|
રાજધાની દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામની પાવનભૂમિ પર રથયાત્રાના ઉત્સવ સાથે સૌને અણમોલ સ્મૃતિઓ આપતા સ્વામીશ્રી
અષાઢી બીજના દિવસે દિલ્હીમાં યમુના નદી કાંઠે અદ્ભુત ત્રિવેણી સંગમ સર્જાયો હતો. અક્ષરધામની પાવન ધરા, સ્વામીશ્રીનું સાંનિધ્ય અને રથયાત્રાનો ઉત્સવ- આ અનન્ય ત્રિવેણી સંગમનાં દર્શનથી સૌ કોઈ ધન્ય ધન્ય થઈ ગયા હતા.
અક્ષરધામના આંગણે તા. ૮ જુલાઈ, ૨૦૦૫ની સાંજની સત્સંગસભા બાદ રથયાત્રાનો ઉત્સવ શરૂ થયો હતો. બ્રહ્મચરણ સ્વામીએ તૈયાર કરેલો રથ મંચ સુધી લાવવામાં આવ્યો. અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા સ્વામીશ્રીનું કટઆઉટ રથ ઉપર શોભી રહ્યું હતું. સૌ વતી ઈશ્વરચરણ સ્વામીએ હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું અને ત્યારબાદ હરિકૃષ્ણ મહારાજને રથ ઉપર વિરાજમાન કર્યા. બે ઘોડાવાળા આ રથની આગળ બાળમંડળના વેશભૂષાધારી બાળકો ગોઠવાયા હતા. ઢબુકતા ઢોલ અને કીર્તન ગાન સાથે રથયાત્રાનો પ્રારંભ થયો. બાળકોની પાછળ સંતો અને ત્યારબાદ ઉત્સવનો રથ અને છેલ્લે હરિભક્તો આ યાત્રામાં જોડાયા હતા. ઉત્સવના માહોલની વચ્ચે કીર્તનના તાલે તાલ દેતાં દેતાં સ્વામીશ્રી પણ રથની સાથે સૌથી આગળ ચાલ્યા અને કીર્તન ઝીલતાં ઝીલતાં મંદિરની પ્રદક્ષિણામાં જોડાયા હતા. વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું. અંતે સ્વામીશ્રીએ ઉત્સવની આરતી ઉતારી હતી. ધન્યતા અનુભવતા સૌ હરિભક્તોએ આ દિવ્ય દર્શનનો અનન્ય લાભ લીધો હતો.
રથયાત્રા ઉત્સવની આ પ્રાસંગિક સભામાં સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ પાઠવીને રથયાત્રાનું મહત્ત્વ સમજાવતાં કહ્યું હતું કે 'આ ઉત્સવ વર્ષોથી જગન્નાથપુરીમાં ધામધૂમથી ઊજવાય છે. એનો મહિમા ખૂબ જ છે. ત્યાંના મુખ્ય રાજા પણ રથને ખેંચે છેõ. અમદાવાદમાં પણ જગન્નાથનો રથ આખા શહેરમાં નીકળે છે. ભગવાને પણ ઉત્સવ ઊજ્વ્યા છે, કારણ કે સંસ્કારનો વિકાસ આવા ઉત્સવોથી થાય છે. વેદોના કાળથી •ષિમુનિઓએ નક્કી કર્યા મુજબ ઉત્સવો ઊજવાય છે. ઉત્સવોથી ભગવાન સાથેનો આપણો સં_બંધ વિશેષ દૃઢ થાય છે. આ ઉત્સવોથી ભગવાનને રાજી કરવાના છે. બીજા ઉત્સવોથી ઇન્દ્રિયોને પોષણ મળે છે, એટલે જે કાઢવાનું છે એ વધારે જીવમાં પેસે છે અને આ ઉત્સવથી જે અંદર પેઠું છે, જે અવગુણ-મેલ છે એ નીકળે છે. મનનો મેલ કાઢવો કઠણ છે, પણ મન ભગવાનમાં જોડાય તો બધા મેલ નીકળી જાય. ભગવાનમાં એકતાર થઈ જાય એ ભક્તિ કહેõવાય. જોગી મહારાજ કહેતા 'મન માન કહ્યું તું મારું...'
'મન જીતે સો મર્દ હૈ' - જેણે મન જીત્યું એણે સર્વ જગત જીત્યું. બીજુ _ બધું કરીએ છીએ, પણ મન નથી જીત્યું. આત્મારૂપ જ્યાં સુધી નથી થયા, ત્યાં સુધી બધું નકામું છે. મનને જીતી લઈએ એટલે આત્મારૂપે થઈએ. આત્મારૂપ થઈ પરમાત્માની ભક્તિ કરવી. એ ભક્તિ સુખદાયી થાય છે.
આવા ઉત્સવો-લીલા સંભારવાથી મન શુદ્ધ થાય છે. ઇન્દ્રિયો શુદ્ધ થાય ને આત્માના ભાવને પામીને ભગવાનને રાજી કરી શકીએ છીએ. મન-ઇન્દ્રિયોરૂપી ઘોડાને વશ કરવા નવધાભક્તિ ને કથાવાર્તા, કીર્તન કરીને ભગવાનનાં જે જે ચરિત્રો છે, એને સંભારવાથી સુખ આવે છે. તો આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણું મન શુદ્ધ થાય, દેહભાવ ટળે ને બ્રહ્મભાવ પામી જઈએ.'
દિલ્હીમાં સ્વામીશ્રીના આગમન નિમિત્તે ઘણા સંતો, યુવકો-સાધકોએ વિવિધ વ્રત કર્યાં હતાં. પ્રસન્ન થતાં સ્વામીશ્રીએ સૌને લીંબુનું શરબત આપીને પારણાં કરાવ્યાં હતાં.
તા. ૯-૭-૨૦૦૫ના દિવસે અક્ષરધામનાં દર્શનાર્થે પધારેલ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર બી.એલ. જોષી સાહેબે સ્વામીશ્રીનાં દર્શન કરી, આશીર્વાદ મેળવ્યા હતા. અક્ષરધામના નિર્માણકાર્યને નિહાળીને તેઓ અભિભૂત થયા હતા.
અક્ષરધામના વિશાળ પરિસરમાં સંસ્થાએ લાખો વૃક્ષ-છોડ તૈયાર કરીને સમગ્ર પરિસરને હરિયાળીથી છલકાવી દીધું છે. આ વૃક્ષારોપણમાં સ્થાનિક મુમુક્ષુ આર.કે. ગોયલ તથા વી.એન. ગુપ્તાએ રુદ્રાક્ષ તથા ૮૦૦ જેટલા બીજા મોંઘા છોડ આજરોજ સંસ્થાને અર્પણ કર્યા હતા. સ્વામીશ્રીએ રુદ્રાક્ષના છોડનું પૂજન કરીને આશીર્વાદ પાઠવ્યા હતા.
દિલ્હીમાં સ્વામીશ્રીના દર્શન-સત્સંગ માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ દરરોજ વહેલી સવારે જુદી જુદી શાળાઓના બાળકો નિયમિત અક્ષરધામ ખાતે આવી જતા હતા. નિત્ય આયોજન મુજબ સંતોના પ્રવચનો તથા સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં દર્શન અને ભક્તિસંગીતનો લાભ લઈ બાળકો ધન્ય થઈ ઊઠતા હતા. તા. ૧૧ જુલાઈ, ૨૦૦૫ના રોજ પ્રાતઃપૂજા બાદ વાત્સલ્યમૂર્તિ સ્વામીશ્રી દેશના ભાવિ એવા શાળાના બાળકો અને શાળાના સંચાલકોને મળ્યા હતા. અને બાળકોમાં ધર્મભાવના જાગ્રત થાય, સંસ્કારી બને અને સર્વનું કલ્યાણ થાય એવી પ્રાર્થના સહ સૌને આશીર્વાદ આપ્યા હતા. તા. ૧૨-૭-૨૦૦૫ના રોજ સ્વામીશ્રી અક્ષરધામનાં દર્શને આવેલા નેશનલ વિક્ટર પબ્લિક સ્કૂલના બાળકોને મળ્યા હતા. ત્યારબાદ સ્કૂલના સંચાલકોને મળી, બાળકોમાં ધાર્મિક વૃત્તિનો વિકાસ થાય એ માટેના વિશેષ પ્રયત્નો કરવાના બોધ સાથે સૌને આશીર્વાદ આપ્યા હતા.
|
|