|
જામનગરમાં ભાવિ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની ધરા પર સ્વામીશ્રીના હસ્તે સભાગૃહનું વિધિવત્ ઉદ્ઘાટન
જામનગરમાં ભાવિ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની ધરા પર સ્વામીશ્રીના હસ્તે સભાગૃહનું વિધિવત્ ઉદ્ઘાટન
જામનગરમાં પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય પ્રેરણાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સત્સંગની દિનપ્રતિદિન અભિવૃદ્ધિ થઈ રહી છે. સત્સંગના વધતા જતા વ્યાપને અનુરૂપ દ્વારકા બાયપાસ પર આવેલ વિશાળ જગ્યા પર શ્રી સ્વામિનારાયણ મંદિર આયોજન હેઠળ છે. હાલ અહીં વિશાળ સભામંડપ તૈયાર થયો છે. આ સભાગૃહનું ઉદ્ઘાટન કરતાં સ્વામીશ્રીએ તા. ૩-૭-૨૦૦૫ના રોજ આરસના અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા ગુરુપરંપરાની મૂર્તિઓનું વિધિવત્ પૂજન અને આરતી કરીને અહીં પ્રતિષ્ઠાવિધિ કર્યો હતો. આ પ્રસંગે 'મંદિર સંકલ્પ પૂર્તિ' નિમિત્તે મહાપૂજા પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સમૂહઆરતી ઉતારવામાં આવી હતી.
તા. ૫ જુલાઈ, ૨૦૦૫ની સંધ્યાએ પારાયણનો પૂર્ણાહુતિવિધિ રાખવામાં આવ્યો હતો. સંનિષ્ઠ સત્સંગી અ.નિ. પ્રવીણભાઈ દાસાણીની પુણ્ય સ્મૃતિમાં તેઓના પરિવારે તેમજ અ.નિ. હીરાભાઈ શંખલપુરાની પુણ્ય સ્મૃતિમાં પરિવારે પાંચ દિવસની પારાયણ કરાવી હતી. પારાયણના વક્તા વિવેકસાગર સ્વામી હતા.
સ્વામીશ્રીએ સૌને આશીર્વચન પાઠવીને, દિવંગતોની સેવાભાવના, ભક્તિ અને નિષ્ઠાને બિરદાવી હતી.
તા. ૬-૭-૨૦૦૫ની સાંજની સભામાં વિવેકસાગર સ્વામીએ વજીબાના આખ્યાનનું નિરૂપણ કર્યા બાદ યુવકોએ 'વજેસિંહ બાપુનો હોકો' સંવાદ રજૂ કર્યો હતો. સૌને આશીર્વાદ પાઠવતાં સ્વામીશ્રીએ 'વજેસિંહ બાપુના હોકાના કેફ'ના પ્રસંગનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે 'આ બધા કેફ તો ક્ષણિક છે. કેફ તો ભગવાનનો ચડવો જોઈએ કે કોઈ દા'ડો ઊતરે જ નહીં.'
'યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો...' આ રંગ ચડવો જોઈએ. એ રંગ ચડ્યો તો અખંડ કથાવાર્તા, કીર્તન, ભજન કરે ને બીજાને એ રંગ ચડાવી દે.
સાચા સંત ભગવાન ભજવાની રીત બતાવે. ભગવાનનો, સત્સંગનો અને ધર્મનો કેફ ચડાવી દે છે. ભગવાનરૂપી સંપત્તિ આપી સુખિયા કરે. વહેવાર-સંસાર કરવાનો છે, પણ સાચો રંગ ચડવો જોઈએ કે જે ક્યારેય ઊતરે નહીં. ભગવાનનો આધાર છે એ સુખી છે, એમ માની ભજન, સ્મરણ, કીર્તન કરવું. ભગવાન એવું બળ સર્વને આપે એ જ પ્રાર્થના.''
પ્રતીક રથયાત્રા ઉત્સવ
અષાઢ સુદ ૧ ને શુક્રવાર તા. ૭-૭-૨૦૦૫ની સંધ્યાએ જામનગરવાસીઓનાં હૈયાંમાં આનંદરૂપી ભરતીનાં મોજાં ઊછળી રહ્યાં હતાં. પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સાંનિધ્ય અને પ્રતીક રથયાત્રાના સુભગ સમન્વયથી સૌ હરિભક્તો હર્ષઘેલા બની ગયા હતા.
સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા બાદ યુવકોએ સંવાદ રજૂ કરીને સ્વામીશ્રીની પરાભક્તિનો આદર્શ પ્રસ્તુત કર્યો હતો. કીર્તનગાન બાદ રથયાત્રાનું મહત્ત્વ સમજાવતાં સ્વામીશ્રીએ સૌને આશીર્વચનો પાઠવતાં આપણા ઉત્સવોનો મર્મ સમજાવ્યો હતો.
રથમાં વિરાજમાન હરિકૃષ્ણ મહારાજ તથા જામનગરના હરિકૃષ્ણ મહારાજ સૌને અલૌકિક દર્શન આપી રહ્યા હતા. સર્વત્ર આનંદ છવાયેલો હતો. હરિભક્તોનાં તાલીઓના તાલ અને કીર્તનોનો મંગલધ્વનિ ગૂંજી રહ્યો હતો.
આમ, સ્વામીશ્રીનાં આઠ દિવસના અલભ્ય લાભની અમીવર્ષામાં જામનગરવાસીઓ તરબોળ બની ગયાં હતાં અને દિવ્ય સત્સંગનો અનેરો લહાવો લૂંટ્યો હતો.
આજે સ્વામીશ્રીએ જામનગરથી વિદાય લઈ હવાઈમાર્ગે દિલ્હીમાં પદાર્પણ કર્યું હતું.
|
|