|
સારંગપુરમાં ઊજવાયેલ પ્રાગજીભક્ત જયંતી અને રંગોત્સવ
ઉત્સવ અને પર્વોનું હિંદુ સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે. તેમાંય સારંગપુરમાં દર વર્ષે સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં ઉજવાતા ફાગણિયા રંગોત્સવ-પુષ્પદોલોત્સવનો માહોલ કંઈક નિરાળો હોય છે. આ ઉત્સવની એક ઝલક પામવા હજારો ભક્તો વર્ષભર પ્રતીક્ષા કરતા રહે છે. સ્વામીશ્રીના કરકમલો વડે રંગાવા ખૂબ જ વિશાળ સંખ્યામાં સારંગપુર આવતા હરિભક્તો-ભાવિકોની વ્યવસ્થા માટે, આ વર્ષે ૪૫૦૦ જેટલા સ્વયંસેવકો જુદા જુદા વિભાગોમાં સેવા કરવા એકત્રિત થયા હતા.
તા. ૨૪-૩-૨૦૦૫ના બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્તના ૧૭૬મા જન્મ મહોત્સવની પૂર્વ સંધ્યાએ, આ સ્વયંસેવકોને સ્વામીશ્રીએ રંગોત્સવનો વિશેષ લાભ આપ્યો હતો.
મુખ્ય મહોત્સવના સ્થળ પર જ યોજાયેલી સ્વયંસેવકોની આ સભામાં સ્વામીશ્રીને સૌ સ્વયંસેવકો વતી મોટેરા સંતોએ પુષ્પહારથી વધાવ્યા હતા. સંતોનાં પ્રેરક પ્રવચનો અને કીર્તનોના ગાન બાદ સ્વયંસેવકો પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ''મોટાપુરુષ રાજી થાય તો દુઃખ સર્વે દૂર થઈ જાય. ભગવાન રાજી થાય એ જેવી કોઈ પ્રાપ્તિ નથી. દુનિયાના માણસો રાજી થાય તો થોડું ઘણું આપે પણ આ તો અનંત જન્મનાં પાપ દૂર કરીને, જન્મમરણ ટાળીને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એવી આ સેવા છે. આવો મહિમા હશે તો સેવા સારી રીતે થશે, નહીંતર વેઠ લાગશે. સેવા વ્યવસ્થિત ન થાય તો જાણવું કે વેઠ થઈ ગઈ છે. જાજરૂ સાફ કરવાની, વાસણ ઊટકવાની સેવા મળે તોય એ મહત્ત્વની મનાવી જોઈએ. આજ્ઞાથી તમે જ્યાં પણ સેવામાં હશો ત્યાં લાભ મળશે. શ્રીજીમહારાજે કહ્યું, 'આજ્ઞા ભેગી મૂર્તિ આવે.' જ્યાં સેવા કરતા હો ત્યાં રાજીપો થશે. જ્યાં જે સેવા મળી તે બરાબર જ થાય તો એમાં ભગવાનનો રાજીપો છે. તેમાં વહેવાર-સંસારમાંય શાંતિ થાય ને ભગવાનના ધામનું સુખ મળે.''
ત્યારબાદ સ્વયંસેવક માટેનો રંગોત્સવ શરૂ થયો. સ્વામીશ્રીએ આ સ્વયંસેવકો માટે સૌથી પહેલાં હરિકૃષ્ણ મહારાજને પિચકારીથી રંગીને જળ પ્રસાદીનું કર્યું હતું અને એ જ પ્રસાદીના રંગ વડે સ્વામીશ્રી આ સ્વયંસેવકોને રંગી રહ્યા હતા. ભીતર રંગ્યા આ સ્વયંસેવકોને બહારથી કેસરિયા જળ વડે રંગીને સ્વામીશ્રી જાણે કે તેઓની સેવાને પ્રમાણપત્ર આપી રહ્યા હતા. એક એક સ્વયંસેવક જાણે સ્વામીશ્રીએ રંગેલા અને તૈયાર કરેલા સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. વારાફરતી આવી રહેલા સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના આ સ્વયંસેવકોનો ઇતિહાસ લખવા બેસીએ તો એનો પણ પાર આવે એમ ન હતો. આ સૌ સ્વયંસેવકોને રંગોત્સવની પૂર્વ સંધ્યાએ એક અપૂર્વ સ્મૃતિ આપીને સ્વામીશ્રીએ સૌને કૃતાર્થ કરી દીધા હતા.
તા. ૨૫-૩-૨૦૦૫ થી સ્વાસ્થ્ય નાદુરસ્ત હોવા છતાં સ્વામીશ્રીએ તા. ૨૬-૩-૨૦૦૫ના રોજ રંગોત્સવમાં પધારીને હજારો હરિભક્તોને અનન્ય લાભ આપ્યો હતો. આજે ૧૩ સાધકોને પાર્ષદી દીક્ષા આપીને સ્વામીશ્રીએ તેમને અધ્યાત્મ રંગે રંગ્યા હતા.
તા. ૨૬-૩-૨૦૦૫થી સારંગપુરમાં સંતોએ પારાયણનો લાભ આપ્યો હતો.
તા. ૩૧-૩-૨૦૦૫ના રોજ તાજપુરથી પદયાત્રા કરીને દર્શને આવેલા ૨૦૮ હરિભક્તોને આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું હતું કે 'તમે આ રીતે પદયાત્રા કરીને આવ્યા છો તો ડગલે ને પગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળશે.'
|
|