|
કોલકાતાના બાળ-કિશોરોએ માણેલું સ્વામીશ્રીનું સાંનિધ્ય
કોલકાતાના આંગણે પધારેલા વાત્સલ્યમૂર્તિ પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં પોતાનાં ભક્તિસુમન અર્પણ કરવા, અહીંના બાળમંડળના બાળકોએ તા. ૪ ડિસેમ્બરના રોજ 'બાળદિન'ની ઉજવણી કરી હતી. પ્રેમમૂર્તિ સ્વામીશ્રીનો રાજીપો પ્રાપ્ત કરવા બાળવૃંદોએ પ્રાતઃકાળથી જ વિવિધ કાર્યક્રમો રજૂ કરીને ગુરુહરિની ભાવવંદના કરી હતી.
પ્રાતઃપૂજા દરમ્યાન બાળકોએ વૈદિક શાંતિપાઠ અને કીર્તનો ગાઈને આશીર્વાદ મેળવ્યા હતા. આજે વિશિષ્ટ સભાના ઉપક્રમે ૧૧-૦૦ વાગ્યે બાળકો 'અવિનાશી આવો રે....' એ થાળમાં આવતી તમામ વાનગીઓ પોતપોતાના ઘરેથી બનાવીને અહીં ઠાકોરજી સમક્ષ ધરાવવાના હતા, અને એ વિશિષ્ટ બાળસભામાં એ થાળ ગાઈને ઠાકોરજીને રિઝવવાના હતા. સ્વામીશ્રીએ સૌની ભક્તિને સ્વીકારીને રાજીપો વરસાવ્યો હતો.
સ્વામીશ્રીના અલ્પાહાર દરમ્યાન પણ બાળકોએ મુખપાઠ રજૂ કર્યા હતા. જય દત્તાણી તથા મૃગેશ દેસાઈએ 'નિષ્કુળાનંદ કાવ્ય'ની કંડિકાઓનું ગાન કર્યું હતું. જય દત્તાણીએ યોગીજી મહારાજની જીવનભાવનાનો મુખપાઠ તથા મૃગેશ દેસાઈએ હૃદયની વાતોનો મુખપાઠ રજૂ કર્યો હતો. પ્રિયાંક પટેલે પ્રતિજ્ઞાગાન કર્યું હતું. અક્ષય દત્તાણીએ સ્વામીશ્રીની વાતોનો મુખપાઠ રજૂ કર્યો. મિહિર પટેલે તથા ગર્વિત ચંદારાણાએ સાખીનો મુખપાઠ રજૂ કર્યો હતો.
ત્યારબાદ ત્યાં ઉપસ્થિત ૩૦થી વધારે બાળકોને સ્વામીશ્રીએ વ્યક્તિગત દર્શન આપ્યાં ને સૌને પ્રસાદ આપીને વિશેષ રાજી કર્યા હતા.
સંધ્યાકાળે જ્યારે સ્વામીશ્રી બાળસભામાં પધાર્યા ત્યારે બાળકોએ 'આજ મારે ઓરડે રે...' એ ગીતના તાલે નૃત્ય કરતાં કરતાં સ્વામીશ્રીનું સન્માન કર્યું હતું. ત્યારબાદ દિવ્યરાજ ઝાલાએ પ્રેમજી વાણિયાનું આખ્યાન એકપાત્રીય અભિનય સાથે રજૂ કર્યું હતું. અહીંના બાળકોએ 'કૌન બનેગા આદર્શ બાળક'ની એક વિશિષ્ટ ક્વિઝ રજૂ કરી હતી.
રજૂઆત બાદ સૌ પર આશીર્વાદ વરસાવતા સ્વામીશ્રીએ કહ્યું હતું: ''બાળકોએ કોણ કરોડપતિ બને તે પરથી કોણ આદર્શ બને એ વિચાર આપ્યો એ આનંદની વાત છે. આપણે પૈસાદાર, ઉદ્યોગપતિ, નેતા, રાષ્ટ્રપતિ બનવું છે, એવા વિચાર તો આવે છે, પણ ખરેખર ભગવાનના ભક્ત બનવું, ભગવાનની ભક્તિ કરવી એ વિચાર નથી આવતો. ભગવાન ક્યાં જન્મ્યા? શું કાર્ય કર્યું? આ બધું જાણવું જોઈએ. એ કંઈ જ ખ્યાલ ન હોય તો આદર્શ ક્યાંથી કહેવાય? આદર્શ એટલે આપણે જે સંપ્રદાયમાં છીએ, એ સંપ્રદાયનું ઊંડું જ્ઞાન હોવું જોઈએ. આદર્શ થવા માટે આપણા સંપ્રદાયને સંપૂર્ણ જાણવો જોઈએ. સારામાં સારા ગુણ હોય એ આદર્શ. શિક્ષાપત્રી વાંચીએ પણ કોણે લખી છે? ક્યાં લખી છે? ભાગવત, ગીતા ક્યાં લખ્યા, કોણે લખ્યા એ જાણવું જોઈએ, તો આધ્યાત્મિક રીતે આદર્શ બનવું છે એની પ્રેરણા મળે.
સત્પુરુષ મળે તો આત્મા-પરમાત્માનું સાચું જ્ઞાન આપે. આ લોકનું બધું જ્ઞાન દેહના સુખ પૂરતું થાય, પણ અંદરનું અજ્ઞાન છે, ત્યાં સુધી સુખ-દુઃખ આવે તો બધો ફેરફાર થઈ જાય.
એવા સાચા પુરુષ મળ્યા, એમાં આત્મબુદ્ધિ કરીએ તો તમામ શાસ્ત્રોનું જ્ઞાન થઈ જાય.
જેને આત્માનું જ્ઞાન છે, એમની પાસે જઈએ તો એ જ્ઞાન મળે. હું આત્મા છુ _, નાત-જાત કશું છે નહીં, પછી દુઃખ શેનું થાય? આત્મારૂપ થઈ પરમાત્માને પામવાનું છે. એ બંનેનું જ્ઞાન યથાર્થ થાય તો દુનિયામાં મોહ-આસક્તિ ન થાય.'
તા. ૫ ડિસેમ્બર, ૨૦૦૫ના દિવસે 'કિશોરદિન' ઊજવવામાં આવ્યો હતો. કિશોરમંડળના કિશોરોએ પ્રાતઃપૂજા દરમ્યાન સત્સંગ-કીર્તન, શિક્ષાપત્રીના શ્લોકો, તેમજ વચનામૃત મુખપાઠ રજૂ કરીને પોતાની ભક્તિભાવના પ્રગટ કરી હતી.
સાયંસભામાં પારાયણ બાદ યોગેશસિંહ નામના કિશોરે 'તરુણાઈનો આદર્શ નીલકંઠ' એ વિષયક પ્રવચન રજૂ કર્યું. ત્યારબાદ કેટલાક કિશોરોએ 'તરુણાઈની તાસીર' એ વિષયક શેરીસંવાદ રજૂ કર્યો. જેમાં આજના કિશોરોનું સ્વચ્છંદી માનસ અને ક્લબ કલ્ચરલથી ઉદ્દંડ થઈ રહેલી આ પેઢીની કેટલીક લાક્ષણિકતાઓનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. આ સંવાદના અંતે એક સત્સંગી કિશોરે સ્વામીશ્રીને પ્રશ્ન કરતાં કહ્યું, 'અમે બધા અત્યારે આવા વાતાવરણમાં રહીએ છીએ. અમે કઈ રીતે એનાથી નિર્લેપ રહી શકીએ અને સત્સંગ વિશેષ કરી શકીએ?'
સ્વામીશ્રીએ આશીર્વાદની વર્ષા કરીઃ ''યુવાનોને આજે એલફેલ ને પાર્ટી ગમે છે. એમાં દારૂ ન હોય તો ડ્રાય પાર્ટી કહેવાય. એને પૂછવું જોઈએ કે તારા દાદા આવી પાર્ટીઓ કરતા હતા ?
ઘરમાં ભક્તિમય વાતાવરણ હોય, જે ભગવાનમાં માનતા હોય એની પાઠપૂજા થાય, આરતી થાય ને છોકરાઓના સારા અભ્યાસ ને સંસ્કારનું ધ્યાન રાખતા, સાંજે પણ આરતી થાય, સાંજે બેસીને ઘરસભામાં રામાયણ, મહાભારતની વાતો થાય, ભગવાનની વાતો થાય, સંતોનો મહિમા કહેવાય. આવી રીતે ધર્મમય, સંસ્કારમય વાતાવરણ ઘરની અંદર રહેતું. એટલે બાળકનો ઉછેર જ એવો સુંદર થતો હતો કે પાર્ટીનો વિચાર જ ન આવે, પણ આજે બધા સુધર્યા, મોડર્ન થઈ ગયા!!
પાર્ટીમાં જવું એ મોડર્ન છે, મંદિરમાં જવું એ આર્થોડોક્સ છે! એટલે આમાં માબાપની પણ ખામી લાગે છે, કારણ કે એ પોતે ઘરમાં કરતાં ન હોય તો છોકરા ક્યાંથી કરવાના છે? ઘરમાં ભગવાનના મંદિરને બદલે ટી.વી. આવી ગયું, ક્યાંથી સંસ્કાર રહે? આખી દુનિયાનો તમાશો એમાં આવી ગયો.
માબાપ બધાંય જાણે છે, પણ એકબીજાંને કહી શકતાં નથી, કારણ કે પોતે ભગવાનને માર્ગે ચાલ્યાં હોય તો બાળકોના સંસ્કાર ધીરે ધીરે સારા થાય, પણ ઘરનું વાતાવરણ કલુષિત હોય પછી છોકરાને કેવા સંસ્કાર મળે? ઘરમાં જ જુગાર રમે, દારૂ પીવે તો મોટા થઈને જુગાર જ રમે. શાસ્ત્ર અને મોટાપુરુષના વચનનો વિચાર કર્યો નથી, ધ્યાન નથી આપ્યું, એટલે સંસ્કાર આવે જ નહીં. જેવો સંગ એવો રંગ. ઘરમાં ધાર્મિક વાતાવરણ હોય તો બાળક પૂજા કરતો થાય, સત્સંગની વાતો કરે. પહેલાં તો ૨૫ વર્ષનો થાય, ત્યાં સુધી ગુરુકુળમાં ગુરુ પાસે જ રહેવાનું. પોતાની ક્રિયાઓ જાતે જ કરવાની. આજના છોકરા જાતે કરવા તૈયાર છે? કારણ કે ઘરમાં જ શીખ્યા નથી તો ક્યાંથી કરે ? કૂવામાં હોય તો હવાડામાં આવેને! પશ્ચિમનું વાતાવરણ આપણા પર સવાર થઈ ગયું છે. જેમ અંગ્રેજો આવ્યા ને આપણી ભાષા, સંસ્કારો ભુલાવી દીધા. એનો ડ્રેસ, એનું ખાવાનું, પીવાનું એ બધું થઈ ગયું. આપણી સંસ્કૃતિ કેટલી ભવ્ય છે! એને બદલે અત્યારે અશ્લીલ સંસ્કૃતિને જોવામાં રસ છે. નાનપણથી છોકરો, માબાપ, પત્ની, ભાઈ, બહેન બધાં એક સાથે બેસી ટી.વી. જોતાં હોય પછી સંસ્કાર રહે? એકબીજાની મર્યાદા ક્યાં રહી?
બધાં ભેગાં થઈને નાચવા જ મંડે. આ ઘરના સંસ્કારો છે? આપણાં શાસ્ત્રો વિચારો, આપણા મહાન પુરુષોનો વિચાર કરો, પણ અનો કંઈ વિચાર જ કરતા નથી.
કૉલેજમાં એક જ વસ્તુ છે- ફ્રેન્ડશીપ કરો. એમાં ગોટાળો થાય ને કંઈ ને કંઈ પ્રશ્નો ઊભા થાય. એકબીજાને ફરતાં ફરતાં વિચાર આવી ગયો ને લગ્ન પણ કરે, પણ એના સંસ્કાર શું છે એ વિચાર નહીં. હવે તો લવ મૅરેજ કરે, પણ આ લવ છે ? અધર્મની મોટી ખાણ છે. આ લવ ન કહેવાય. લવ થયો હોય એ છૂટે નહીં, એકબીજાના વિચારો ભિન્ન થાય નહીં. એકબીજા સાથેનો પ્રેમ કદાપિ છૂટે નહીં. આપણા દાદાને પૂછજો કે તમે પ્રેમ કર્યો તો તે કોઈ દિવસ છોડ્યો હતો ? દાદાનાં લગ્ન થયાં ત્યારે પોતે જોવા ગયા હતા? પૂછી જો જો પહેલાના જમાનામાં બ્રાહ્મણ જોવા જતા.
એ લગ્ન જિંદગીમાં છૂટ્યાં નથી. પહેલાં તો છૂટાછેડાની વાત જ ન'તી. અગ્નિના સાંનિધ્યમાં, બ્રાહ્મણ અને સગાવહાલાંની સામે ફેરા ફર્યા છે, એટલે કોઈ દિવસ એમ ન કહે કે તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે.
છોકરો આવું કરે તો માબાપ રાજી થાય કે મારો છોકરો સુધર્યો, પણ સુધર્યો શું? ઉઘાડા ફરે, પાર્ટીઓ કરે એ સુધર્યા કહેવાય? એ બગડ્યા છે, અશાંતિ કરવાનું કારણ આ છે કે ભગવાને જે કાંઈ મર્યાદાઓ આપી છે એ પાળતા નથી.
ઘરની મર્યાદાઓ છે. ઘરમાં પિતા બેઠા હોય કે સસરા બેઠા હોય તોય એકબીજાને ગમે તેમ બોલે, પણ બોલાય જ નહીં. પણ બહારનું વાતાવરણ એવું લાગી ગયું હોય એટલે એકબીજાનું માને નહીં. એ ખોટા વાતાવરણને કાઢવા આ સત્સંગ છે. જોગી મહારાજે બાળમંડળ, કિશોરમંડળ, યુવકમંડળ, સત્સંગમંડળો બધાં મંડળો સ્થાપ્યાં કે તમે બધા દરરોજ ભેગા થાવ ને વિચાર કરો કે આ બધાથી કેમ દૂર રહીએ? એનો વિચાર કરતા નથી, સ્કૂલમાં વિચાર આવતો નથી. સ્કૂલમાં પહેલેથી ગરબડ થઈ હોય એનું ચણતર થાય ખરું? પડે હેઠું. આપણે અસલ રસ્તે આવવું જોઈએ. આપણા પૂર્વજો બધા સારી રીતે જીવતા હતા, રહેતા હતા. ઘરમાં, સમાજમાં, રાષ્ટ્રમાં ક્લેશ નહીં. ધર્મમય વાતાવરણ હતુ._ આધ્યાત્મિક જીવન જીવતા હતા.
આપણે એક નિશ્ચય રાખવો કે યોગીજી મહારાજ મળ્યા છે તો એમના આદેશો પ્રમાણે જીવન થવું જ જોઈએ. ઘરમાં શાંતિ રહેવી જ જોઈએ. પણ બહાર કુસંગનો ત્યાગ કરવો.
ભગવાન અને સંત પાસે શાંતિ છે. ભગવાન અને સંત મળે તો ખરાબ સંસ્કારો છૂટે ને સારા સંસ્કારો મળે છે. ભગવાન અને સંત બોલ્યા છે એ સાચું છે અને એ સાચું છે એ દૃઢતા થવી જોઈએ. ખાવા-પીવાની, લૂગડાં પહેરવાની, ધંધાની ના નથી પણ ખરાબ રીતે નહીં. દારૂ પીને, જુગાર રમીને મોટા નથી થવું. નીતિથી પૈસા વધારો.
આચરણથી કરી બતાવવાનું છે. જીવનમાં, વર્તનમાં આવવું જોઈએ. એટલે ઘરમાં વાતાવરણ સ્વચ્છ રાખવું જોઈએ. માબાપે કાળજી રાખવી જોઈએ.
ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાયને ઘરનું વાતાવરણ સ્વચ્છ રહે. છોકરાઓને પણ સારી બુદ્ધિ રહે, સારા વિચારો રહે, સારો અભ્યાસ કરે, રાષ્ટ્રની સેવા કરે ને સાથે પોતાના આત્માનું કલ્યાણ કરે, તો ભગવાનનો આશરો રાખી કરે. તો બધાને શાંતિ-સુખ થશે. બધાને આશીર્વાદ છે.'
યુવામાનસની સમસ્યાઓ અને તેના નિવારણનો માર્ગ દેખાડતા સ્વામીશ્રીએ સૌને દિવ્ય પ્રેરણાઓ આપી હતી.
|
|