અટલાદરામાં દિવ્ય સત્સંગનો લાભ આપતા સ્વામીશ્રી
તા. ૨૪-૮-૨૦૦૫ થી તા. ૩૧-૮-૨૦૦૫ દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજે અટલાદરામાં વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ભક્તો-ભાવિકોને દિવ્ય સત્સંગનો અમૂલ્ય લાભ આપ્યો હતો.
તા. ૨૪-૮-૨૦૦૫ના રોજ સ્વામીશ્રી સાંજે બોચાસણથી અટલાદરા પધાર્યા હતા. ઠાકોરજીનાં દર્શન બાદ ભક્તોનું ભાવભીનું સ્વાગત સ્વીકારી સૌને આશીર્વાદથી કૃતાર્થ કર્યા હતા. તા.૨૫-૮-૨૦૦૫થી રોજ સાંજે વિવેકસાગર સ્વામી ગીતા પારાયણનો લાભ આપતા હતા. તા. ૨૬-૮-૨૦૦૫ના રોજ યુવકોએ સાયંસભામાં 'તમે આવો રે... પધારો રે...' ગીતના આધારે સ્વાગતનૃત્ય રજૂ કરી સ્વામીશ્રીને વધાવ્યા હતા. ગીતા પારાયણના અંતે સ્વામીશ્રીએ આશીર્વાદ દરમ્યાન માયાને તરવા માટે ભગવાન ને સંતનું શરણું દૃઢ કરવાનો ઉપાય દર્શાવ્યો હતો.
તા. ૨૮-૮-૨૦૦૫ના રોજ સાયંસભામાં 'વિશ્વશાંતિ કે સાધન હૈ...' ગીતના આધારે યુવકો તથા બાળકોએ નૃત્ય રજૂ કર્યું હતું. સ્વામીશ્રીએ આશીર્વાદ દરમ્યાન શાસ્ત્રમાં શ્રદ્ધા રાખવાની પુષ્ટિ કરી હતી.
તા. ૨૯-૮-૨૦૦૫ના રોજ સાયંસભામાં આદિવાસી પ્રદેશના ચૂલી સત્સંગમંડળના આદિવાસી ભાઈઓએ એ વિસ્તારમાં રહેલો 'પીઠોડા'નો રિવાજ સંવાદ દ્વારા રજૂ કર્યો હતો. ભૂવા-જાગરિયા લોકોને કઈ રીતે અંધશ્રદ્ધામાં ડુબાડી રાખે છે ને સત્સંગ થયા પછી કેવી જાગૃતિ આવી છે ને અંધશ્રદ્ધા દૂર થઈ છે તે કેન્દ્રવર્તી વિચાર સાથે આ સંવાદ રજૂ થયો હતો.
તા. ૩૧-૮-૨૦૦૫ના રોજ સાયંસભામાં વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલી પારાયણોની સ્પર્ધામાં શ્રેષ્ઠ આવેલાં મંડળોને સ્વામીશ્રીએ એવોર્ડ આપી આશીર્વાદ પાઠવ્યા હતા. સભાજનોમાં દિલ્હી અક્ષરધામ સેવામાં જઈ રહેલા ઉપસ્થિત ૭૦૦ સ્વયંસેવકોને આશીર્વાદ દરમ્યાન સેવાનો મહિમા ને રીતિ સમજાવ્યાં હતા.
|