|
કોલકાતામાં સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત
તા. ૧ ડિસેમ્બર, ૨૦૦૫ની સંધ્યાએ પ્રમુખસ્વામી મહારાજે જ્યારે કોલકાતાના એરપોર્ટ પર પ્રથમ પગ મૂક્યો ત્યારે હજારોની જનમેદનીએ જયનાદો અને હૃદયના ભાવોથી સ્વામીશ્રીને વધાવી લીધા હતા.
કોલકાતા મંદિરના સંતો, અગ્રણી હરિભક્તો અને સત્સંગમંડળના સભ્યોએ એરપોર્ટ પર સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત કર્યા બાદ, સ્વામીશ્રી મંદિરે પધાર્યા હતા. કોલકાતા યુવકમંડળના યુવાનોએ બેન્ડના મધુર નિનાદ સાથે સ્વામીશ્રીને આવકાર્યા હતા. ગુજરાતી સમાજના ઘણાં અગ્રણીઓ ઉપસ્થિત હતા. હરિભક્તોના હૃદયના ભાવોને ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રીએ મંદિરમાં પધારીને ઠાકોરજીનાં દર્શન કર્યાં હતાં.
આ વિસ્તારમાં પહેલી જ વખત સ્વામીશ્રીની સ્વાગતસભા ધામધૂમથી જાહેરમાં યોજાઈ રહી હતી. સ્વામીશ્રીના સ્વાગત બાદ, નાનકડા મંચની નીચે લોન પર બે યુવકોએ 'સ્વાગતમ્... સ્વાગતમ્... સ્વાગતમ્...' ગીતના તાલે સુંદર નૃત્ય રજૂ કરીને સ્વામીશ્રીને સ્વાગત અંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ સત્સંગમંડળના સભ્યો અને ભાવિકોએ ભક્તિભાવપૂર્વક બનાવેલા હાર દ્વારા સ્વામીશ્રીનું અભિવાદન કર્યું હતું.
તા. ૨ ડિસેમ્બરના રોજ યોજાયેલી સાયંસભામાં હરિભક્તો પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું હતું કે, 'એકાગ્ર થઈએ તો જ ભગવાનનું સુખ આવે છે. ભગવાનનું કામ એવું છે કે થોડામાં ઝાઝું મળી જાય. દુનિયાનું કરોડો વર્ષો કરો તો પણ પ્રાપ્તિ ન થાય. અહીં થોડી સેકંડમાં થઈ જાય. કારણ કે મહારાજ-સ્વામી આ લોકમાં પધાર્યા. એનાં દર્શન થાય, એમાં કામ થઈ જાય, સેકંડનાં દર્શન, થોડોક શબ્દ ગ્રહણ થઈ જાય તો આખી જિંદગીનું કામ થઈ જાય, પણ એ મહિમા સમજાયો હોય તો! પૈસાનો મહિમા છે તો કેટલી મહેનત કરીએ છીએ! મનુષ્ય શરીર શા માટે મળ્યું છે એનો વિચાર કરવાનો છે. બધું જ મૂકીને પણ કરવા જેવું આ (મોક્ષનું કામ) છે. આ શરીર મોક્ષ થાય એના માટે છે. કરોડ જન્મ લીધા, પણ આ વાત સમજાઈ નથી, એટલે ચોરાસીના ફેરા ચાલે છે. આખી જિંદગી બધું ભેગું કર્યું, પણ આંખ મીંચાય પછી બધું જ અહીંનું અહીં રહી જાય છે. એટલે આ વખતે એવું કરવું કે ફરી ફેરવણી થાય નહિ. આ લોકના વિચાર મૂકવા ને પરલોકના વિચાર કરવા. ભગવાનના કાયદા બેલેન્સ કરેલા છે. એક સામાન્ય મનુષ્યનો કાયદો લોપી નાખીએ તો જેલ આવે, દંડ આવે, તો ભગવાનના કાયદા લોપે તો દુઃખ ન આવે? ભગવાન અને સંત એ એક્સેલેટર છે એમને રાજી કરીએ તો અહીંથી જીવ નીકળે ને ભગવાનના ધામમાં પહોંચી જાય. ભગવાને આ બધું બનાવ્યું છે, એ જીવપ્રાણી માત્રના સુખને માટે છે.'
તા. ૩ ડિસેમ્બરની સાજે એક વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવેકસાગર સ્વામીની પારાયણ બાદ ડૉક્ટર સ્વામીએ 'સાચા સુખ' વિષય પર પ્રવચન કર્યું હતું. આજે અહીંના જૂના હરિભક્તોએ સ્વામીશ્રી સાથે પ્રશ્નોત્તરી યોજી. રશ્મિભાઈ શેઠે પ્રશ્ન પૂછ્યો હતો કે, 'અમારે ગૃહસ્થોને અનેક વિટંબણા હોય છે- ક્યાંક લગન તો ક્યાંક મરણ તો ક્યાંક નાની-મોટી પાર્ટીમાં જવું પડે ને ધંધો અને પરિવાર પણ સંભાળવો પડે. આવી પરિસ્થિતિમાં સત્સંગ માટે પૂરતો સમય ફાળવી શકાતો નથી તો એ માટે શું કરવું જોઈએ ?'
સંસાર જીવનની સમસ્યાઓનો સનાતન ઉકેલ આપતાં સ્વામીશ્રીએ કહ્યું કે 'જ્યાં સુધી દેહભાવ છે, ત્યાં સુધી બધા પ્રશ્નો થવાના. સત્સંગ સાચો છે એ જાણીએ છીએ, પણ વે'વાર મંહીં પડ્યો છે, એટલે થતું નથી, પણ આ વસ્તુ સમજાઈ હોય તો બેય થાય. દેહથી બધા વ્યવહાર કરો ને જીવમાં ભગવાન ને સંત બે રાખો. સંસાર વ્યવહારમાં કોઈ રાજી થાય એવું છે નહિ. વ્યવહાર કરવાની ના નથી, પણ જીવમાં ભગવાન ને સંતનું પ્રાધાન્ય થશે, તો વાંધો નહિ આવે. કથામાં ન જઈએ તો ભગવાનને ખોટું લાગે, એવું થાય તો બીજુ _ બધું મૂકતાં વાર ન લાગે. વ્યવહાર કરો, પણ ભગવાન ને સંતને આગળ રાખો. વ્યવહાર પ્રધાન નહિ, પણ સત્સંગ પ્રધાન રાખો. સત્સંગ પ્રધાન હશે તો વાંધો નહિ આવે. દુનિયામાં સ્વાર્થનું હેત છે. 'રોગ મટ્યો, એટલે વૈદ્ય વેરી.'
ભગવાન ને સંત તપવ્રત કરાવીને જીવમાં ખાવા-પીવાના, મોજશોખના વિચારો છે, એને કાઢે છે અને કાઢીને ભગવાનનું સુખ આપે છે, જે શાશ્વત છે.
સંસારનું સુખ ઝાંઝવાનું પાણી છે. ભગવાનની ઇચ્છાથી જેટલું પ્રાપ્ત થાય, એમાં સુખ-શાંતિ.'
|
|