામોના હરિભક્તોની ઉપસ્થિતિમાં મૂર્તિઓનો વિધિવત્ પૂજનવિધિ કરીને સ્વામીશ્રીએ આરતી ઉતારી હતી. આ ગામોના સત્સંગનો ઇતિહાસ આ મુજબ છે.
થામણાઃ ઉમરેઠ તાલુકામાં આવેલા થામણા ગામમાં આદિતભાઈ મંગળભાઈ પટેલ તથા ડાહ્યાભાઈ મંગળભાઈ પટેલની વિનંતીથી સને ૧૯૭૫માં સ્વામીશ્રી પારાયણ કરવા પધાર્યા હતા. તેઓના આદેશથી અહીં સત્સંગની શરૂઆત થઈ. ધીમે ધીમે ઘણાં કુટુંબો સત્સંગમાં જોડાયાં. થોડા સમયમાં મંદિરની આવશ્યકતા ઊભી થઈ. ઝંડા ચોકમાં સોમાભાઈ પટેલ પરિવારના મૂળજીભાઈ, ઉમેદભાઈ, મંગુભાઈ, રાવજીભાઈ, તેમજ આદિતભાઈ હેમાભાઈ પટેલ અને ચુનીભાઈ હેમાભાઈ પટેલે જમીન દાનમાં આપી. ત્રણ વર્ષ પહેલા મહંત સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત થયું. થોડા સમયમાં સુંદર મંદિર તૈયાર થઈ ગયું, જેના પાયામાં છોટાભાઈ શંકરભાઈ પટેલ, ડાહ્યાભાઈ મંગળભાઈ પટેલ, રાવજીભાઈ ફૂલાભાઈ પટેલ, આદિતભાઈ મંગળભાઈ, ધનલક્ષ્મી આદિતભાઈ પટેલ, વિનુભાઈ નરસિંહભાઈ પટેલ તથા નરસિંહભાઈ પ્રભુદાસ પટેલ વગેરે હરિભક્તોનો ખૂબ જ ભોગ રહેલો છે. ડૉ. જગદીશભાઈ રણછોડભાઈ પટેલ(યુ.એસ.એ.) તેમજ નાના મોટા અન્ય અનેક હરિભક્તોના ઉત્સાહ અને સહકારથી મંદિર નિર્માણ સહજતાથી પૂર્ણ થયું. મૂર્તિઓની સેવા લલિતાબેન નવીનભાઈ આદિતભાઈ પટેલ, કેતનભાઈ, પુરુષોત્તમભાઈ, નવલભાઈ બી. પટેલે કરી છે.
બાલાસિનોરઃ ૩૫,૦૦૦ની વસ્તી ધરાવતા બાલાસિનોર(જિ. ખેડા)માં અંબામાતાના મંદિરની સામે ૧૭,૦૦૦ ચોરસફૂટ જમીન ઉપર મંદિરનું નિર્માણ થયું છે. થર્મલ(વણાકબોરી)થી જે.ડી. પટેલના પ્રયત્નને લીધે આ નગરમાં સત્સંગનો રંગ લાગ્યો. જેના આરંભમાં મહેન્દ્રભાઈ પટેલ નિમિત્ત બન્યા. શરૂઆતમાં મહાદેવના મંદિરમાં ને પછી ફરતી સત્સંગ સભાઓ થવા લાગી. ધીમે ધીમે સત્સંગનો વ્યાપ વધતાં મંદિરની જરૂરત ઊભી થઈ ને અહીં મંદિર સાકાર થયું. આ મંદિર નિર્માણમાં અશોકભાઈ કે. પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, મણિભાઈ પટેલ, હસમુખભાઈ દરજી, મહેશભાઈ પાઠક વગેરેનો તન, મન, ધનથી સહકાર રહ્યો. શૈલેષભાઈ તથા રમેશભાઈ પટેલે મંદિરમાં મૂર્તિઓની સેવા કરી. છ મહિનામાં મંદિરનું બાંધકામ પૂરું થયું.
ખીજલપુરઃ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આ ગામમાં ખાનકૂવાના રાજુ ભાઈ(શ્રીજી રસભંડાર)ના પ્રયત્નથી ૧૯૯૨માં સત્સંગનો પ્રારંભ થયો. પ્રવીણભાઈ જશવંતભાઈ પટેલ હતા. તેઓના પ્રયત્ન પછી ફૂલાભાઈ, અરવિંદભાઈ, અશોકભાઈ વગેરે હરિભક્તોને લીધે સત્સંગનો વ્યાપ વધતો રહ્યો. ધીમે ધીમે સત્સંગમંડળ વધતાં મંદિરનિર્માણની પ્રવૃત્તિ શરૂ થઈ. ત્રણ વર્ષ પહેલાં ત્યાગવલ્લભ સ્વામીએ અહીં ખાતમુહૂર્ત કર્યું, પ્રફુલ્લભાઈ, હર્ષદભાઈ, શનાભાઈ વગેરેનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું. પ્રવીણભાઈ, કનુભાઈ, રાજુભાઈ, વિજયભાઈ, જિતેન્દ્રભાઈ, નરેશભાઈ, મીતેષભાઈ, ફૂલાભાઈ, ડાભૈભાઈ પરમાર વગેરેએ પણ ખૂબ સહકાર આપ્યો. વિજયભાઈ પી. પટેલે મૂર્તિની સેવા કરી. જોતજોતામાં સુંદર મંદિર તૈયાર થઈ ગયું.
યોગીનગરઃ ૧૯૮૫ની સાલમાં જનમંગલ સ્વામી તથા ગુરુસેવા સ્વામી અને નિર્દેશક સૂર્યકાન્તભાઈ પી. પટેલ (ડભાણ)ના સહિયારા પ્રયત્નથી નડિયાદ તાલુકામાં આવેલા યોગીનગર ગામમાં સત્સંગની શુભ શરૂઆત થઈ. કાંટા-ઝાંખરાઓવાળી વેરાન ભૂમિમાં સ્વામીશ્રીએ કષ્ટ વેઠીને પગલાં કર્યાં હતાં. અહીં પાયાના હરિભક્તો પુરુષોત્તમભાઈ શર્મા (વરતાલ), શાંતિલાલ શાહ, રતિલાલ છોટાલાલ શાહ વગેરેના પ્રયત્નથી ફરતી સભાઓ થતી. ભરતભાઈ પટેલ, રાજન ગોવિંદભાઈ તથા વિજયભાઈ પટેલના યોગદાનથી મંદિર માટે જમીન પ્રાપ્ત થઈ. ગત વર્ષે ત્યાગવલ્લભ સ્વામીના હસ્તે એનું ખાતમુહૂર્ત થયું ને યતીન્દ્ર સ્વામીની દેખરેખ હેઠળ મંદિરનું નિર્માણ થયું.
પીપળાતાઃ ૧૧,૦૦૦ની વસ્તી ધરાવતા પીપળાતા ગામ(તા. નડિયાદ)માં જનમંગલ સ્વામી અને સૂર્યકાન્તભાઈ પી. પટેલના પ્રયાસથી સત્સંગનો રંગ લાગ્યો છે. અક્ષરનિવાસી દશરથભાઈ તથા રામભાઈ પટેલ વગેરે હરિભક્તો આ સત્સંગના પાયામાં છે. લંડન રહેતા ચંદુભાઈ ઈશ્વરભાઈ પટેલના મુખ્ય યોગદાનથી તેમજ તેઓના સુપુત્રો વિપુલભાઈ તથા દીપેશભાઈના સહયોગથી ગામની વચ્ચોવચ્ચ સુંદર મંદિરનું નિર્માણ થયું. પ્રતિષ્ઠા ઉત્સવના મુખ્ય દાતા તરીકે પણ તેમણે જ સેવાઓ આપી છે.
ઉપરોક્ત પાંચેય મંદિરની મૂર્તિઓનો પ્રતિષ્ઠા-પૂર્વપૂજન વિધિ કરીને સ્વામીશ્રીએ આરતી ઉતારી. પ્રાસંગિક સમારોહમાં દરેક ગામના પ્રતિનિધિ હરિભક્તો ઉપસ્થિત હતા. સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું, ''પહેલાં તો એક હરિમંદિર કરવું હોય એમાંય ફાંફાં પડતાં હતાં. એવી પરિસ્થિતિમાં શાસ્ïત્રીજી મહારાજે મંદિરો કર્યાં અને આજે એમની દયા, દૃષ્ટિ ને કૃપાથી બધા સત્સંગીઓ સððખિયા થયા. તે આજે એક દા'ડે પાંચ-પાંચ મંદિરોની પ્રતિષ્ઠા થાય છે. તે દા'ડે બે-પાંચ સાધુ હતા અને અત્યારે તો સાધુઓનો પણ જ્યાં જુ ઓ ત્યાં ઢગલો. શ્રીજીમહારાજ પાસે વનવિચરણમાં સિદ્ધિઓ આવી અને કહે, 'અમને અંગીકાર કરો.' પણ મહારાજ કહે, 'અત્યારે તો વણીવેશે છુ _ એટલે કંઈ ન કરી શકાય, પણ હું જ્યારે સંપ્રદાયનું સ્થાપન કરીશ ત્યારે અમારા હરિભક્તોને ત્યાં જજો.' એટલે અત્યારે મોટર-બંગલા થઈ ગયું. એટલે ભગવાનને રાજી કરવા સૌએ પોતાનું ધન-ધામ-કુટુંબ-પરિવાર સર્વસ્વ અર્પણ કર્યું છે. માટે આજે આવા સમૈયા ઉત્સવો-મંદિરપ્રતિષ્ઠાઓ થાય છે. મૂર્તિઓ પણ અલૌકિક ને દિવ્ય છે.
આ આણંદ ગામમાં શ્રીજીમહારાજનું 'સન્માન' બહુ સારી રીતે થયું'તું એ આપણે જાણીએ છીએ. પણ તેમણે ધૂન કરી કે આખા ગામમાં સત્સંગ થાય તો આજે એવો સત્સંગ થયો છે. ભગવાન મળવા કઠણ છે. ભગવાન તો અનંતકોટિ બ્રહ્માંડથી પર છે પણ સુલભ કર્યું કે પોતે જાતે ચાલીને અહીં આવ્યા. આપણા જેવા થયા. શાસ્ïત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેવા પુરુષનાં દર્શન દુર્લભ છે એ પણ અહીં આવ્યા. અહીં ગંજમાં અમારે દુકાને દુકાને ઝોળી માગવા જવાનું. એ બધી દાળ બધાં મંદિરોમાં જાય ને ઠાકોરજી અને સંતો જમે એના પુણ્યે આ આણંદનો વિકાસ ચારેય બાજુ થયો છે. બે વિકાસ છે. એક બાહ્ય અને બીજો અંતરમાં શાંતિ થઈ જાય. ભગવાન ને સંતના વચનમાં વિશ્વાસ રાખી આજ્ઞા-ઉપાસના-નિયમ-ધર્મ રાખીએ તો શાંતિ થાય. તો આજે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધાં મંદિરોમાં સેવાપૂજા-કથાવાર્તા થાય, ગામ પર દૃષ્ટિ થાય, ગામનો વિકાસ થાય અને જય જયકાર થઈ જાય એ માટે મહારાજને પ્રાર્થના.''
ગામડી ગામમાં પ્રતિષ્ઠિત થયેલ મૂર્તિઓની આરતી ઉતારવા માટે સ્વામીશ્રી પધાર્યા હતા. મૂર્તિ સમક્ષ સંકલ્પ કર્યા પછી પૂજન કરીને આરતી ઉતારી. ત્યારબાદ સ્વામીશ્રીએ દંડવત્ કર્યા. અહીં પ્રાંગણમાં જ સભા ભરાઈ હતી. સ્વામીશ્રીના પધાર્યા પછી બાળકોએ નૃત્ય રજૂ કર્યું. ત્યારબાદ ચારુતર વિદ્યામંડળના ચૅરમેન ને આ ગામના વતની સી.એલ. પટેલે પણ પોતાની ભાવનાઓ થોડાક શબ્દો દ્વારા વ્યક્ત કર્યા પછી હારતોરાનો વિધિ શરૂ થયો. સી.એલ. પટેલ, મંદિરનિર્માણમાં સેવા આપનારા ઝવેરભાઈના સુપુત્રો અનિલભાઈ તથા નિલેષભાઈ, રમેશભાઈ શનાભાઈ, બચુભાઈ અંબાલાલ, ચંદુભાઈ કાલિદાસ, ડૉ. અંબુભાઈ સોમાભાઈ, જશભાઈ ભીખાભાઈ, વિઠ્ઠલભાઈ મોતીભાઈ વગેરેએ હાર પહેરાવીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. અંતે આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે, ''દવાખાના, સ્કૂલ, પાણીની ટાંકી, ઈલેક્ટ્રીક લાઈટ હોય એ ગામનો વિકાસ છે. એની સાથે સાથે આધ્યાત્મિક વિકાસ પણ જરૂરી છે. મંદિર વધે તો લોકોમાં જાગૃતિ આવે, ભગવાનમાં શ્રદ્ધા વધે. નિર્વ્યસની જીવન થાય, માટે આ મંદિરો છે. સંસ્કાર મળે એને માટે મંદિરો છે. એવી સુવિધા કરી છે તો એનો લાભ ન લઈએ તો ખોટ આપણી છે.''
અહીંથી વિદાય લઈ સ્વામીશ્રીએ વઘાસી પધારીને અહીં પણ મંદિરમાં ઠાકોરજી સમક્ષ સંકલ્પવિધિ કર્યો ને પૂજન-આરતી કર્યાં. મંદિરના જ પરિસરમાં ભરાયેલી સભામાં બાળકોએ નૃત્ય રજૂ કરી દીધું હતું. ભગવતચરણ સ્વામીએ મંદિર સંબંધી કેટલીક વાતો કર્યા પછી અનિલભાઈ જયંતીભાઈ પટેલ, ભાલચંદ્રભાઈ રમણભાઈ પટેલ, જયંતીભાઈ મોતીભાઈ પટેલ, રમેશભાઈ ભાઈલાલભાઈ, ડૉ. નગીનભાઈ ભાઈલાલભાઈ, પૂજાભાઈ વાળંદ, કિરીટભાઈ છોટાભાઈ પટેલ, વિરલ કે. પટેલ, રૈયજીભાઈ, પુનિતભાઈ, રાકેશભાઈ, શંભુભાઈ, મહેન્દ્રભાઈ, સુકેતુભાઈ, જુ ગસિંહભાઈ વગેરેએ હાર પહેરાવીને આશીર્વાદ મેળવ્યા. અંતે આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે, ''ગામની ભાગોળ ઉપર જ મંદિર! શોભા વધી ગઈ. અહીં કચરો જ હતો, પણ મંદિર થયું તો શોભા વધી. પેલો કચરો તો ગયો પણ આપણી અંદર પણ કચરો છે. મારું-તારું, છળકપટ, ઝઘડા-ટંટા, કામ, ક્રોધ, આસુરીભાવ, તમાકુ-ગુટકા એ કચરો કાઢવા આ મંદિર છે. ભગવાનના મંદિરમાં નાતજાતના ભેદ નથી. પહેલાં તીરથજાત્રા કરવા જતા, પણ તીરથ શું ? જ્યાં ભગવાન બેઠા એ તીરથ. અહીં ભગવાન બેઠા એટલે એમનાં ચરણોમાં અડસઠ તીરથ આવી ગયાં, એટલે કદાચ કોઈને બહાર જવાય કે ન જવાય તો મનમાં એમ ન થાય કે જાત્રા થઈ નહિ, આ પણ તીરથ છે.''
સ્વામીશ્રી આશીર્વાદની સમાપ્તિ પછી ૮-૩૫ વાગ્યે પુનઃ વિદ્યાનગરમાં પધાર્યા.
|
|