|
અટલાદરામાં અન્ય કાર્યક્રમો
- તા. ૫-૨-૨૦૦૬ના રોજ સ્વામીશ્રીએ અટલાદરા ખાતે ગોધરામાં નિર્માણ પામનારા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસવિધિ કર્યો હતો. મંદિર સ્થળની માટીનું પૂજન કરીને સ્વામીશ્રીએ શિલાન્યાસ માટેની ઈંટોનું વેદોક્ત પૂજન કર્યું હતું. ગોધરામાં રામનગર, ગૌતમનગર પાસે આવેલા ભૂરાવાવ વિસ્તારમાં ડાકોર રોડ ઉપર રમેશભાઈ તથા દીપકભાઈ ભગવાનભાઈ પટેલે મંદિર માટે બે એકર જમીનનું દાન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સ્થાનિક સત્સંગમંડળ વતી ૧૧૮ હરિભક્તો વિધિમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારમાં પૂર્વે મહાપુરુષ સ્વામી તથા અમૃતતીર્થ સ્વામી અને હાલ અભયદર્શન સ્વામી તથા સર્વનિલય સ્વામી વિચરણ કરી સત્સંગ અભિવૃદ્ધિની સેવા કરી રહ્યા છે.
- તા. ૭-૨-૨૦૦૬ના રોજ સંધ્યા સત્સંગસભામાં ગુજરાત વિધાનસભાના દંડક જીતુભાઈ સુખડીયા, ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને વડોદરા શહેર પ્રભારી અનંતભાઈ દવે, વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, વડોદરા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચૅરમેન ગોવિંદભાઈ રાઠવા, વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચૅરમેન અભયસિંહ ઉપસ્થિત હતા. સૌએ હાર પહેરાવીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. ત્યારપછી અનંતભાઈ દવેએ પ્રવચન કરતાં કહ્યું, ''હું મૂળ કચ્છનો છુ _. આજે મારે એક એવી ઘટના કહેવી છે જે મારા હૃદયની ઘટના છે. કચ્છમાં ભૂકંપ પછી સ્વામીશ્રીના આશીર્વાદથી આ સંસ્થાએ જે કાર્ય કર્યું છે, એ અદ્ભુત છે. દુનિયામાં અજોડ કહી શકાય, એવાં કાર્યો આ સંસ્થાએ કર્યાં છે. જીવનમાં ક્યારેક આ કાર્ય જોવા માટે જરૂર ત્યાં પધારજો.''
જીતુભાઈ સુખડીયાએ પણ પોતાના પ્રવચન દરમ્યાન વડોદરા શહેરને આદર્શ શહેર બનાવવાના પોતાના સંકલ્પ અને યોજનાઓની વિગતે વાત કરીને સ્વામીશ્રીના આશીર્વાદ માગ્યા. વડોદરા શહેરના વિપક્ષના નેતા ચિરાગભાઈ ઝવેરીએ પણ આજે સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
- તા. ૮-૨-૨૦૦૬ના રોજ સાયંસભામાં બી.એ.પી.એસ. વિદ્યામંદિરના શિશુઓએ વિશિષ્ટ કાર્યક્રમ રજૂ કર્યો હતો. શિશુઓ વતી પ્રતિનિધિએ હાર પહેરાવીને સ્વામીશ્રીને સત્કાર્યા બાદ વિદ્યામંદિરમાં ભણી રહેલા નાના નાના શિશુઓએ બે બે વાક્યોમાં વિદ્યામંદિરનો મહિમા અને ધ્યેયની રજૂઆત અંગ્રેજી ભાષામાં કરી હતી. ત્યારબાદ બાળકોએ 'અમે નમણાં, અમે કૂમળાં...' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. અંતે સ્વામીશ્રીએ સૌને બાળસંસ્કારની પ્રેરણા આપી હતી.
- તા. ૯-૨-૨૦૦૫ના રોજ અટલાદરા ખાતે સ્વામીશ્રીના સાંનિધ્યમાં સ્થાનિક બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયના છાત્રોએ છાત્રાલય દિન ઊજવીને ભાવઅર્ઘ્ય અર્પણ કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન પણ રાખવામાં આવ્યું હતું. શાસ્ત્રીજી મહારાજના પ્રેરક ગુણોનો આધાર લઈને વિદ્યાર્થીઓએ 'સદ્ગુણના સથવારે' એ સંવાદ રજૂ કર્યો. ત્યારપછી છાત્રોએ લીધેલા વિવિધ નિયમોનો ગૂંથેલો હાર સૌ વતી યજ્ઞેશ સોલંકી તથા મુકુંદે અર્પણ કર્યો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વતી બે વિદ્યાર્થીઓએ માળાનો હાર અર્પણ કર્યો. ત્યારબાદ પૂર્વ વિદ્યાર્થીઓએ સ્વાનુભવો વર્ણવી પોતાના જીવનઘડતરમાં છાત્રાલયના પ્રદાનની સ્મૃતિઓ કરી હતી. વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રથમ સ્થાન મેળવનારા છાત્રોએ સ્વામીશ્રીના હસ્તે પારિતોષિકો મેળવ્યાં. એમ.એસ. યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ.મનોજભાઈ સોનીએ પણ ખાસ ઉપસ્થિત રહીને સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અંતે આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું, ''યુવાનીમાં થોડા સંયમ-નિયમની જરૂર પડે. સંયમ-નિયમના પાઠમાંથી આધ્યાત્મિક બળ મળે છે. ખાવામાં અભક્ષ્ય હોય ને બોલવામાં વિચિત્રતા હોય ને વર્તનમાં ધમાલ, ધમાલ ને ધમાલ હોય એવી યુવાની શા કામની? યુવાનો સંસ્કારી બને તો માબાપની, સમાજ ને રાષ્ટ્રની સેવા કરે ને ભગવાનને રાજી કરી પ્રસન્નતા મેળવે અને સત્સંગનો યોગ કાયમ રાખે એ માટે આ છાત્રાલય છે.''
- તા. ૧૦-૨-૨૦૦૬ના રોજ અટલાદરા ખાતે બાળદિન ઊજવીને બાળકોએ સ્વામીશ્રીને પ્રસન્ન કર્યા હતા. સંધ્યા સત્સંગસભામાં 'મારે મંદિરિયે આવો ઘનશ્યામ' એ સંવાદ દ્વારા સ્વામીશ્રીના બાળતારલાઓ પ્રામાણિકતા, દૃઢતા, ટેક, સંયમ રાખીને કઈ રીતે ઘનશ્યામને રાજી કરે છે એની તાદૃશ પ્રસ્તુતિ આ સંવાદમાં હતી.
આ સત્ય ઘટનાનાં કેટલાંક પાત્રો આ રહ્યાં:
ધોધમાર વરસતા વરસાદમાં બાળમંડળના સભ્ય કૃતિક પ્રકાશભાઈ ઓઝાએ જોયું મોટરસાઇકલ પર એક ભાઈનો કિંમતી મોબાઈલ પડી ગયો. મોટરસાઇકલ સવાર દૂર પહોંચી ગયા હોવાથી તેમને બૂમ ન સંભળાઈ. કૃતિકે મોબાઈલની ડિરેક્ટરી ખોલી જુદા જુદા નંબરવાળા ત્રણ જણને ફોન કરી માહિતી મેળવી, અને પોતાના ઘરે બોલાવી ઓળખ આપીને મોબાઈલ પરત કર્યો. આ વ્યક્તિ મુસ્લિમ બિરાદર હતા. કૃતિકની પ્રામાણિકતા જોઈ તેઓ પ્રભાવિત થઈ ગયા.
દિશાંક મહેશભાઈ ભાટિયા નામના બાળકને મગજનું આૅપરેશન કરાવ્યાને હજુ માંડ અઠવાડિયું થયું હતું. છતાં માંદગીના બિછાનેથી સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી તે ઉત્તીર્ણ થયો.
કેવલ હિરેનકુમાર પાટડિયાએ ટાઈફોઈડ થયો હોવા છતાં દવાખાનાના બિછાનેથી સત્સંગ શિક્ષણ પરીક્ષા ઉત્સાહપૂર્વક આપી અને પ્રથમ વર્ગમાં સ્થાન મેળવ્યું.
લવ શર્મા (ધોરણ-૭), હિમાંશુ શર્મા (ધોરણ-૪) નામના હિન્દી ભાષી બિનસત્સંગી બાળકોએ બાળસભામાંથી સત્સંગના ઉત્તમ સંસ્કાર પ્રાપ્ત કર્યા. પરિવારમાં સત્સંગ ન હતો. અભક્ષ્ય રસોઈ ઘરમાં જ બનતી, પણ બાળમંડળના સંસ્કારે બાળકોએ ઘરનું સમૂળું પરિવર્તન કર્યું અને ઘરમાં અભક્ષ્ય આહાર બંધ થયો.આવાં અનેક પ્રેરક ઉદાહરણો પૂરું પાડનારા બાળકો મંચ પર આવ્યા અને સ્વામીશ્રીના આશીર્વાદથી વિભૂષિત થયા.
- તા. ૧૨-૨-૨૦૦૬ના રોજ વડોદરાના યુવકોએ યુવાદિનના ઉપક્રમે નીલકંઠ વણીના દિવ્ય વ્યક્તિત્વને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રેરક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. સંધ્યાસભામાં 'નીલકંઠ વણી પધારો...' એ ગીતના આધારે નૃત્ય અને અક્ષરકીર્તન સ્વામી દ્વારા રચિત 'અભિષેક' સંવાદ રજૂ કરીને યુવકોએ નીલકંઠવણીની દિવ્ય ગાથાઓ ગાઈ હતી. યુવાનોએ નીલકંઠના ગુણોને અનુસરીને પણ નીલકંઠનાં ચરણોમાં અર્ઘ્ય અર્પણ કર્યું હતું. કેટલાક યુવકોએ ૮૫ કલાકના નિર્જળ ઉપવાસ કર્યા હતા. કેટલાક યુવકોએ દંડવત્યાત્રા કરીને ૨૭૦૮ દંડવત્ કર્યા હતા. તો ખંતીલે રાત આખી દંડવત્ કરતાં કરતાં ૫૧ પ્રદક્ષિણા કરી હતી, મકરપુરાના જનક પટેલે ૩૧૧૧ પ્રદક્ષિણા અને પ્રમુખસ્વામી નગરના વીરેને ૧૩૦૦ પ્રદક્ષિણા કરી હતી. આ સૌને સ્વામીશ્રીએ પ્રસન્નતાભર્યા આશીર્વાદ આપ્યા હતા.
તા. ૧૩-૨-૨૦૦૬ના રોજ સ્વામીશ્રી બોચાસણ પધાર્યા હતા.
|
|