|
બોચાસણમાં ગુરુશિખર શિલાન્યાસ વિધિ તથા પાંચ મંદિરોના પ્રતિષ્ઠાવિધિ
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આદિસ્થાન બોચાસણમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે રચેલા શિખરબદ્ધ મંદિરની પશ્ચાદ્ભૂમાં, ગુણાતીત ગુરુપરંપરાના મહાન ગુરુવર્યોને ભાવાંજલિ અર્પણ કરતાં ગુરુશિખરોનું નિર્માણ થઈ રહ્યું છે. તા. ૧૬-૨-૨૦૦૬ના રોજ સ્વામીશ્રીનાં કરકમળો દ્વારા આ ગુરુશિખરોનો શિલાન્યાસ વિધિ કરવામાં આવ્યો હતો.
પ્રાતઃપૂજામાં શુભ મુહૂર્ત દરમ્યાન ગુરુશિખર માટેના નિધિકુંભ-સ્થાપન માટેનો વિધિ શરૂ થઈ ચૂક્યો હતો. ઉમરેઠના વિદ્વાન ઘનશ્યામભાઈશુક્લ અને સહાયકોએ વિધિ કરાવી. મુખ્ય મંદિરની પાછળ પંદરેક ફૂટ ઊંડા ગર્તમાં ડૉક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, વિવેકસાગર સ્વામી, ભગવત્ચરણ સ્વામીએ શિલાન્યાસનો પૂર્વવિધિ કર્યા બાદ સ્વામીશ્રીએ ઉત્તરવિધિ કર્યો. જે ગુરુવર્યોએ અક્ષરપુરુષોત્તમ ઉપાસના કાજે સમર્પિત થયા હતા એ ગુરુવર્યો અને આ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ આ આદિસ્થાન બોચાસણમાં સ્થાપવા માટે સ્વામીશ્રીનો ઉમંગ અનન્ય હતો. ગર્તની બહાર લોનમાં બીજા ૪૫૦ જેટલા યજમાનો પણ વિરાજમાન હતા. ફક્ત બે જ દિવસમાં ચરોતરના પ્રત્યેક ગામમાંથી આ દિવ્ય પ્રસંગનો લાભ લેવા માટે હરિભક્તો ઊમટી પડ્યા હતા. હજારો હરિભક્તો સભામંડપમાં બેસીને ક્લોઝ સર્કિટ ટી.વી. દ્વારા આ દિવ્ય પ્રસંગનો લાભ લઈ રહ્યા હતા. ગુરુશિખરની ચારેય પૂર્ણ શિલાઓનું પૂજન કરીને સ્વામીશ્રીએ સિમેન્ટ-રેતીના માલનું પણ પૂજન કર્યું. તેમાં તીર્થભૂમિ છપૈયાની પવિત્ર રજ ભેળવવામાં આવી. જયનાદો વચ્ચે નિધિકુંભ અને શિલાઓનું સ્થાપન કરવામાં આવ્યું.
અહીં જ યોજાયેલા પ્રાસંગિક સમારોહમાં ત્યાગવલ્લભ સ્વામી અને વિવેકસાગર સ્વામીએ ઉદ્બોધનનો લાભ આપ્યા બાદ આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું, ''બોચાસણથી જ આ સંસ્થાની શરૂઆત છે એટલે આ સ્થાનનો મહિમા વિશેષ છે. શ્રીજીમહારાજ કાશીદાસ મોટાની એવી ભક્તિને વશ થઈઅહીં ૩૨ વખત પધાર્યા હતા. કાશીદાસ મોટા શ્રીજીમહારાજને માફા(ગાડા)માં બેસાડી પોતાનાં સગાંવહાલાંને ત્યાં આજુબાજુ નાં ગામમાં લઈ ગયેલા. દરેક સત્સંગીએ વિચાર કરવો કે આપણને સત્સંગનો લાભ મળ્યો તો આપણાં સંબંધીઓને પણ સત્સંગ કરાવવો. શ્રીજીમહારાજે વડતાલમાં મંદિર કર્યું ત્યારે લક્ષ્મીનારાયણની મૂર્તિઓ છ મહિના કાશીદાસ મોટાને ત્યાં રહેલી. પછી વડતાલ લઈ જતા હતા ત્યારે કાશીદાસ મોટા કહે કે અહીં જ મંદિર કરી મૂર્તિ પધરાવો ત્યારે મહારાજે વર આપ્યો કે 'અહીં મોટું મંદિર થશે અને અમે અમારા ભક્ત સાથે બેસીશું.' એ વર શાસ્ત્રીજી મહારાજ દ્વારા પૂરો થયો ને અહીં મંદિર થયું. આવતી સાલ એને સો વરસ થવાનાં છે. એ નિમિત્તે અહીં ખાતમુહૂર્ત થયું ને વિધિ થયો છે. ભગવાનના ભક્તની સેવા બહુ પુણ્યવાળાને મળે છે. આપણે બધા એવા પુણ્યવાળા છીએ. પુણ્ય તો બીજું શું ? ભગવાન અને સંત મળ્યા ને એમની ઓળખાણ થઈ એ મોટામાં મોટું આપણું પુણ્ય.''
તા. ૧૭-૨-૨૦૦૬ના રોજ બોચાસણ ખાતે સ્વામીશ્રીનાં કરકમળો દ્વારા નજીકનાં પીજ, કુકવાડ, અલારસા, અલીન્દ્રા અને નરસંડાનાં નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોની મૂર્તિઓનું પ્રતિષ્ઠા-પૂર્વપૂજન કરવામાં આવ્યું હતું. જે તે ગામના અગ્રણી અને સમર્પિત હરિભક્તો પણ આ વિધિમાં જોડાયા હતા. સ્વામીશ્રીએ પાંચેય મંદિરોની મૂર્તિઓનું પૂજન અને પ્રતિષ્ઠાવિધિકરીને સૌને આશિષ આપ્યા હતા. આ પ્રસંગે અલીન્દ્રાના બાળમંડળે મંદિર-નૃત્યો કરીને આ ઉત્સવનો આનંદ વ્યક્ત કર્યો હતો. નવનિર્મિત મંદિરોનાં આ ગામોનો ઇતિહાસ ઘણો પુરાણો છે.
નરસંડાઃ ખેડા જિલ્લામાં વરતાલથી ઉત્તર દિશાએ ત્રણ કિલોમિટર દૂર આવેલા નરસંડામાં અનેક વખત ભગવાન સ્વામિનારાયણે પધરામણી કરીને સમગ્ર ગામને ચરણરજથી પાવન કરેલું છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પણ આગામ ઉપર દૃષ્ટિ કરી હતી. શાસ્ત્રીજી મહારાજ બોચાસણથી અહીં પહેલી વખત જેને ઘેર પધાર્યા, એ ગોરધનભાઈ ઝવેરભાઈ પટેલને ત્યાં સભા કરીને શાસ્ત્રીજી મહારાજે સત્સંગનાં બીજ વાવ્યાં ત્યારે ફક્ત ચાર-પાંચ હરિભક્તો જ નિષ્ઠાપૂર્વક જોડાયેલા હતા. ચીમનભાઈ પુરુષોત્તમભાઈ, ડાહ્યાભાઈ ચતુરભાઈ પટેલ (લીંબુવાળા), છોટાભાઈ બેચરભાઈપટેલ અને મગનભાઈ પટેલ વગેરે હરિભક્તોએ નિષ્ઠાપૂર્વક શાસ્ત્રીજી મહારાજનો પક્ષ રાખ્યો હતો. યોગીજી મહારાજે પણ અહીં પધારીને સભા અને પધરામણીનો લાભ આપ્યો છે. બોચાસણથી બાલમુકુંદ સ્વામી, ગોપીનાથ સ્વામી વગેરે સંતો અવારનવાર અહીં પધરામણી કરતા. સ્વામીશ્રીએ સને ૧૯૭૪માં અહીં ઘરોઘરમાં પધરામણીઓ કરી, ત્યારથી દર રવિવારે સત્સંગસભાની શરૂઆત થઈ. સ્વામીશ્રીના આશીર્વાદથી અને જનમંગલ સ્વામી, ગુરુસેવા સ્વામી, યતીન્દ્ર સ્વામી વગેરેના પ્રયાસોથી અહીં સત્સંગ વધ્યો. ડૉ. અંબાલાલ શિવાભાઈ પટેલ તથા સુપુત્રો હિતેશભાઈ, ભરતભાઈ અને વિદ્યુતભાઈ તરફથી મંદિર માટે જમીન દાનમાં મળી. આ જમીન ઉપર ત્યાગવલ્લભ સ્વામીએ તા.૧૫-૧૨-૨૦૦૩ના રોજ ખાતમુહૂર્ત કર્યું અને ત્યારપછી મંદિરનું બાંધકામ શરૂ થયું. વિશિષ્ટ માળા, પ્રભાતફેરી, ધારણાં-પારણાં વગેરે વિવિધ વિશિષ્ટ વ્રત-નિયમ સાથે સમગ્ર સત્સંગમંડળે ખૂબ તન, મન, ધનથી પુરુષાર્થ કર્યો. દેશ-વિદેશના અનેક હરિભક્તોના યોગદાનથી આ સુંદર મંદિર તૈયાર થઈ ગયું.
અલીન્દ્રાઃ ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા અલીન્દ્રા ગામમાં સત્સંગનો રેલો આફ્રિકાથી પહોંચ્યો હતો. ઇસ્ટ આફ્રિકામાં દારેસલામમાં યોગીજી મહારાજ પધાર્યા ત્યારે આ જ ગામના વલ્લભભાઈ પ્રભુદાસભાઈ પટેલના ચિરંજીવી ભાસ્કરભાઈએ પોતાની મોટરમાં યોગીજી મહારાજને ફેરવીને આશીર્વાદ મેળવ્યા હતા. વર્ષો પછી યોગીજી મહારાજ પહેલી વખત અલીન્દ્રામાં મણિભાઈના ઘરે પધાર્યા અને આખા ગામમાં પધરામણી કરી હતી. સત્સંગની શરૂઆત ત્યારથી થઈ. ત્યારપછી તો આણંદથી અંબાલાલભાઈ કરસનદાસ પટેલ (કલ્યાણ યોજના) અવારનવાર અહીં આવતા અને એમણે રવિવારની સભા ચાલુ કરાવી. બોચાસણથી અક્ષરપ્રિય સ્વામી, સનાતન સ્વામી વગેરે સંતો પણ અવારનવાર અહીં આવતા. પુરુષોત્તમદાસ ઝવેરભાઈ પટેલ, ધોરીભાઈ મકનદાસ વગેરેએ અહીં સત્સંગ વધારવામાં ફાળો આપ્યો. સ્વામીશ્રીએ અહીં ઘરોઘર પધારીને સત્સંગનાં બીજ સંવર્ધિત કર્યાં. ત્યારબાદ નરેન્દ્રપ્રસાદ સ્વામી(આચાર્ય સ્વામી), સર્વમંગલ સ્વામી, જનમંગલ સ્વામી, ગુણનિધિસ્વામી આત્મવિહારી સ્વામી, ચતુર્ભુજ સ્વામી તથા અક્ષરચિંતન સ્વામી વગેરે સંતોએ પણ અવારનવાર અહીં સત્સંગની પુષ્ટિ કરી છે.
તા.૧૧-૧૨-૦૩ના રોજ ત્યાગ-વલ્લભસ્વામીએ કર્યો હતો. સમગ્ર મંડળના ભક્તિભાવ અને સમર્પણથી મંદિર સંપન્ન થઈ ગયું.
પીજઃ બી.એ.પી.એસ. સંસ્થાના પાયાના નિર્માણમાં યાહોમ થઈ જનારા નિર્ગુણદાસ સ્વામીની જન્મભૂમિ પીજ સંપ્રદાયનું એક ઐતિહાસિક ગામ છે. ડભાણમાં શ્રીજીમહારાજે યજ્ઞ કર્યો ત્યારે જમવાની પંક્તિ પીજ સુધી થઈ હતી. ગામના તળાવે પધારીને યોગીજી મહારાજે મંદિર થાય એવો સંકલ્પ કર્યો હતો. સ્વામીશ્રીએ પણ અહીં અનેક વખત પધારીને સત્સંગની અભિવૃદ્ધિ કરી છે. યતીન્દ્ર સ્વામી અને ગુરુસેવા સ્વામી આ વિસ્તારમાં વિચરણ કરી રહ્યા છે. મંદિરના નિર્માણમાં સમગ્ર સત્સંગમંડળનો પુરુષાર્થ ભળ્યો. તન, મન, ધનના સમર્પણ સાથે અહીં મંદિરનિર્માણ નિમિત્તે ૨૦૦૧ની સાલથી મંત્રફેરી પણ કરવામાં આવી અને કેટલાક હરિભક્તોએ મિષ્ટાન્નનો ત્યાગ કર્યો, વિશેષ માળાનો નિયમ પણ લીધો. સૌના ભક્તિભાવથી માત્ર એક જ વર્ષમાં મંદિરનું સર્જનકાર્ય પૂર્ણ થયું.
અલારસાઃ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલા આ ગામમાં હરિસિંહભાઈ રણા(મુખી)ના ઘરે સત્સંગસભાનો અહીં પ્રારંભ થયો હતો. યજ્ઞચરણ સ્વામી તથા પ્રયાગપ્રિય સ્વામીના વિચરણથી અહીં સત્સંગનો વિકાસ થયો. નૈરોબીના જશભાઈપટેલ તથા તેઓના પરિવારજનો તથા મિત્રોએ જ સંપૂર્ણ રીતે મંદિર બાંધી આપ્યું. મહંત સ્વામીએ તા. ૦૪-૦૨-૨૦૦૪ના મહા સુદ ૧૩ના રોજ ખાતવિધિકર્યો અને આજે આ મંદિરની પ્રતિષ્ઠા સ્વામીશ્રીના હસ્તે થઈ.
કુકવાડ (બોરીઆ): લગભગ ૧૯૭૮ની સાલમાં આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલા કુકવાડ ગામે નાથાકાકાના કૂવા પર ટ્રેક્ટરમાં બેસીને સ્વામીશ્રી પધરામણીએ પધાર્યા હતા. તેઓના કૂવામાં પાણી થતું ન હતું પરંતુ સ્વામીશ્રીએ જાતે ત્યાં પધારીને આશીર્વાદ આપ્યા અને પાણી થયું. ત્યારથી નાથાકાકા તથા અંબાલાલ કાકાના કુટુંબમાં સત્સંગનો પ્રારંભ થયો અને સભાની શરૂઆત થઈ. ત્યારપછી ધીમે ધીમે સત્સંગ વધતો ગયો. ધીમે ધીમે સત્સંગનો વ્યાપ આ ગામમાં વધ્યો. સર્વમંગલ સ્વામી, ભગવત્ચરણ સ્વામી વગેરેએ અહીં આવીને મંદિર થાય એ માટે પ્રયાસો કર્યા. બચુભાઈ અંબાલાલ ઠાકોર, શનાભાઈ અંબાલાલભાઈ ઠાકોર તથા હિંમતભાઈ નાથાભાઈ પટેલે જમીન આપી. હરિભક્તોના તથા સમગ્ર મંડળના રાતદિવસના પુરુષાર્થ વડે મંદિરના નિર્માણનું કાર્યસંપન્ન થયું.
ઉપરોક્ત મંદિરોના પ્રતિષ્ઠાવિધિ તેમજ નિત્ય પારાયણપર્વ વગેરે કાર્યક્રમો બાદ તા. ૨૦-૨-૨૦૦૬ના રોજ સ્વામીશ્રી અહીંથી વિદાય લઈ આણંદ ખાતે નૂતન સભાગૃહના ઉદ્ઘાટન સમારોહમાં પધાર્યા હતા.
|
|