|
રાજકોટમાં પ્રમુખસ્વામી મહારાજનો દિવ્ય સત્સંગલાભ
સૌરાષ્ટ્રની પાટનગરી સમા રાજકોટ શહેરમાં તા. ૨૦-૬-૨૦૦૫ના રોજ પધારીને સ્વામીશ્રીએ રાજકોટવાસીઓને સત્સંગમય કરી દીધા હતા. શહેરના કાલાવડ રોડ પર આવેલા કલામંડિત ભવ્ય મંદિરના વિશાળ સભાગૃહમાં નિત્ય સવાર-સાંજ હરિભક્તોની ઊમટતી મેદની આધ્યાત્મિક પ્રેરણાઓથી ચેતનવંતી બની ગઈ હતી.
પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં શહેરીજનોએ તા. ૨૧ જૂનના રોજ 'સત્સંગ દિવસ' ઊજવ્યો હતો. સવારના અલ્પાહાર દરમ્યાન મંદિરના એકાઉન્ટ, એસ.ટી.ડી. તથા સફાઈ વિભાગના ૭૫ જેટલા કાર્યકરોએ 'સેવા' વિષયક ગોષ્ઠિ રજૂ કરી હતી. ભોજન દરમ્યાન રાજકોટ-૧ ક્ષેત્રના કાર્યકરોએ વચનામૃત પ્રથમ ૩૧ના આધારે પ્રવૃત્તિસંબંધી ગોષ્ઠિ રજૂ કરી હતી. આવી જ્ઞાનસભર ગોષ્ઠિથી સ્વામીશ્રી ખૂબ જ પ્રસન્ન થયા હતા. આજના દિને નવા ૩૦૦ સત્સંગીઓ તથા જૂના ૨૦૦ સત્સંગીઓએ નિયમિત ઘરસભાનો નિયમ લીધો હતો. 'સત્સંગ દિન' નિમિત્તે સાંજની સભામાં ઉમંગભેર વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સ્વામીશ્રીએ પ્રવચનમાં સત્સંગનું મહત્ત્વ સમજાવીને સૌને આશીર્વચન પાઠવ્યા હતા.
તા. ૨૨-૬-૨૦૦૫ના રોજ 'મંદિર દિન' ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે પ્રાતઃકાળે સ્વામીશ્રીએ ૧૨૫ નવા મુમુક્ષુઓને વર્તમાન ધરાવી, સૌને ભગવાન સ્વામિનારાયણનો આશરો કરાવ્યો હતો. સાંજની સત્સંગ સભામાં યુવકોએ 'મંદિરનિર્માણમાં સંતો-હરિભક્તોનું સમર્પણ ચડે કે ભગવાન અને સંતની કૃપા?' એ વિષય પર સંવાદ રજૂ કર્યો હતો. છેલ્લે શ્રેષ્ઠ કોણ? એ નિર્ણય સ્વામીશ્રી ઉપર છોડી દેવાયો હતો. સ્વામીશ્રીએ વાત કરતાં કહ્યું હતું: ''કહેવત છે કે 'મનુષ્યપ્રયત્ન ઈશ્વરકૃપા' બેય એકબીજા સાથે ઓતપ્રોત છે. પુરુષપ્રયત્નમાં ભગવાનની કૃપા ભળે છે, ત્યારે આપણે કાર્ય કરી શકીએ છીએ. જો એમની કૃપા, દયા, સંકલ્પ ન હોય તો કાંઈ ન થાય. સર્વકર્તા પરમાત્મા છે. આપણા પુરુષાર્થની મહત્તા માનીએ તો એમાં અહમ્ આવી જાય, પણ જો ભગવાનની કૃપા માનીએ તો 'મેં કર્યું, મારાથી થયું' એવું ના થાય. પુરુષપ્રયત્ન કરીએ છીએ, પણ ભગવાનને રાજી કરવા કરીએ છીએ, પણ કેટલીક વખત 'મેં કામ કર્યું. મેં આટલાને વાત કરી' એવું થાય, પણ જ્યારે ભગવાનની કૃપા માનીએ છીએ ત્યારે કોઈ અહમ્ આવતો નથી. એટલે ભગવાન જ કર્તા છે, આપણે કર્તા નથી. કર્તાપણાનો ભાવ ન રહે અને કેવળ ભગવાનને રાજી કરવા છે એવો ભાવ રહે એ ભગવાનની કૃપા છે. દરેક કાર્યનું મૂળ ભગવાન છે અને ભગવાનની કૃપાથી થાય છે એ સિવાય થતું નથી. શાસ્ત્રમાં ભગવાનને જ સર્વકર્તા કહ્યા છે. એ જ બધું કરે છે તો થાય છે. ભગવાનને પ્રધાન રાખીએ તો એમાંથી આપણને પ્રેરણા મળે છે ને કાર્ય થાય છે. પ્રેરણા જેટલી થાય એટલો પુરુષાર્થ કરી શકીએ.'
લંડનના સંનિષ્ઠ હરિભક્ત ચંદ્રકાંતભાઈ પૂજારાએ પોતાના અ.નિ. સુપુત્ર અમીની સ્મૃતિમાં તા. ૨૩ જૂનના દિવસે, બોર અને પાણીના ટાંકા સહિતની ૧૩ એકર જમીન રાજકોટ મંદિરને ગોશાળા માટે ભેટ આપી હતી. આ દિવસે આૅલ ઇન્ડિયા રેડિયોના સ્ટેશન ડિરેક્ટર તુષારભાઈ શુક્લ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. સ્વામીશ્રી સાથે વાતો કરતાં તેમણે અક્ષરધામ પર થયેલા આતંકવાદી હુમલાની ઘડી યાદ કરી, એ સમયે સ્વામીશ્રીએ જે સ્વસ્થતા દાખવી સૌને શાંતિની અપીલ કરી હતી, તેની પ્રશંસા કરી હતી.
તા. ૨૪ જૂનના દિવસે રાજકોટવાસીઓએ 'વિચરણ દિન'ની ઉજવણી કરી હતી. સાંજની સત્સંગસભામાં રાજકોટ મૅડિકલ પ્રેક્ટિસનર ઍસોસિયેશનના ૧૫૦૦ સભ્યો તરફથી સ્વામીશ્રીએ આરોગ્ય ક્ષેત્રમાં આપેલા પ્રદાન માટેનો •ણાભિવ્યક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એસોસિયેશનના હોદ્દેદારોએ સ્વામીશ્રીને સન્માનપત્ર અર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
તા. ૨૫-૬-૨૦૦૫ના રોજ બપોરની સભામાં 'રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ'ના શૈક્ષણિક અધિવેશન નિમિત્તે સમગ્ર જિલ્લામાંથી આવેલા ૨૫૦૦ જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક સંઘના ઉચ્ચ હોદ્દેદારોનું સન્માન વિવેકસાગર સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું હતું: ''પ્રાથમિક શાળાના શિક્ષકોને બહુ મોટી સેવા મળી છે, કારણ કે છોડ નાનો હોય ત્યારથી એને કેવી રીતે જતન કરીને ઉછેરવો પડે. ૧ થી ૭ સુધીનું પાયાનું જ્ઞાન છે. એટલે શિક્ષણ એ પાયાની વસ્તુ છે. એમાં ધ્યાન આપવાનું છે. નાનપણથી સારું ભણે. શિક્ષણમાં રુચિ થાય, વ્યસન, દૂષણ ના થાય. એવી જાતનું શિક્ષણ આપણે આપવાનું છે. શિક્ષકોને એટલું હોવું જોઈએ કે આ બાળકો મારા છે.
અમારા ગુરુ યોગીજી મહારાજને દીર્ઘદૃષ્ટિ હતી એટલે પહેલા એમણે બાળમંડળો ચલાવ્યા. પહેલેથી સંસ્કાર હોય પછી આગળ વધે. દેશપરદેશ જાય તો પણ વાંધો ન આવે. તમે સાદાઈથી રહેશો, તમારું ચારિત્ર્ય, પવિત્રતા, જ્ઞાન છે - એ હશે તો સુખી રહેવાશે. એવી ભાવના દૃઢ થાય, સમાજમાં એવું વાતાવરણ ઊભું થાય અને ધર્મએ આપેલી દિશામાં આગળ વધીશું તો શાંતિ મળશે. એવું બળ ભગવાન સર્વને આપે એ પ્રાર્થના.''
|
|