|
આદિવાસીઓની ભક્તિ અમીરીનું અલૌકિક દર્શન : ડાંગ જિલ્લાનાં બે ગામોનાં કુટિરમંદિરોની પ્રતિષ્ઠા કરતા સ્વામીશ્રી
તા. ૩૧-૮-૨૦૦૫ના રોજ અટલાદરામાં પ્રમુખસ્વામી મહારાજે ડાંગ જિલ્લાનાં બે આદિવાસી ગામો નાની ઢોલડુંગરી તથા બારસોલનાં કુટિર મંદિરોની પ્રતિષ્ઠા કરી આદિવાસી પંથકની ભક્તિ અમીરીનું અલૌકિક દર્શન કરાવ્યું છે. પૂજા દરમ્યાન મૂર્તિઓની પ્રતિષ્ઠાનો પૂર્વવિધિ આનંદપ્રસાદ સ્વામીએ સંપન્ન કરાવ્યો હતો.
ગામ : નાની ઢોલડુંગરી
૨૩ સત્સંગી કુટુંબો ધરાવતા આ આદિવાસી જેવા ગામમાં દરેક હરિભક્તની પરિસ્થિતિ સાવ સામાન્ય છે. લગભગ દરેક હરિભક્ત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, છતાં તેઓની ભાવનાની અમીરી આભને આંબે એવી છે. આ ગામના હરિભક્તોને મંદિર કરવાની ઇચ્છા સ્વયંભૂ જાગી હતી. મંદિર માટે મળેલી જમીનને આ સત્સંગી કુટુંબોએ જાતે જ સમથળ કરીને જંગલમાંથી લાકડાં ભેગાં કરીને સિંહાસન પણ જાતમહેનતથી બનાવ્યું ને ગામમાં ફરી ફરીને ૨૦ મણ ચોખા ભેગા કર્યા હતા. પછી સંતોને વાત કરી કે હવે અહીં મંદિર કરવું છે ને પ્રતિષ્ઠા પણ કરવી છે. આ રીતે અહીં મંદિરની શરૂઆત થઈ. દરેકના સહકારથી કુટિર મંદિર પણ થઈ ગયું.
આ ગામના ડાહ્યાભાઈ, ઉત્તમભાઈ, લાલુભાઈ, વેણીલાલ, ગોપાલભાઈ, વેણીલાલ સરજુ ભાઈ, અરવિંદભાઈ, નવીનભાઈ, ધનેશભાઈ પીઠિયા, જયંતીભાઈ બાબુભાઈ, વાળુભાઈ છગનભાઈ, છીતુભાઈ ઠાકોર, સતીષભાઈ રમણભાઈ, લાલુભાઈ મગનભાઈ, જયંતીભાઈ છગનભાઈ, નટવરભાઈ, નગીનભાઈ ઠાકોર, વિનોદભાઈ, લાલજીભાઈ જેસવભાઈ તથા બાબુભાઈ વગેરેના અથાગ પરિશ્રમથી અહીં કુટિર મંદિરનું નિર્માણ થયું.
અહીં ડાહ્યાભાઈ અને પરિવાર તરફથી જમીન તથા પંકજભાઈ તરફથી મૂર્તિઓની સેવા મળેલી છે.
ગામ : બારસોલ
વલસાડ જિલ્લાના ધરમપુર ડાંગ વિસ્તારમાં આવેલા આ ગામમાં સત્સંગીઓની સંખ્યા ૨૦ કુટુંબની છે. સને ૧૯૯૫થી આ ગામમાં સત્સંગનો પ્રારંભ થયો હતો. આ મંડળ ભજનીક છે. આજુબાજુ નાં ગામમાં જઈને ભજન-કીર્તન કરીને સત્સંગનો પ્રચાર કરે છે. ગામમાં કોઈના પણ મૃત્યુ પ્રસંગે આ ભજનમંડળીને બોલાવવામાં આવે છે. વરસો સુધી આ ગામના એક જીર્ણ મંદિરમાં સૌ ભેગા મળીને સભા કરતા હતા. એ જ જગ્યાએ નવું મંદિર કરવાનો નિર્ધાર થયો ને ગામના વલ્લભભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, અનિલભાઈ, ઠાકોરભાઈ, કિશોરભાઈ, મનુભાઈ, અરવિંદભાઈ, ઉમેશભાઈ, વિનોદભાઈ, નાનુભાઈ, ધીરુભાઈ, યોગેશભાઈ વગેરે સત્સંગીઓ તથા ગામના સહકારથી અહીં પણ કુટિર મંદિરનું નિર્માણ થયું. ગામના મુખ્ય હરિભક્તો વલ્લભભાઈ અને પરિવાર, ચીમનભાઈ, ધીરુભાઈ વગેરેનો ફાળો સવિશેષ હતો. મૂર્તિની સેવા વલસાડના આસિતભાઈ ગાંધીએ કરી હતી. આ વિસ્તારમાં અમૃતપુરુષ સ્વામી તથા હરિતીર્થ સ્વામી વિચરણ કરી રહ્યા છે.
|
|