|
'દરેકમાંથી ગુણ ગ્રહણ કરવાનો છે...' સ્વામીશ્રી
પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આગમનના પગલે કોલકાતામાં ભક્તિગંગા વહેવા લાગી હતી. ગુરુહરિ પ્રત્યે પોતાનો અનન્ય ભક્તિભાવ પ્રગટ કરવા, શહેરના હરિભક્તો નિત્ય સાયંસભામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતા હતા. તા. ૬ ડિસેમ્બરની સભામાં એક વિશિષ્ટ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
કેટલાક બાળકો વિવિધરંગી પુષ્પો બન્યા હતા. રાહુલ શાહ - ગુલાબ, હર્ષ ગાંધી - કમલ, તિલક નાનાણી - મોગરો, દિવ્યાંગ આશર - સૂર્યમુખીનું પુષ્પ બન્યો અને દીપ અજમેરા-પતંગિયું બન્યો હતો. આ પ્રત્યેક પુષ્પોએ પોતાના ગુણની વાત કર્યા પછી એવો જ ગુણ સ્વામીશ્રીમા કઈ રીતે આરોપાયેલો છે એનું સુંદર નિરૂપણ કર્યું હતું.
કાર્યક્રમના વિષયને કેન્દ્રમાં રાખતાં સ્વામીશ્રીએ સૌ પર આશીર્વાદ વરસાવતા કહ્યું હતું: 'આજે બાળકોએ આપણને સુંદર વાત આપી છે કે પોતાની સુવાસ બીજાને કેમ મળે એ ફૂલોનો ધ્યેય છે. પોતાનું અસ્તિત્વ મટી જાય ત્યાં સુધી સુગંધ આપવી. બીજા જ માટે પોતાનું જીવન જીવવાનું. બીજાને ફાયદો થાય, શાંતિ થાય એ જ એનું કાર્ય. સૂર્યમુખીની વાત કરી કે સૂર્ય સામે જ દૃષ્ટિ રાખવી. ગમે ત્યાં જાવ, હરો-ફરો, કામધંધો કરો, પણ ભગવાન સામી દૃષ્ટિ રાખો. ભગવાન સામી દૃષ્ટિ હશે તો આપણાં બધાં જ કાર્યો સરળ થશે ને સારાં થશે. એક સૂર્ય ઉદય થાય તો ૫૦ કરોડ જોજનમાં અજવાળું થઈ જાય. કેટલી બધી શક્તિ છે! સૂર્યને ગમે એટલો ઢાંકવાનો પ્રયત્ન કરો પણ એનો પ્રકાશ આપ્યા જ કરશે. એને ધૂળ નાખો, ગાળો દ્યો, તિરસ્કાર કરો, પણ એને બધાને પ્રકાશ આપવો છે. એના ગુણોનો વિચાર કરીએ તો આપણું જીવન એવું બનાવવાનો વિચાર આવે. તો એવા સૂર્ય જેવા સત્પુરુષ મળે ત્યારે આપણને જીવન બનાવવાનો વિચાર આવે. યોગીજી મહારાજનાં દર્શન કર્યાં છે કે એમના જીવનમાં દરેક માટે સુવાસ હતી. એમ જે મહાન પુરુષ આવ્યા છે તેને એક જ વિચાર છે કે બીજાનું ભલું કેમ થાય? જોગીમહારાજ જોયા છે- કાંઈ જ ઇચ્છા નહીં, શ્રીજીમહારાજનું ભજન કરવું ને કરાવવું, બીજાનું સારું થાય એવું ઇચ્છવાનું.
એવા સંત આપણને મળ્યા છે. જોગી મહારાજ કહેતા 'બીજાને ભાગ્યશાળી માનો એ જ ભૂલ છે.' આપણા કરતાં એને ઘણા બંગલા ને ફેક્ટરી છે ને કરોડપતિ છે. મોટા હોદ્દેદારો ને અધિકાર છે ને આપણને કાંઈ નથી એમ માનીએ છીએ, પણ એના કરતાં આપણે કરોડ ગણા મોટા છીએ, કારણ કે એવા પુરુષ મળ્યા છે.
સ્વામીએ વાત કરી કે ગિરનારના જંગલમાં જેટલાં ઝાડ છે એટલાં કલ્પવૃક્ષ હોય તો એને બાળીને આવા સંતનો સત્સંગ કરવો. આપણને જગતની મોટાઈઓ ને પૈસાની મહત્તા છે. ગુણાતીતાનંદ સ્વામીની દૃષ્ટિમાં એ છે જ નહીં. એમને બધું દેખાય છે, પણ દૃષ્ટિમાં અખંડ ભગવાન છે. એવા પુરુષ મળ્યા છે એટલે મોટાં ભાગ્ય છે.
મોટાપુરુષનો ગુણગ્રહણ કરીએ તો કામ, ક્રોધ, લોભ, કચરો નીકળી જશે અને દરેકમાંથી સારા ગુણો લઈશું તો સત્ય, દયા, વૈરાગ્ય, ભક્તિ બધા સારા ગુણો આવશે ને ગુણવાન બની જવાશે.'
તા. ૭ ડિસેમ્બરના રોજ સવારે સ્વામીશ્રી કોલકાતામાં ડાયમંડ હાર્બર રોડ પર બંધાઈ રહેલા શિખરબદ્ધ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનું નિરીક્ષણ કરવા પધાર્યા. હૉલ તથા ઉપર બનનારા મંદિર વગેરેનું કલાક સુધી નિરીક્ષણ કર્યું હતું. પુરુષોત્તમજીવન સ્વામી તથા દિવ્યમૂર્તિ સ્વામીએ બધું જ બતાવ્યું. સ્વામીશ્રીએ પણ ઊંડાણપૂર્વક રસ લઈને સઘળી જમીન પર દૃષ્ટિ કરી ને ત્યારપછી રોડ તરફના જૂની ફેક્ટરીના બિલ્ડીંગમાં હાલ ઊભા કરાયેલા સંતનિવાસ તરફ પધાર્યા હતા.
અહીં કુટિરમાં અક્ષરપુરુષોત્તમ મહારાજની અને જગન્નાથજીની મૂર્તિઓ સ્થાપવામાં આવી છે. સ્વામીશ્રીએ વિધિવત્ પૂજન કર્યું અને આરતી ઊતારીને કુટિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી.
અહીંના સેન્ચ્યૂરી પ્લાયવુડના બંગાલી ઉડિયા કારીગરો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ યુવકમંડળ ચલાવી રહ્યા છે. રાત્રિભોજન દરમ્યાન સ્વામીશ્રી સમક્ષ આ યુવકમંડળની વિવિધ પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેઓની ભક્તિભાવનાથી સ્વામીશ્રી ખૂબ પ્રસન્ન થયા. રાજી થયેલા સ્વામીશ્રીએ સૌની સુખાકારીના આશીર્વાદ પાઠવ્યા હતા.
|
|