|
યોગી જયંતીના સુવર્ણ અવસરે ભાવનગર આંગણે નિર્માણાધીન મંદિરના ઉદુંબર-દ્વારશાખનું પૂજન કરતા સ્વામીશ્રી
ભાવનગરના એ નિર્માણાધીન મંદિરના ઉંબરા પર ચંદનના વાઘા ને સોનાનો મુકુટ ધારણ કરીને બિરાજમાન થયેલા ભગવાન હરિકૃષ્ણ મહારાજનાં દર્શનથી હરિભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા અને પરમહિતકારી સંત એવા પ્રમુખસ્વામી મહારાજના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આખરે એ પાવન ઘડી આવી પહોંચી. ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય સ્મરણ કરતાં કરતાં સ્વામીશ્રી મંદિરના આંગણે પધાર્યા. ભગવાન સ્વામિનારાયણના પ્રસન્ન મુખારવિંદનું દર્શન કરતાં કરતાં સ્વામીશ્રીએ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનું સ્મરણ કરીને ઉદુંબર તથા દ્વારશાખનું પૂજન કર્યું ત્યારે ત્યાં ઉપસ્થિત સૌ સંતો અને હરિભક્તોએ કરેલા જય જયકારથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું.
પૂજનવિધિને આગળ વધારતાં સ્વામીશ્રીએ પ્રત્યેક ખંડના ઉદુંબર અને દ્વારશાખનું પૂજન કર્યું હતું. ખાડાખુબડાવાળા ફ્ûલોિરગ પર પ્રેમપૂર્વક ચાલતાં ચાલતાં સ્વામીશ્રીએ કલામંડિત સ્થંભો અને મંદિર બાંધકામના દરેક કાર્યનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું હતું.
તા. ૩-૬-૨૦૦૫નો આ દિન ઐતિહાસિક હતો. કારણ કે આજે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો જન્મજયંતી દિન હતો. સંધ્યા સત્સંગસભામાં અહીં ખૂબ જ અનન્ય રીતે ભક્તિભાવપૂર્વક ઉજવાયેલી ૧૧૪મી યોગી જયંતીના પાવન પ્રસંગે સૌ પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું હતું કે 'યોગીજી મહારાજ ખૂબ જ સરળ સ્વભાવના સંત હતા. દરેકમાં ભગવાન જોવાની દૃષ્ટિ! દરેક માટે આદર! ટપાલીને પણ 'ટપાલી સાહેબ' કહીને બોલાવે એવી નમ્રતા ને સાધુતા! 'ભગવાન સર્વનું ભલું કરો' આ એક એમની મોટી ભાવના હતી.
માણસની સામાન્ય બાબતમાં પણ ગુણ લેવાનો સ્વભાવ હતો. આધ્યાત્મિક માર્ગમાં આપણે બીજાના ગુણ જોવાના અને આપણા દોષ જોવાના છે. ભગવાનના સુખથી બીજુ _ અધિક સુખ નથી એ એમને દૃઢ હતું. સમાજ સારો થાય ને આધ્યાત્મિક સદ્ગુણ સંપન્ન સમાજ થાય એવી એમની ઇચ્છા હતી, તેથી સત્સંગમંડળો સ્થાપ્યાં ને ભણેલા સંતો કર્યા, ૫૧ સંતો પણ કર્યા. એમની દૃષ્ટિથી સાતસો સંતો થયા છે. દિલ્હીનું અક્ષરધામ પણ એમનો જ સંકલ્પ છે. એમનો સંકલ્પ હતો કે જમના નદીના કિનારે મંદિર કરવું છે. આજે એમના સંકલ્પો પૂરા થઈ રહ્યા છે - માટે એવી સેવા કરીને, એમને રાજી કરીને સુખિયા થઈએ તેવી ભગવાનને પ્રાર્થના.'
આજની સભામાં ઉપસ્થિત ધારાસભ્ય સુનીલભાઈ ઓઝાએ સ્વામીશ્રીનાં ચરણોમાં વંદન કરતાં કહ્યું હતું કે 'પશ્ચિમની ભોગમય ધરતી ઉપર વસેલા ભારતીયોમાં હિંદુસ્તાનનું ખેંચાણ અતૂટપણે જોડાયેલું રાખવામાં પ્રમુખસ્વામી મહારાજનો ફાળો અનન્ય છે. ત્યાં આવાં ભવ્ય શિખરબદ્ધ મંદિરો કરીને તેઓએ અદ્ભુત કાર્ય કર્યું છે. આવું કાર્ય બીજુ _ કોઈ કરી ન શકે. તેઓનાં આવાં અનન્ય કાર્ય બદલ તેમને હું વંદન કરું છુ _.'
ધારાસભ્ય મહેન્દ્રભાઈ ત્રિવેદીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે 'ક્યારેક વિચાર થાય છે કે હજારો હજારો વર્ષથી દેશની આ સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે પ્રભુએ કેવી અદ્ભુત વ્યવસ્થા ગોઠવી છે ! આજથી બે-પાંચ હજાર વર્ષ પછી ઇતિહાસ ભણાવનારા ચોક્કસપણે એ વાતનો ઉલ્લેખ કરશે ને ભણનારા ભણશે કે વીસમી સદીમાં સ્વામિનારાયણનો જે વારસો ચાલ્યો આવે છે એને આ ભૂમિ ઉપર ન કેવળ મંદિરોનું નિર્માણ કર્યું, પણ સાથે સાથે શુદ્ધ આચરણવાળો સમાજ પણ બનાવ્યો કે જે દેશની રક્ષા માટે સઘળું સમર્પણ કરી શકતો હતો. આવા સમાજનું નિર્માણ કરવું અઘરું છે. આવું કાર્ય કોઈ સામાન્ય વ્યક્તિથી થાય પણ નહિ. પ્રમુખસ્વામી મહારાજે એવું કાર્ય કર્યું છે.'
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની ૧૧૪મી જન્મજયંતી પ્રસંગે 'એક કથા કહું તમે સાંભળજો.' એ ગીતના મધ્યવર્તી વિચાર સાથે જયંતીનો કથા પ્રવાહ આગળ વધી રહ્યો હતો. પ્રવક્તા આદર્શજીવન સ્વામીના ઉદ્બોધન પછી કાર્યક્રમની સાંકળ સૂત્રધાર તરીકે કડીઓની સાથે નૃત્ય કરતા બાળકે સંભાળી લીધી. એક એક કડી ગાઈને મંચ ઉપર નૃત્ય દ્વારા એની અભિવ્યક્તિ કર્યા પછી, નાના પ્રવચન અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થતા હતા. અનેકના જીવનને લયબદ્ધ કરીને નૃત્યની કક્ષાએ પહોંચાડનાર સ્વામીશ્રીની સન્મુખ ઉપમંચ પર કિશોરો અને યુવકોએ ગીતના તાલે મનોહર નૃત્ય રજૂ કર્યું હતું. આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. સૌ સંતો-હરિભક્તો તેમજ વિવિધ મંડળોના અગ્રેસરોએ ખૂબ જ ભાવપૂર્વક સ્વામીશ્રીને હાર અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી. આ સુવર્ણ અવસરે ૧૨,૦૦૦થી પણ વધારે હરિભક્તોએ સમૂહઆરતી કરીને કૃતાર્થતા અનુભવી હતી. સ્વામીશ્રીએ સૌ પર અમીદૃષ્ટિ વરસાવીને આશીર્વાદ પાઠવ્યા હતા.
|
|