|
રાજકોટમાં શ્રી સત્ય સાંઈ હૉસ્પિટલની મુલાકાત લેતા સ્વામીશ્રી
'જનસેવા એ જ પ્રભુસેવા'ના ઉદ્દેશ્યને લઈને ચાલતી રાજકોટની શ્રી સત્ય સાંઈ હૉસ્પિટલ, જેમાં દર્દીઓની બાયપાસ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવે છે, તેમજ સાથે સાથે અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે, તા. ૨૬ જૂનના રોજ પ્રમુખસ્વામી મહારાજે આ હૉસ્પિટલની મુલાકાતે પધારીને હૉસ્પિટલ દ્વારા થઈ રહેલાં સેવાકાર્યોને બિરદાવ્યાં હતાં અને સૌને આશીર્વાદ પાઠવ્યા હતા.
હૉસ્પિટલના મૅનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ ભીમાણી તથા રાજ્યના મહેસૂલમંત્રી કૌશિકભાઈ પટેલ વગેરે સૌની ભક્તિભાવના ભરી વિનંતીથી સ્વામીશ્રી આ હૉસ્પિટલમાં ખાસ પધાર્યા હતા. હૉસ્પિટલની એડમિનિસ્ટ્રેટીવ આૅફિસમાં વિરાજીને સ્વામીશ્રી સૌ ટ્રસ્ટીઓ, ડૉ. રાજેશ તેલી ને ડૉ. દીક્ષિતને મળ્યા હતા. ત્યારબાદ સ્વામીશ્રીએ પહેલા માળે આવેલા આૅપરેશન થિયેટરમાં પગલાં કર્યાં હતાં. જે ટેબલ પર દર્દીઓનું આૅપરેશન કરવામાં આવે છે, તેના પર સ્વામીશ્રીએ ભગવાન સ્વામિનારાયણને પધરાવ્યા હતા ને ધૂન કરતાં કરતાં શુભ પ્રાર્થના કરી હતી કે 'દરેક આૅપરેશન સફળ થાય, દર્દીઓનું સ્વાસ્થ્ય સારું થઈ જાય, ડૉક્ટરને પણ યશ મળે અને દર્દીઓની મફત સારવાર થાય છે તો એ માટેની આર્થિક સેવા પણ હૉસ્પિટલને મળતી રહે.'
આઈ.સી.સી.યુ. વૉર્ડમાં સૂતેલા બાયપાસ થયેલા અને વાલ્વના દર્દીઓ પાસે જઈને, સ્વામીશ્રીએ સૌની ઉપર પુષ્પ પધરાવીને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ હૉસ્પિટલના મંદિરનાં દર્શન કર્યાં હતાં. દર્દીનું બાયપાસ આૅપરેશન થતું હોય ત્યારે તેઓનાં સગાંવહાલાં અહીં બેસીને ધૂન કરે એવો હૉસ્પિટલનો નિયમ છે. આ સાંભળીને સ્વામીશ્રી ખૂબ જ પ્રસન્ન થયા હતા ને પ્રોત્સાહન આપતાં કહ્યું હતું કે 'આ બહુ જ સારી પ્રથા છે. પ્રાર્થના કરવાથી ભગવાનના આશીર્વાદ પણ એમાં ભળે છે.'
હૉસ્પિટલમાં સ્વામીશ્રીનાં પગલાંથી સૌ અતિ આનંદિત થઈ ગયા હતા. દર્દીઓ અને હૉસ્પિટલના આયોજકોએ સ્વામીશ્રીનો અત્યંત આભાર માન્યો હતો.
સાંજની સભામાં 'હરિલીલાકલ્પતરુ' પારાયણની પૂર્ણાહુતિ હતી તેમજ સાથે હરિકૃષ્ણ મહારાજના ષોડશોપચાર પૂજનવિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણની નગરયાત્રામાં ઊમટી પડ્યા હતા. હૃદયના ભાવોને નૃત્ય દ્વારા વ્યક્ત કરતાં સૌ હરિભક્તો કીર્તનમાં લીન બન્યા હતા ને ખૂબ જ ભક્તિભાવપૂર્વક ભગવાન સ્વામિનારાયણનું ષોડશોપચાર પૂજન કર્યું હતું. પારાયણની પૂર્ણાહુતિ અને અનેરા ઉત્સવના આ ટાણે સ્વામીશ્રીએ સૌ પર આશીર્વાદ વરસાવ્યા હતા.
તા. ૨૦ જૂનના રોજ રાજકોટ પધારેલા સ્વામીશ્રીએ એક સપ્તાહ દરમ્યાન રાજકોટવાસીઓને પોતાનાં દિવ્ય સાંનિધ્ય, દિવ્યવાણી અને આશીર્વચનોનો અમૂલ્ય લાભ આપ્યો હતો. ત્યારબાદ તા. ૨૭ જૂનના દિવસે ડાંગરા મંદિરે દર્શન કરી ભાદરા જવા પ્રયાણ કર્યું હતું.
|
|