|
ઝાડેશ્વર-ભરૂચમાં નૂતન મંદિર-પરિસરના નિર્માણનો પ્રારંભ
નર્મદા તટે ઝાડેશ્વર-ભરૂચ ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વિશાળ પરિસરના નિર્માણનો મંગલ પ્રારંભ પ્રમુખસ્વામી મહારાજનાં દિવ્ય કરકમળો દ્વારા કરવામાં આવ્યો હતો.
તા. ૨૩-૧૨-૨૦૦૫ના રોજ સાયંસભામાં વિવેકસાગર સ્વામીએ કથામૃતનો લાભ આપ્યા બાદ, ભરૂચ મંદિરના પરિસરના નૂતન સંકુલ નિર્માણનો વેદોક્તવિધિપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુવકોએ વિશિષ્ટ રીતે પૂજનવિધિ કરાવ્યો હતો. વિવેકસાગર સ્વામીએ હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યા બાદ યુવકો પાલખી સાથે મંચ પર આવ્યા હતા. ખાતવિધિ માટેની પાંચ ઈંટો અને કપચી, સિમેન્ટ, લોખંડ, ગળેરેલી ધૂળ વગેરે નિર્માણસામગ્રીઓને સુંદર રીતે પીઠિકામાં ગોઠવીને ચાર યુવકો પાલખી સ્વરૂપે લઈને સ્વામીશ્રી સમક્ષ મંચ પર ઉપસ્થિત થયા ત્યારે સૌએ જયનાદો પોકાર્યા હતા. આ સામગ્રી વડે સ્વામીશ્રીએ મંચ પર બેઠાં બેઠાં જ વેદોક્તવિધિપૂર્વક ભૂમિપૂજન કર્યું. આ પૂજન સાથે એક ભાવના પણ જોડી દેવામાં આવી હતી. પ્રત્યેક કાર્યકરને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની પાયાની ઈંટ બનવાની પ્રેરણા મળે એવું આયોજન કર્યું હતું. અભયસ્વરૂપ સ્વામીએ બી.એ.પી.એસ. ઈંટ તરીકે એની જાહેરાત કરી.
આશીર્વચન ઉચ્ચારતાં સ્વામીશ્રીએ જણાવ્યું: 'આત્માના કલ્યાણ માટે આ સેવા આવી છે. આ ક્યારે થાય? જીવમાં મહિમા સમજાયો હોય તો થાય. શ્રીજીમહારાજે આ શરીર, બુદ્ધિ, શક્તિ આપ્યાં છે તો એમના માટે સમર્પણ થાય એ ભાવના છે. બીજું, આપણે જે કંઈ આપીએ એમાં દ્રવ્યશુદ્ધિ થાય. ખેતી-વાડી-ધંધામાં કંઈ જાણેઅજાણે ભૂલચૂક થઈ હોય તો શુદ્ધિ માટે સેવા કરવી. શિક્ષાપત્રીમાં મહારાજે વાત કરી કે દશમો-વીશમો ભાગ કાઢવો. કમાણીમાં જે નેટ નફો થાય તેનો દશમો ભાગ કાઢવો. સો રૂપિયા આવક થાય તો દશ ભગવાનને આપવા ને નેવું આપણા વહેવારનાં કાર્યો માટે વાપરવા. વહેવારનાં કાર્યોમાં દરેકને થાય છે કે બીજાએ કર્યું એના કરતાં સવાયું કરી બતાવું. એ લૌકિક કાર્યો માટે એવો ભાવ રહે છે તો આત્માના કલ્યાણ માટે એવો ભાવ રહે કે આ વખતે સવાઈ સેવા કરવી છે. મહારાજે બેય લખ્યું કે પૈસાદાર દશમો ભાગ કાઢે ને વહેવારે સાધારણ સ્થિતિ હોય એ વીશમો ભાગ કાઢે. નિયમિત રીતે દશમો-વીશમો ભાગ કાઢે તો વાંધો ન આવે, ૨૦૦-૫૦૦ સુધીનો ધર્માદો કાઢવાનો આવે તો વાંધો ન આવે, પણ જ્યારે મોટી કમાણી થતી હોય ત્યારે વિચાર થાય કે દશમો ભાગ તો બહુ થઈ ગયો! પણ ભગવાન આપે છે ને ભગવાન માટે કરવું છે. આ વિચાર જીવનો દૃઢ સત્સંગ થયો હોય તો થાય. સરકારનો ટેક્સ ભરવો પડે છે તેમ વધારે કમાયા તો સેવા પણ વધારે થવાની. આ મંદિર આપણા માટે જ થયું છે, આપણે જ સેવા કરવાની છે ને આપણે જ લાભ લેવાનો છે. ભગવાનની આપણા પર કૃપા છે કે આપણને આ સેવા મળી છે. પૈસો છૂટવો કઠણ છે. પૈસો બહિઃપ્રાણ છે. લોકો બહાર માન-મોટપ-કીર્તિ માટે બધું જ કરે જ્યારે અહીં તો ભગવાનની સેવા કરવાથી અનંત જન્મનું કામ થાય, મોક્ષ થાય. એ કેટલી મોટી વાત છે?
શ્રીજીમહારાજે કહ્યું, પોતાનું ધન, ધામ, કુટુંબ, પરિવાર ભગવાન અર્થે કરી રાખવું. આ દેહ સગાંવહાલાં માટે કરી રાખ્યો છે તો એના માટે ગમે એટલાં દુઃખ પડે તો પણ કામ કરીએ છીએ. તેમ ભગવાન માટે પણ કરવું. પૈસા તમારે રાખવાના, વાપરવાના પણ તમારે, કુટુંબ પરિવારના ઉપયોગમાં લેવાના, પણ જ્યારે ભગવાનની ઇચ્છા થાય ને આવું કામ કરવું હોય ત્યારે આજ્ઞા કરે એ સેવા કરી નાખવાની, તો અર્પણ થયા બરોબર છે. જેટલું ભગવાનને અર્થે કામ આવ્યું એટલું નિર્ગુણ થયું. આપણો બંગલો ભગવાન લઈ નહીં લે, પણ તેમાં કથાવાર્તા થાય એ એનો ઉપયોગ થયો કહેવાય.
ભગવાનને આપવાથી ઓછુ _ નથી થતું. ભગવાનને આપીએ એ સાચું નાણું. 'ખર્ચ્યું ન ખૂટે એને ચોર ના લૂંટે...' જ્યારે કરવાનું થાય ત્યારે આપણો મમત્વ મૂકી એમને અર્થે કરવાનું છે એ આપણી ભક્તિ છે. એનાથી ભગવાન રાજી થાય છે તો એવો અવસર આવે ત્યારે રાજી થવું જોઈએ. ભગવાને દયા કરી કે દેહ, દ્રવ્ય, કુટુંબ બધું એમના કામમાં આવ્યું. પત્રં પુષ્પં ફલં.... ભગવાન તો એક પુષ્પની પાંખડીથી પણ રાજી થઈ જાય છે. પરંતુ, ઘરમાં કરોડો ફેરવતા હોઈએ તો અહીં પાંખડીની વાત નહીં કરવાની. પૈસા ન હોય એ શરીરથી સેવા કરી શકે, મનથી 'આ સંત બહુ સારા છે, મંદિર સારું છે, આ કાર્ય બહુ સારું છે' એમ માની સેવા કરી શકે. પણ 'અલ્યા જવા દેને, અહીં તો બહુ છે, અહીં ક્યાં ભરાણો?' એવું કહેનારા મળે! ત્યારે સાચી નિષ્ઠા પરખાય, પાકો હરિભક્ત મહારાજનાં વચનને ગૌણ ન કરે. મારે જેટલું ભગવાન અને સંત માટે કરીએ તો એ નિર્ગુણ થાય છે.''
સ્વામીશ્રીના આશીર્વાદ પછી યજમાનો તથા તમામ હરિભક્તોએ સમીપદર્શનનો લાભ લીધો.
|
|