|
ભાવનગરમાં સંપન્ન થઈ હરિલીલાકલ્પતરુ પારાયણ
ભાવનગર મુકામે યોજાયેલી ૧૧ દિવસીય હરિલીલાકલ્પતરુ પારાયણની પૂર્ણાહુતિ તા. ૨-૬-૨૦૦૫ના રોજ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ભારે ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી.
સતત ૧૧ દિવસ સુધી વિવેકસાગર સ્વામીએ હરિલીલા-કલ્પતરુ ગ્રંથમાંથી ભગવાન સ્વામિનારાયણનાં અસાધારણ લક્ષણોનું નિરૂપણ કરીને, સમગ્ર સત્સંગસમાજને ભગવાનના દિવ્ય સ્વરૂપનો પરિચય કરાવીને, નિષ્ઠા કરાવી હતી. પારાયણના મુખ્ય યજમાનો અ.નિ. દિનેશભાઈ કળથિયા વતી દર્શન, હરિદર્શન પેઢીના ભાવેશભાઈ તથા નીલેશભાઈએ હાર પહેરાવીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. સ્વામીશ્રીએ અ.નિ. દિનેશભાઈના સુપુત્ર દર્શનને આશીર્વાદ આપ્યા હતા. આ સભામાં ઉપસ્થિત રહેલા નાનુભાઈ વાઘાણી(ચૅરમૅન, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બૅંક), કપુરભાઈ બંસલ(અગ્રણી શીપબ્રેકર), આર.એમ. જયકર (સુપ્રિ. એન્જિનિયર), સોશિયા સાહેબ(એક્ઝ í. એન્જિનીયર), ડૉ. સી.એમ. રાઠોડ(જી.એમ.બી. સુપ્રિ. એન્જિનિયર), ડૉ. ડાભી(જિલ્લા આરોગ્ય અધિકારી), ભીખાભાઈ જાજડિયા(ચૅરમૅન, માર્કેટીંગ યાર્ડ), રમેશભાઈ મેંદપરા(પ્રમુખ, શીપબ્રેકર ઍસોસિયેશન), ડૉ. મિતુલ દોષી, સાવલિયા સાહેબ(રીજિયોનલ આૅફિસર), યતિનભાઈ રસિકભાઈ ઝાલાવાડિયા, જિતુભાઈ પટેલ (પ્રમુખ, એન્જિનિયર ઍસોસિયેશન), રાજીવભાઈ પંડ્યા(મંત્રી, એન્જિનિયર ઍસોસિયેશન), ડૉ. એમ.આર. કાનાણી (ડાયરેક્ટર, વિવેકાનંદ હોમિયોપેથીક કૉલેજ), ડૉ. ઘનશ્યામભાઈ પટેલ વગેરે મહાનુભાવોએ સ્વામીશ્રીનાં ચરણોમાં વંદન કરી, આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ યોગીસ્મરણયાત્રા અંતર્ગત 'યોગીજી મહારાજ વડીલો સાથે' એ સંવાદ ભજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આશીર્વચન પાઠવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે 'માણસ ઉંમરમાં મોટો થાય છે, પણ તેના આયુષ્યમાં ઘટાડો થાય છે. માણસે જે કાંઈ કરવાનું છે એ જુવાનીમાં થઈ શકે છે. ઘડપણમાં શરીરમાં શિથિલતા આવી જાય પછી કશું થઈ શકતું નથી. ભગવાનનો સાક્ષાત્કાર પામેલા ગુણાતીતાનંદ સ્વામીએ કરોડ કામ બગાડી મુખ્ય કાર્ય સુધારવાની વાત કરી છે. આવા મોટા પુરુષનાં વચનોમાં શ્રદ્ધા રાખીને કાર્ય કરીએ તો જિંદગી સફળ થાય. આ જગતમાં આવ્યા છીએ તો પહેલું કામ ભગવાનને રાજી કરવાનું, મોક્ષનું, કથાવાર્તા, કીર્તન કરીને ધન્ય બનવાનું છે. વહેવાર તો ચાલતો રહે, ભગવાન ચલાવે છે, એટલે જેટલી ભક્તિ કરી એટલું જ કામનું. જેટલું ભગવાનને અર્થે, ધર્મને અર્થે કરીએ એટલું આપણું સાર્થક છે, એટલું સાથે આવે છે.'
અ.નિ. દિનેશભાઈને યાદ કરીને, તેમના પરિવારની સુખાકારી માટે સ્વામીશ્રીએ પ્રાર્થના કરી હતી.
આજે પ્રાતઃકાળે મંદિરમાં ઉપસ્થિત ૩૨૫ જેટલા મુમુક્ષુઓને વર્તમાન ધરાવીને સ્વામીશ્રીએ સૌ પર આશીર્વાદ વરસાવ્યા હતા.
|
|