|
અહંકાર છે ત્યાં અંધકાર છે : પ્રમુખસ્વામી મહારાજ
ભરૂચ ખાતે સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં નિત્ય સંધ્યા સત્સંગસભામાં પ્રમુખસ્વામી મહારાજે અનુભવપૂર્ણ અમૃતવાણી વહાવીને સૌને અધ્યાત્મ પ્રેરણા આપી હતી. તા. ૨૧-૧૨-૨૦૦૫ના રોજ સંધ્યા સત્સંગસભામાં ભક્તિમય જીવન વિતાવવાની પ્રેરણા આપતાં સ્વામીશ્રીએ સૂત્રાત્મક શૈલીમાં કહ્યું હતું કે 'જ્યાં અહંકાર છે ત્યાં અંધકાર છે.'
આજની આ સભામાં વિવેકસાગર સ્વામીએ માલ્કમ સાહેબના આખ્યાનનું નિરૂપણ કર્યા પછી સ્થાનિક યુવકોએ 'દૂબળી ભટ્ટ'નો સંવાદ રજૂ કર્યો હતો. યોગીચરણ સ્વામીના 'સંત સુખી સંસાર મેં...' કીર્તનગાન બાદ સ્વામીશ્રીએ આશીર્વચનમાં જણાવ્યું: ''ભોગે રોગભયમ્' આજે ભોગ વધ્યા. લોકો ચીનાઈ વાનગી, જાપાનની વાનગી, એવી વાનગીઓમાં ચઢી ગયા! જે તે જોવામાં મોહ પામ્યા. સિનેમા, ટી.વી., છાપાં, મૅગેઝિનમાં અશ્લીલ વસ્તુ જુઓ તો શાંતિ ક્યાંથી થવાની છે? જોયું એટલે ભોગવવાની ઇચ્છા થાય. ઇન્દ્રિયો વિકળ થઈ જાય. સંયમ કરવો નથી તો મનને શાંતિ ક્યાંથી થાય? સવારે ઊઠીને ટી.વી. ઓન કરવાની જરૂર નથી, રેડિયો આૅન કરવાની જરૂર નથી. ઊઠીને પ્રાર્થના કરો કે દયા કરી મને ઊંઘમાંથી જગાડ્યો. ઊઠતાંની સાથે ચાનો આૅર્ડર થઈ જાય પણ ભગવાને ઉઠાડ્યા એ વિચાર નથી આવતો. ચા વગર નહીં ચાલે એવો વિચાર આવે છે પણ મને ભગવાન વિના નહીં ચાલે એવો વિચાર નથી આવતો. ભગવાન છે તો તમે જીવો છો. આજે મંદિરો, ગ્રંથો, ધર્મની ઉપેક્ષા થઈ ગઈ છે. જે આપણું જીવનું જીવન છે એને જ તોડી નાખીએ પછી શાંતિ ક્યાંથી આવે ? માણસને થાય કે હું જ સર્વશ્રેષ્ઠ છુ _ તો એ અહંકાર છે ને એ અહંકારમાં પડવાનો છે. પણ જીવનમાં ભગવાન પ્રધાન રાખો. એના વગર આપણે કંઈ કરી શકવાના નથી. પરમાત્મા તત્ત્વ ચાલી ગયું પછી અંધકાર જ છે ને!'
તા. ૨૨-૧૨-૨૦૦૫ના રોજ સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીએ કથામૃતનો લાભ આપ્યા બાદ સ્વામીશ્રીએ આશીર્વચનોથી સૌને કૃતાર્થ કર્યા હતા. સ્વામીશ્રીના આશીર્વાદ પછી આજે સભામાં 'અખિલ ભારતીય સર્વ દલિય ગોરક્ષા મહાઅભિયાન સમિતિ'ના પ્રમુખ સાજણભાઈ આહીર દર્શને આવ્યા હતા. તેઓએ અત્યાર સુધીમાં બે વર્ષના ગાળામાં પાંચ હજાર જેટલી ગાયોને કતલખાને જતી રોકીને પુણ્યનું કાર્ય કર્યું હતું. 'ગોરક્ષા સમિતિ'ના કાર્યકારી અધ્યક્ષ વિહાભાઈ ભરવાડ તથા સૌરાષ્ટ્ર આહીર સમાજના પ્રમુખ મગનભાઈ આહીર, જી.એન.એફ.સી.ના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર આર.પી. વ્યાસ, એન.પી.સી.એલ.ના ડિરેક્ટર કે.એ. શાહ, જેટકો ઉદ્યોગના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનીયર શુક્લ, જેટકોના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર સી.કે. પટેલ, લાયન્સ ક્લબ તરફથી ગોપાલભાઈ શાહ તથા સન ફાર્માના શ્રી નથવાણી તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત હતા. સૌને સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.
|
|