|
શ્રાદ્ધપર્વે ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજને શ્રદ્ધાસુમન અર્પણ કરતા સ્વામીશ્રી
તા. ૨૧-૯-૨૦૦૫ના રોજ સારંગપુરમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના શ્રાદ્ધપર્વની ઉજવણીએ સ્વામીશ્રીએ ગુરુહરિના ગુણલા ગાઈ ભાવભીનાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.
શ્રાદ્ધપર્વની ઉજવણીનો દિવ્ય માહોલ પ્રાતઃકાળથી જ અનુભવાઈ રહ્યો હતો. લગભગ ૧૦ હજાર ભક્તો-ભાવિકો આ પર્વનો લહાવો લેવા ઊમટ્યા હતા.
સવારે સ્વામીશ્રીએ સ્મૃતિમંદિરે શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ સમક્ષ ભાવોન્મેષ દૃષ્ટિએ દર્શન કર્યાં હતા. વિદ્વાન સંત ભદ્રેશ સ્વામીએ ઉપનિષદ પર પોતે લખેલું ભાષ્ય સ્વામીશ્રીને અર્પણ કર્યું. સ્વામીશ્રીએ આ ભાષ્યને ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજનાં ચરણે અર્પણ કરાવ્યું ને આશીર્વાદ આપ્યા.
પૂજામાં સંતોએ સવાદ્ય કીર્તનો ગાઈને શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરી. આ પ્રસંગે યોજાયેલી ઉત્સવસભામાં વિવેકસાગર સ્વામી તથા બાલમુકુંદ સ્વામીનાં પ્રાસંગિક વક્તવ્ય બાદ સંતવૃંદે 'ગુણાતીત કા ડંકા આલમ મેં' કીર્તન રેલાવ્યું હતું. સ્વામીશ્રી પણ કીર્તનના શબ્દપ્રવાહમાં તણાઈને કડીએ કડીએ સ્મૃતિ લટકાં કરી રહ્યા હતા ને તાલી વગાડીને તાલ પણ આપી રહ્યા હતા. છેલ્લે 'ગુણાતીત કા ડંકા દિલ્હી મેં...' એ કાવ્યપંક્તિઓથી કીર્તનની સમાપ્તિ થઈ હતી. સ્વામીશ્રીએ જયનાદ કરીને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું: 'શાસ્ત્રીજી મહારાજના પ્રતાપે બધે ડંકા વાગી ગયા છે. વચનામૃતમાં ઉદ્બોધેલા શ્રીજીસિદ્ધાંતનો સાક્ષાત્કાર નિશ્ચય કરીને શાસ્ત્રીજી મહારાજે આ જ્ઞાન આપ્યું છે. શાસ્ત્રીજી મહારાજે આ જ્ઞાનની વાત કરી ત્યારે સંપ્રદાયમાંથી જ વિરોધ થયો, પણ એમની વાત સાચી હતી તો લાખો માણસોને માન્ય થઈ ગયું. શાસ્ત્રીજી મહારાજની સાધુતાથી ને દર્શનથી જ શાંતિ થાય. છળ, કપટ, દગા, પ્રપંચ, મારું-તારું કાંઈ નહીં. દરેકને આશીર્વાદ આપે કે ભગવાન તમારું ભલું કરે. કોઈ ભેદભાવ નહીં. શાસ્ત્રીજી મહારાજ સાથે મુઠ્ઠીભર હરિભક્તો તથા પાંચ સાધુ હતા. મંદિરો કરવાં, સત્સંગ કરવો વગેરેમાં ગમે તેવો હોય તો પણ હારી જાય કે આપણાથી થઈ શકે નહીં, મન પાછુ _ પડી જાય, પણ શાસ્ત્રીજી મહારાજ મક્કમ હતા. માણસ પાસે સત્તા, પૈસા, શક્તિ હોય તો પણ આવાં મંદિરો ઊભાં કરવાં હોય તો વિચાર થાય, પણ શાસ્ત્રીજી મહારાજ સાથે ભગવાન હતા તો આ કામ થયું છે. શાસ્ત્રીજી મહારાજે જે જ્ઞાન આપ્યું છે એ માન, મોટપ, કીર્તિ માટે નથી, પણ સહન કરીને વાત કરી છે તો આજે સર્વમાન્ય થઈ ગયું છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એવી સેવા, જ્ઞાન મળ્યું, એવા પુરુષ મળ્યા. આપણે તને, મને ધને જે કાંઈ સેવા કરીએ છીએ એનું ફળ અનંતગણું મળશે.'
તા. ૨૩-૯-૨૦૦૫ના રોજ સાંજે ભારે વરસાદી વાતાવરણમાં સારંગપુરથી ભાવભીની વિદાય લઈ સ્વામીશ્રી ભાવનગર પધાર્યા ને હવાઈમાર્ગે દિલ્હી અક્ષરધામ મહોત્સવ માટે પ્રયાણ કર્યું હતું.
|
|