|
'મંદિરો બ્રહ્મવિદ્યાની કૉલેજ છે અને સંતો તેના પ્રૉફેસરો છે' : જામનગરમાં સત્સંગલાભ આપતા સ્વામીશ્રી
સતત વિચરણરત સ્વામીશ્રી ભાદરાથી તા. ૩૦-૬-૨૦૦૫ના રોજ જામનગર પધાર્યા. 'છોટી કાશી' તરીકે વિખ્યાત જામનગર શહેરમાં સ્વામીશ્રીએ એક સપ્તાહ સુધી બિરાજીને સ્થાનિક શહેરવાસીઓને આધ્યાત્મિક અમૃતલાભ આપ્યો હતો. વિવિધ કાર્યક્રમો દ્વારા બાળકો-યુવકોએ સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
તા. ૨ જુલાઈ, ૨૦૦૫ના રોજ અહીં 'યુવાદિન'ના કાર્યક્રમના ઉપક્રમે સત્સંગલાભ આપતાં સ્વામીશ્રીએ મંદિરો અને સંતોનો મહિમા સમજાવીને ભક્તમેદનીને જણાવ્યું હતું કે 'મંદિરો બ્રહ્મવિદ્યાની કૉલેજ છે. સંતો એના પ્રૉફેસર છે.'
તા. ૧-૭-૨૦૦૫ના રોજ જામનગરના સ્વામિનારાયણ મંદિરમાં પ્રાતઃપૂજા દરમ્યાન કીર્તનોમાં બાળસ્વરો ગૂંજી ઊઠ્યા હતા. વાત્સલ્યમૂર્તિ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં 'બાળદિન' ઊજવવા આતુર બાળકોએ સંધ્યાસભા ઉપરાંત બપોરે ભોજન વખતે વિશેષ પ્રસંગો, પ્રવચન અને વચનામૃતકથન રજૂ કર્યાં હતાં. સાંજે સ્વામીશ્રીના ભ્રમણ દરમ્યાન બે બાળકોએ ભક્તચિંતામણિના ૪૨મા પ્રકરણનો મુખપાઠ અને વચનામૃતનો મુખપાઠ રજૂ કર્યા હતા. રાત્રિભોજન દરમ્યાન સ્વામીશ્રી સમક્ષ બાળકોએ જુદા જુદા વેશોનું પરિધાન કરીને, વિવિધ પ્રસંગો રજૂ કર્યા હતા. આનંદઘેલા બાળકોની ઉલ્લાસભેર રજૂઆતોથી પ્રસન્ન થયેલા સ્વામીશ્રીએ સૌ પર આશીર્વાદ વરસાવ્યા હતા.
તા. ૨ જુલાઈ, ૨૦૦૫ના રોજ 'યુવાદિન' નિમિત્તે શહેરના યુવકોએ, દિવસ દરમ્યાન સ્વામીશ્રી સમક્ષ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા.
સાંજની સભામાં 'હરિલીલામૃત પારાયણ' બાદ યુવકોએ 'સુખી માણસનું પહેરણ' સંવાદ રજૂ કર્યો હતો. સ્વામીશ્રીએ સૌ પર આશીર્વાદ વરસાવતાં કહ્યું હતું કે 'આજે વિજ્ઞાનને લઈને દુનિયામાં ખૂબ વિકાસ થયો છે, પણ આત્માનું સુખ પામી શક્યા નહીં. જ્યારે આપણને સાચા સંત મળે છે ત્યારે તેમના યોગે આત્મા-પરમાત્માનું સુખ પમાય છે. સાચો વિકાસ અંદરનો છે. મારુંતારું, છળકપટ, અનીતિ-પાપાચાર, વ્યસન-દૂષણ આ બધાંનો કોઈ વિચાર જ જેને નથી, એવા પુરુષ પાસે પરમાત્માનું સુખ છે. જેમનું ભગવાનમય જીવન છે, જેમનામાં કોઈને દુઃખ દેવાનો સંકલ્પ પણ નથી, સદૈવ સર્વેનું સારું કરવાનો સંકલ્પ છે કોઈ દુઃખ આપે તો એનેય આશીર્વાદ, એને કોઈ મોટપની અપેક્ષા નથી. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે 'અક્ષરધામમાં કોઈ માયાનો પ્રપંચ નથી. ભગવાનનાં દિવ્ય દર્શન થાય છે.' ત્યાં આ લોકના સુખનું કોઈ વાતાવરણ નથી. ત્યાં આત્માના સુખનું વાતાવરણ છે. એ ધામમાં ગયા પછી જન્મમરણ રહેતું નથી. દુનિયાનું જે જે સુખ આપણે માન્યું છે એ દુઃખદાયક અને નાશવંત છે. આત્માનું સુખ શાશ્વત છે, એ અમૃત જ છે.
મંદિરોમાં આધ્યાત્મિકતા છે. એમાં સુખ-શાંતિ છે. જોગીમહારાજ કહેતા કે 'બ્રહ્મવિદ્યાની કૉલેજ છે. સંતો એના પ્રૉફેસર છે. ગામોગામ ફરીને લોકોને વ્યસન-દૂષણ મુકાવે છે. ચારિત્ર્યવાન બનાવે છે, તો ત્યાં જવાથી આપણને લાભ છે.' આધ્યાત્મિક બાબત એવી છે કે પોતાનેય શાંતિ, બીજાનેય શાંતિ. બીજાનું લેવાની ઇચ્છા જ નથી. બીજાના સુખમાં આપણું સુખ. આ વિચાર આપણને રહે અને શાસ્ત્રોના શબ્દો છે એ રાખીને કથાવાર્તા, કીર્તન કરીશું તો સદા સુખિયા, સુખિયા ને સુખિયા.'
આ પ્રસંગે જામનગર મહિલામંડળ દ્વારા તૈયાર કરાયેલા અણિશુદ્ધ ચોખા ભરેલી માટલી શહેર અને ગ્રામીણ વિસ્તારના અગ્રેસર કાર્યકરોએ સ્વામીશ્રીનાં ચરણોમાં અર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
સાંજે ભોજન દરમ્યાન સ્વામીશ્રી સમક્ષ યુવકોએ શ્રીજીમહારાજની યુદ્ધલીલા, રંગલીલા, રિસાવાની લીલા, અશ્વલીલા અને પીરસવાની લીલાના પ્રેરક પ્રસંગો કહ્યા હતા. છેલ્લે સ્વામીશ્રીએ સૌ યુવકોને સ્વહસ્તે પ્રસાદી આપીને દિવ્યસ્મૃતિ આપી હતી.
|
|