'યુવાદિન' નિમિત્તે ભાવનગરમાં યુવાનોને આશીર્વચન પાઠવતા સ્વામીશ્રી તા. ૧-૬-૨૦૦૬ના રોજ ભાવનગર ખાતે પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં યુવાનોએ 'યુવાદિન' નિમિત્તે ઉલ્લાસભેર વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા, ત્યારે સભામાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. આ પ્રસંગ નિમિત્તે વિવિધ મંડળો દ્વારા ભક્તિભાવપૂર્વક બનાવવામાં આવેલા વિવિધ પ્રકારના હાર સંતો અને અગ્રેસરોએ સ્વામીશ્રીને અર્પણ કર્યા હતા.કાર્યક્રમમાં સ્થાનિક યુવક જય સોંડાગર લિખિત 'સર્જાય છે...' ગીતના આધારે યુવાનૃત્ય રજૂ થયું હતું. ત્યારબાદ જય સોંડાગર તથા યોગિન ગજ્જરે 'આધ્યાત્મિકતા ચઢે કે આધુનિકતા' એ વિષય પર સુંદર પરિસંવાદ રજૂ કર્યો હતો. યુવાનોના પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે 'વર્તમાન સમયમાં ભૌતિક સુખ-સગવડોનાં સાધનો અને સુવિધાઓ ઘણાં વધ્યાં છે, છતાં પણ માણસના જીવનમાં શાંતિ નથી. આધ્યાત્મિકતા વિના જીવન સુખમય બનતું નથી. પરિણામે જીવનમાં અશાંતિ ઊભી થાય છે. આધ્યાત્મિકતા દ્વારા માણસમાં સદ્ગુણોનો વિકાસ થાય છે. ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ ને ભગવાન સ્વામિનારાયણના જીવનમાંથી આપણને આ જ બોધ મળે છે. વિજ્ઞાને માનવીને વેગ આપ્યો છે, પણ દિશા આપી નથી. વેગના કારણે માણસે પોતાનો વિકાસ તો સાધ્યો છે, પણ દિશાવિહીન હોવાના કારણે તે ભટકી રહ્યો છે. સાધન-સંપત્તિના કારણે માણસ અભિમાની બન્યો છે અને દેશ ને સમાજ પ્રત્યેની પોતાની ફરજોની અવગણના કરી રહ્યો છે. આધ્યાત્મિકતાથી માણસના અહંભાવનો નાશ થાય છે, તેનામાં સમૂહભાવનાનો વિકાસ થાય છે તથા બીજાનું હિત હૈયે વસે છે. આધ્યાત્મિકતા નમ્રતા, દાસભાવ ને ભક્તિ શીખવે છે. આ શરીર પણ ભગવાને આપેલું છે ને તે બીજાની સેવા તેમજ પોતાના કલ્યાણ માટે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય આ સદ્ગુણો હશે તો ભગવાનને આપણા પ્રત્યે પ્રેમ થશે ને આપણી વાત સાંભળશે. અને ભગવાન ને સંત પ્રત્યે આપણને પણ આપોઆપ પ્રેમ થાય છે.' આ પ્રસંગે એમ.ડી. પટેલ (ડે. મેયર), દિલીપભાઈ દવે (આસિ. કમિશનર), આર.પી. શાહ (રામમંત્ર મંદિર ટ્રસ્ટ), ખોડાભાઈ ડંભાળિયા (હીરા ઉદ્યોગના અગ્રણી), પ્રો. આકોલિયા (વિભાગ-અધ્યક્ષ, ભાવનગર યુનિવર્સિટી), છગનભાઈ ગોયાણી (હીરા ઉદ્યોગના અગ્રણી), તુલસીભાઈ વાળા, આર.ડી. દવે, શ્રી દીક્ષિત સાહેબ (જનરલ મેનેજર, ભાવનગર ડિસ્ટ્રીક્ટ બૅન્ક), લાખાણી (સૌરાષ્ટ્ર બેન્ક), હરેશભાઈ મકવાણા (પૂર્વ ડે. મેયર) - વગેરેએ પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. |
||