|
સુરેન્દ્રનગરમાં સત્સંગનો દિવ્ય લાભ આપતા સ્વામીશ્રી
તા. ૧૫-૩-૨૦૦૫ થી તા. ૨૩-૩-૨૦૦૫ દરમ્યાન સુરેન્દ્રનગર ખાતે બિરાજીને સ્વામીશ્રીએ સમગ્ર શહેર
અને ઝાલાવાડ પ્રદેશના ગામોમાં સત્સંગની દિવ્ય લહેર પ્રસરાવી હતી. સવાર-સાંજ પારાયણો, વિદ્વાન સંતોનાં વ્યાખ્યાનો, વિવિધ પ્રેરક કાર્યક્રમો તેમજ સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યને માણવા સ્થાનિક શહેર ઉપરાંત આજુબાજુ નાં ગામડાંઓમાંથી હજારો હરિભક્તો-ભાવિકોએ નિત્ય સત્સંગનો લાભ પ્રાપ્ત કર્યો હતો.
અક્ષરનિવાસી હરિપ્રકાશ સ્વામી તથા વિશુદ્ધજીવન સ્વામીની પુણ્યસ્મૃતિમાં વિવેકસાગર સ્વામી, બ્રહ્મદર્શન સ્વામી તથા અન્ય વિદ્વાન સંતોએ સતત સાત દિવસ સુધી પારાયણનો લાભ આપ્યો હતો. આ દિવસો દરમ્યાન તા. ૨૧-૩-૨૦૦૫ના રોજ પ્રાતઃપૂજામાં શિશુઓએ ભક્તિ નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. સાયંસભામાં પારાયણ બાદ જાણીતા હાસ્યકલાકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદીએ સ્વામીશ્રી સમક્ષ પોતાની કળા પાવન કરીને સૌને હાસ્ય સાથે જ્ઞાન પીરસ્યું હતું. આજે સ્વામીશ્રીના સ્વાસ્થ્ય નિમિત્તે ૭૫ જેટલા સ્વયંસેવકોએ નિર્જળા ઉપવાસ કરી ïïવિશેષ ગુરુભક્તિ અદા કરી હતી. સભામાં ઉપસ્થિત આશરે હજારો હરિભક્તોએ સ્વામીશ્રીનાં સમીપ દર્શન કરી અનેરા આનંદની અનુભૂતિ કરી હતી.
તા. ૨૨-૩-૨૦૦૫ના રોજ સ્વામીશ્રીએ પારાયણમાં પધારી મુખ્ય યજમાનો નટુભાઈ વડગામા તથા નંદલાલભાઈ ઠક્કર સહિત ૧૦૦ જેટલા યજમાનોને આશીર્વાદ આપ્યા હતા.
ત્યાર બાદ સૌ ઉપર અમીવર્ષા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું: ''કથા-વાર્તા-કીર્તનના શબ્દોમાંથી એક શબ્દ બરોબર દૃઢ થાય તો આપણું કામ થઈ જાય. 'શબ્દે માર્યા મરી ગયા શબ્દે છોડ્યાં રાજ...' તુલસીદાસને પત્નીએ કહ્યું, 'જૈસી પ્રીત હરામ સે...' આ શરીરમાં શું સારું છે ? ઉપર ચામડું મઢ્યું છે એટલે સારું લાગે છે, અંદર તો દુર્ગંધ છે.' આ શબ્દ સાંભળી બધો ત્યાગ કર્યો ને તુલસીદાસ મહાત્મા થઈ ગયા. એમ આપણે કથાવાર્તા સાંભળીએ પણ ખંખેરીને નહીં જવાનું. કથામાં પણ ચોર થવાનું. ચોરી શું ? કથાવાર્તા, ભજનના શબ્દો ચોરવા. 'બળતો ઝળતો આત્મા, સંતસરોવર જાય...' બળતા ઝળતા આત્મા છીએ, સંસારમાં પડ્યા છીએ, અનેક ઉપાધિઓ છે. એમાંથી શાંતિ માટે સંતરૂપી સરોવરમાં જઈએ તો ટાઢક થાય.'
સાંજે મંદિરના પરિસરમાં પારાયણ નિમિત્તે સેવા માટે આવેલા સ્વયંસેવકોએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
તા. ૨૩-૩-૨૦૦૫ના રોજ સ્વામીશ્રીએ સારંગપુર જવા માટે વિદાય લીધી. અચારડા, ચચાણા ગામના હરિભક્તોને લાભ આપી સ્વામીશ્રી રંગપુર પધાર્યા. નૂતન હરિમંદિરમાં આરતી ઉતારી સ્વામીશ્રી સભામાં પધાર્યા. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ મંદિરના ભૂમિદાતા ગોવિંદભાઈ તથા અગ્રણી હરિભક્તોએ સ્વામીશ્રીને હાર પહેરાવીને આશીર્વાદ મેળવ્યા હતા.
રાત્રે ૮-૩૫ વાગે સ્વામીશ્રી સારંગપુર પધાર્યા. સ્મૃતિ મંદિરના પ્રવેશદ્વાર આગળથી 'બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર'ના છાત્રોએ બેન્ડના મધુર અને બુલંદ સૂરો સાથે માર્ચીંગ કરી સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સ્મૃતિ મંદિરની પ્રદક્ષિણામાં બેઠેલા છાત્રોએ શાંતિપાઠનું ઉચ્ચ સ્વરે ગાન કર્યું ત્યારે સમગ્ર વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ ગઈ હતી.
|
|