|
અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજનો દિવ્ય સત્સંગલાભ
તા. ૧-૩-૨૦૦૬થી તા. ૧૩-૩-૨૦૦૬ દરમ્યાન મહાનગરી અમદાવાદ ખાતે બિરાજીને પ્રમુખસ્વામી મહારાજે હજારો હરિભક્તોમાં દિવ્ય આધ્યાત્મિક ચેતનાનું મોજુ _ પ્રસરાવી દીધું હતું.
તા. ૧-૩-૨૦૦૬ના રોજ સંધ્યા સમયે સ્વામીશ્રી અમદાવાદમાં શાહીબાગ ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા ત્યારે સ્વામીશ્રીના સ્વાગત માટે ઊમટેલા હજારો હરિભક્તોના જયનાદોની સાથે આતશબાજીના સૂર પણ ધરા-ગગનને ગજવી રહ્યા હતા. મહિલામંડળ દ્વારા રચાયેલી પુષ્પની રંગોળી પરથી ઠાકોરજી સાથે પસાર થતા સ્વામીશ્રી હરિભક્તોના હર્ષનાદોને ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી વિશાળ સભાખંડમાં પધાર્યા ત્યારે ઉમંગભેર સમગ્ર સત્સંગમંડળે સ્વામીશ્રીને વધાવ્યા હતા.
વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક વક્તવ્ય બાદ સ્વામીશ્રીએ પાંચ મિનિટના આશીર્વાદની સ્મૃતિ આપતાં સૌને દિવ્ય આનંદથી છલકાવી દીધા હતા. સભાના અંતમાં શાસ્ત્રીજી મહારાજના સમયના હરિભક્ત રામચંદ્રભાઈ ઠાકર(નડિયાદ)ના વંશજ પ્રફુલ્લભાઈ ઠાકોરભાઈ ઠાકરે શાસ્ત્રીજી મહારાજે ગોંડલમાં વગાડીને પ્રસાદીભૂત કરેલું દિલરૂબા સ્વામીશ્રીને અર્પણ કર્યું. સ્વામીશ્રીએ પણ ખભા ઉપર આ પ્રાસાદિક દિલરૂબા મૂકીને શાસ્ત્રીજી મહારાજ દિલરૂબા વગાડતા તે ઇતિહાસ તાદૃશ્ય કરી દીધો હતો.
તા. ૨-૩-૨૦૦૬થી સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીએ શ્રીમદ્ ભગવદ્ગીતા વ્યાખ્યાનમાળાનો આરંભ કર્યો હતો. સતત દસ દિવસ સુધી આ વ્યાખ્યાનમાળા દ્વારા વિવેકસાગર સ્વામીએ તેમની રસાળ અને પ્રભાવક શૈલીમાં શ્રીમદ્ ભગવદ્ગીતા પર મનનીય લાભ આપ્યો હતો.
તેઓના વ્યાખ્યાન બાદ દસ દિવસ સુધી સ્વામીશ્રીએ દિવ્ય જ્ઞાનની અમૃતવર્ષા વરસાવી હતી. સંતોના કંઠે ગવાતાં પ્રાસંગિક કીર્તનો પર પણ સ્વામીશ્રીએ પ્રેરક બોધ આપ્યો હતો.
સ્વામીશ્રીના આ નિવાસ દરમ્યાન કેટલીક વિશિષ્ટ બાબતની સ્મૃતિઓ આ રહીઃ
તા. ૬-૩-૨૦૦૬ના રોજ સાયંસભામાં મેયર શ્રીઅમિતભાઈ શાહ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના અગ્રણી સભ્યોએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટિના અધ્યક્ષ અને સત્સંગી શ્રીમતી મધુબેનનું પણ મહિલાïïવિભાગ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. મેયર અમિતભાઈ શાહે પ્રાસંગિક પ્રવચન દરમ્યાન સ્વામીશ્રીની ગુણગાથા ગાઈ.
સ્વામીશ્રીના આશીર્વાદની સમાપ્તિ બાદ બાળસત્સંગ શિક્ષણ પરીક્ષાના ૧૦,૪૧૯ પરીક્ષાર્થીઓ પૈકી શ્રેષ્ઠ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયેલા બાળકોને સ્વામીશ્રીના આશીર્વાદ સાંપડ્યા. સાથે સાથે સ્વામીની વાતોના મુખપાઠમાં ધોરણ બેથી સાતમાં ભણતાં અમદાવાદનાં સુંદર સિદ્ધિ મેળવનારા ૨૦૦ બાળકોને સ્વામીશ્રીના આશીર્વાદ સાંપડ્યા હતા.
તા. ૭-૩-૨૦૦૬ના રોજ પૂજામાં જાણીતા લોકસાહિત્યકાર જોરાવરસિંહ જાદવે સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ડૉ. શ્રદ્ધાબેન ત્રિવેદી દ્વારા સંપાદિત ૩૬૫ બાળકથાઓનો સંપુટ 'મજાનો ખજાનો' અક્ષરા પ્રકાશન તરફથી સ્વામીશ્રીના હસ્તે ઉદ્ઘાટિત થયો.
આજે સંધ્યાસભામાં રાજ્યના કૉંગ્રેસ પ્રમુખ ભરતિસહ સોલંકી, વિધાનસભાના વિપક્ષ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા, મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા હિંમતસિંહ પટેલ તેમજ વિજયભાઈ કેલા, મિહિરભાઈ શાહ, રાજુભાઈ બ્રહ્મભટ્ટ વગેરે ઉપસ્થિત હતા. સૌએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ત્યારબાદ અર્જુનસિંહ મોઢવાડિયા અને હિંમતસિંહ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. 'નમસ્કાર' મૅગેઝિનના તંત્રી કિશોરભાઈ મકવાણાએે સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
તા. ૮-૩-૨૦૦૬ના રોજ પૂજાને અંતે, વારાણસીમાં સંકટમોચન હનુમાન અને અન્ય બે જગ્યાઓ ઉપર થયેલા હુમલાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે સ્વામીશ્રી અને વિશાળ ભક્તસમુદાયે પ્રાર્થના કરી હતી.
તા. ૯-૩-૨૦૦૬ના રોજ વર્તમાનવિધિના કાર્યક્રમમાં ૧૭૦૦ જેટલા મુમુક્ષુઓને સ્વામીશ્રીએ વર્તમાનમંત્ર ઝિલાવ્યો અને સમૂહ વર્તમાન ધારણ કરાવ્યાં; સૌ સુખી થાય એ માટે આશીર્વાદ આપ્યા.
તા. ૧૦-૩-૨૦૦૬ના રોજ મંદિરના પરિસરમાં દશમા ધોરણમાં બોર્ડની પરીક્ષા આપનારાં ૭૫૦ વિદ્યાર્થીઓને સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. પૂજામાં આજે સોલા રોડના ઓચ્છવીયા હરિભક્તોએ એકાદશી નિમિત્તે ઓચ્છવનાં કીર્તનો રજૂ કર્યાં. મહેશભાઈ વૈદ્યના હાથમાં ઝાંઝ હતાં, એ લઈને સ્વામીશ્રીએ કેટલીય વાર સુધી ઓચ્છવીયાની રીતે એ ઝાંઝ વગાડીને હરિભક્તોને વિશેષ સ્મૃતિ આપી.
તા. ૧૧-૩-૨૦૦૬ના રોજ સભામાં બ્રહ્મપ્રકાશ સ્વામી લિખિત 'પડવું જ નથી' એ સંવાદ રજૂ થયો. જોયા જાણ્યા વગર કો'કની વાત ફેલાવવાથી કેટકેટલું નુકસાન થઈ જાય છે, એ ભાવને દૃઢાવતા અભાવ-અવગુણ ન લેવાના મધ્યવર્તી વિચાર સાથે સુંદર સંવાદ રજૂ કરવામાં આવ્યો હતો.
તા. ૧૨-૩-૨૦૦૬ના રોજ પૂજામાં હવેલી સંગીત શૈલીનો સાજ સજ્યો હતો. યોગીચરણ સ્વામી, પ્રેમવદન સ્વામી વગેરે સંતોએ એ શૈલીનાં કીર્તનોનું ગાન કર્યું. જાણીતા સારંગીવાદક ઈકરમખાને સારંગી વડે સંગત આપી અને હેમંતભાઈ ભટ્ટે પખવાજનો તાલ આપ્યો. સૌ પર સ્વામીશ્રીની પ્રસન્નતા વરસી ગઈ હતી.
આજે અમેરિકામાં આવેલા નેસવિલ અને પાર્સીપની શહેરોનાં નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોમાં સ્થપાનાર આરસની મૂર્તિઓનું સ્વામીશ્રીએ પ્રતિષ્ઠા-પૂર્વપૂજન કર્યું અને આરતી ઉતારી.
સંધ્યાસભામાં પસ્તી એકત્રીકરણમાં રાતદિવસ સેવા આપનાર હરિભક્તોને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. ડૉ.કંસારા અને જનકભાઈ દવેએ સંકલિત કરેલા પુસ્તક 'ધ રોલ આૅફ ગુરુ'નું સ્વામીશ્રીએ ઉદ્ઘાટન કર્યું. સભાના અંતે ઈશ્વરચરણ સ્વામીએ અક્ષરનિવાસી પુનિતચરણ સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તા. ૧૩-૩-૨૦૦૬ના રોજ પ્રાતઃ પૂજા બાદ સંસ્થામાં માનદ માર્ગદર્શન આપનાર અને જાણીતા આર્કિટેક્ટ યતિનભાઈ પંડ્યાએ લખેલું પુસ્તક (કન્સેપ્ટઊં સ આૅફ સ્પેસ ઇન ટ્રેડીશનલ ઇન્ડિયા)નું વિમોચન સ્વામીશ્રીના હસ્તે કરાવ્યું.
બાર દિવસના રોકાણ દરમ્યાન સૌને અપૂર્વ આધ્યાત્મિક લાભ આપીને સ્વામીશ્રીએ તા. ૧૩-૩-૨૦૦૬ના રોજ સારંગપુર જવા સૌની ભાવભીની વિદાય લીધી હતી.
|
|