ભાદરા મંદિરના માસ્ટર પ્લાનનું ખાતમુહૂર્ત કરતા સ્વામીશ્રી પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પુનિત હસ્તે તા. ૩૦ જૂન, ૨૦૦૫ની સંધ્યાએ ભાદરા મંદિરના માસ્ટર પ્લાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્લાન પ્રમાણે જ્યાં સંતનિવાસ થવાનો હતો ત્યાં ખાડો તૈયાર કરવામાં આવ્યો હતો. ઝરમર-ઝરમર વરસતા વરસાદમાં છત્રીઓ નીચેથી પસાર થતા સ્વામીશ્રી ખાડા સમક્ષ પધાર્યા હતા. નકશા પ્રમાણે ખાડો થયો છે કે નહીં, તેની ખાતરી કરી સંકલ્પવિધિ કરવામાં આવ્યો. ત્યારબાદ સ્વામીશ્રીએ શ્રીફળનું પૂજન કર્યું હતું અને સ્વામીશ્રીની આજ્ઞાથી ચંદ્રકાંતભાઈ પૂજારાએ શ્રીફળ વધેર્યું હતું.અક્ષરબ્રહ્મ એવા ગુણાતીતાનંદ સ્વામી જ્યાં પ્રગટ થયા હતા, એ ભાદરા ગામમાં સ્વામીશ્રીએ તા. ૨૭ જૂનથી ૩૦ જૂન સુધી નિવાસ કર્યો હતો અને દિવ્ય સત્સંગની લહેરો પ્રસરાવી હતી. તા. ૨૮ જૂનની બપોરની સભામાં સૌને આશીર્વચન પાઠવતાં સ્વામીશ્રીએ કહ્યું હતું કે 'આપણે ગુણાતીતના સ્થાનમાં બેઠા છીએ અને આપણે બધાએ ગુણાતીત થવાનું છે. જો આપણે એવા થવું હોય તો કરનારા તો એ બેઠા છે, પરંતુ માણસ વિવિધ વ્યસનો અને દુર્ગુણોમાં ફસાઈને ગફલતો કરતો રહે છે. જો ભગવાનના ધામમાં જવું હોય તો પુરુષાર્થ કરવો પડે. જો આપણે સારો વ્યવસાય કરવો હોય કે કોઈ મોટા અધિકારી બનવું હોય તો ઘણી મહેનત કરવી પડે અને કેટલાક નિયમોનું પાલન પણ કરવું પડે. જેવી રીતે કોઈ મોટા વ્યવસાયી કે હોદ્દેદાર અધિકારી બનવું કઠણ છે તેવી રીતે ભક્ત બનવું પણ કઠણ છે. ભક્ત બનવા માટે પણ ઘણા નિયમોનું પાલન કરવું પડે. આ કામ સામાન્ય નથી. શૂરવીર થઈ શકે એ જ ભક્ત થઈ શકે. 'હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને...' ભક્તિ કરતાં અનેક કસોટીઓ થાય, દુઃખ આવી પડે એટલે ઘણા ભક્તિ મૂકી દે છે. પણ દુઃખ એટલા માટે આવે છે કે આવા બધા ઉપાયો દ્વારા આસક્તિ ટાળી, ભગવાન પોતાના ધામનું સુખ આપવા માંગતા હોય છે. ભગવાન જે કરે છે તે સારું જ કરે છે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે. તેઓ આ જ ગામમાં પ્રગટ થયા છે. તમે બધા ખૂબ જ ભાગ્યશાળી છો કે અહીં જન્મ્યા છો. ભગવાનને રાજી કરવા માટે આપણો જન્મ છે. માટે તેનો મહિમા સમજીને ભક્તિ કરવી.' તા. ૨૯ જૂનના રોજ ભાદરા ગામના કરસનભાઈ ડાહ્યાભાઈ ભંડેરીએ મંદિરના ઉપયોગમાં આવે એવું પોતાના ભાગનું મકાન ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં અર્પણ કર્યું હતું. સ્વામીશ્રીએ તેમને આશીર્વચન પાઠવ્યાં હતાં. તા. ૩૦ જૂનની બપોરની સભા બાદ સ્વામીશ્રીએ મંદિરના માસ્ટર પ્લાન માટેનાં કેટલાંક મકાનોના સંદર્ભમાં જે તે મકાનોના માલિકોને બોલાવીને સમજાવ્યા હતા અને સાંજે સ્વામીશ્રીએ જામનગર તરફ પ્રયાણ કર્યું હતું. સ્વામીશ્રીના ચાર વર્ષ પછીના આ નગરના આગમન નિમિત્તે આબાલવૃદ્ધ સૌ હરિભક્તોએ વિવિધ વ્રત-નિયમો-સંકલ્પો લીધા હતા અને ભક્તિભીના હૃદયના ભાવ વડે સ્વામીશ્રીનું વિશિષ્ટ રીતે સ્વાગત કર્યું હતું. |
||