|
'મંદિરો દ્વારા સુસંસ્કારિત થયેલો મનુષ્ય સમાજમાં શાંતિનું સર્જન કરશે' : સ્વામીશ્રી
'સોરઠ ધરા સોહામણી અને ઊંચો ગઢ ગિરનાર' એવા સોરઠની પાવન ભૂમિ પર જૂનાગઢ ખાતે પ્રમુખસ્વામી મહારાજે તા. ૪-૬-૨૦૦૫થી તા. ૧૩-૬-૨૦૦૫ સુધી બિરાજીને સત્સંગની હેલી વરસાવી હતી. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યથી સમગ્ર સોરઠ પ્રદેશમાં સત્સંગી ભક્તજનોમાં ઉત્સાહનું એક મોજુ _ ફરી વળ્યું હતું. તા. ૪-૬-૨૦૦૫ના રોજ સ્વામીશ્રી પધાર્યા ત્યારે હરિભક્તોએ પુષ્પની અંજલિ વડે વધાવીને તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અહીં સ્વામીશ્રીના આગમન સાથે નિર્માણાધીન મંદિરમાં નવનિર્મિત સંતઆશ્રમનું પણ તેઓના હસ્તે વેદોક્તવિધિપૂર્વક ઉદ્ઘાટન થયું. સ્વામીશ્રીના સ્વાગત માટે કેટલાય બાળકો, યુવકો તથા સંતોએ વિવિધ વ્રત, ઉપવાસ કર્યાં હતાં. પોરબંદરના તેર જેટલા બાળકોએ વિવિધ વ્રત, ઉપવાસ કર્યાં હતાં. ભીખુભાઈ ઓડેદરા, હાર્દિક વિનુભાઈ કક્કડ, જયવંત પ્રવીણભાઈ રાજ્યગુરુ, તેજસ જયપ્રકાશ સોનેજી, ચેતન વિનુભાઈ જોષી, હિરેન ચાંદેગરા, મનસિજ જમનભાઈ પરમાર, યોગેશ પ્રવીણભાઈ રાજ્યગુરુ, દિવ્યેશ કિશોરભાઈ પરમાર, મયૂર વેણીભાઈ જોષી, રાકેશ મહેશભાઈ ફટાણિયા, નીરવ દેવલુક તથા કિસન જેઠવા વગેરે બાળકોએ કો'કે ચાર મહિનાના શિશુચાંદ્રાયણ, કો'કે બે મહિના ને દશ દિવસના ચાંદ્રાયણ, કો'કે દોઢ મહિના ધારણાંપારણાં તો કોઈએ રોજના ૨૧ દંડવત્, કોઈ નાના બાળકે દશ દિવસના એકટાણાં, તો કોઈએ દશ દિવસનાં ચાંદ્રાયણ વગેરે વ્રતો કરીને સ્વામીશ્રીનું વિશિષ્ટ તપોમય સ્વાગત કર્યું હતું.
તા. ૫-૬-૨૦૦૫થી નિત્ય સંધ્યાસભામાં વિશિષ્ટ કાર્યક્રમોની શ્રેણી આરંભાઈ હતી.
પ્રમુખસ્વામી મહારાજે સૌ હરિભક્તોને આશીર્વચન પાઠવીને, સભામાં અમૃતવાણી વરસાવતાં કહ્યું હતું કે 'ધર્મના નામે ઝઘડા થયાના સમાચાર ઘણી વખત સાંભળવા મળે છે, પરંતુ જો દરેક મનુષ્ય પોતાના ધર્મગ્રંથને બરાબર સમજે, તો ક્યારેય ઝઘડા ઊભા થાય જ નહીં. ધર્મની અયોગ્ય અને અપૂરતી સમજણના કારણે પ્રશ્નો ઊભા થતા હોય છે. સૌ પોતાના ધર્મમાં શ્રદ્ધા રાખીને પોતાની રીતે પાઠપૂજા-ઉપાસના કરતા રહે તો કોઈ સમસ્યા ઉદ્ભવે નહીં.'
તા. ૫ જૂન, ૨૦૦૫ની એ સોનેરી સંધ્યાએ સભામાં ઉપસ્થિત સૌ હરિભક્તો સમક્ષ પોતાનો વાણીપ્રકાશ રેલાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું: ''ધર્મમાં અને મંદિરોમાં શ્રદ્ધા ન ધરાવનારા ઘણા લોકો મંદિરની જરૂર વિશે પ્રશ્ન કરતા હોય છે. જેમ સ્કૂલો, કૉલેજો, દવાખાનાં વગેરે બધી સગવડો જરૂરી છે, દેશની રક્ષા માટે મિલિટરીની જરૂર છે અને તેની પાછળ ખર્ચા પણ કરવા પડે છે, એમ જેમને ભગવાનમાં શ્રદ્ધા છે એ મંદિરોનું નિર્માણ કરે, મસ્જિદોનું સર્જન કરે, ચર્ચ પણ બનાવે, ગુરુદ્વારાએ પણ જાય, માતા-મહાદેવનાં મંદિરો પણ બનાવે. દરેક પોતાની શ્રદ્ધા પ્રમાણે કરે. એને ખોટું કહેõનારા ધર્મને સમજ્યા જ નથી. મંદિરો, સાધુસંતો એ સમાજનાં અંગ છે. આપણે વ્યસનોની પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખીએ છીએ, પણ મંદિરો માટે પ્રશ્નો થાય છે. સમાજમાં મંદિરોની ને સાધુઓની જરૂર છે, કારણ કે ભારત દેશ અનાદિકાળથી ધર્મમાં માનતો આવ્યો છે.'
સભાની શરૂઆતમાં વિવેકસાગર સ્વામીએ વચનામૃત પારાયણ શરૂ કરી હતી. ત્યારબાદ જૂનાગઢના નવા નિમાયેલા કલેક્ટર બિપીનચંદ્ર શ્રીમાળી તથા ડી.એસ.પી. વાઘેલા સાહેબે હાર પહેરાવીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. યુવકોએ અક્ષરવત્સલ સ્વામી રચિત 'મંદિરમાં પ્રભુ વિરાજે છે' એ સંવાદ રજૂ કર્યો હતો. સભામાં ઉપસ્થિત સાંસદ શ્રીમતી ચીખલિયાનું મહિલામંડળમાં સન્માન થયું હતું ને તેઓના પતિ ડૉ. ચીખલિયાએ સ્વામીશ્રીનાં ચરણોમાં વંદન કરી ધન્યતા અનુભવી હતી.
|
|