Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સારંગપુરમાં પુષ્પદોલોત્સવ-રંગોત્સવનો અદ્ભુત લહાવો

'સદૈવ સારંગપુરસ્ય રમ્યે, સુમંદિરે અક્ષરધામ તુલ્યે...' આ પંક્તિઓ જ્યાં ચરિતાર્થ થઈ છે એવા સારંગપુર તીર્થધામમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં પ્રતિવર્ષે ઉજવાતા પુષ્પદોલોત્સવનો માહોલ આ વર્ષે પણ અવિસ્મરણીય બની રહ્યો હતો. તા. ૧૩-૩-૨૦૦૬ના રોજ સ્વામીશ્રી સારંગપુર ખાતે પધાર્યા ત્યારથી જ પુષ્પદોલોત્સવનો જાણે પ્રારંભ થઈ ચૂક્યો હતો!
સારંગપુરમાં સ્વામીશ્રીનું આગમન થયું ત્યારે અહીંના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરના વિદ્યાર્થી બૅન્ડે સ્વામીશ્રીનું ભાવભીનું અભિવાદન કર્યું. સ્વામીશ્રીની સ્વાગત-સભામાં વિવેકસાગર સ્વામીએ સ્વામીશ્રીના પૂર્વવિચરણની ઝાંખી કરાવી હતી.
આજે સાંજે ફૂલદોલોત્સવના મેદાન ઉપર રંગોત્સવની સેવામાં આવેલા સ્વયંસેવકો માટે આજે ખાસ રંગોત્સવ રાખવામાં આવ્યો હતો. મંચ ઉપર વિરાજમાન સ્વામીશ્રીના સાંનિધ્યમાં સંતોનાં કીર્તનગાન અને પ્રવચન દ્વારા સૌએ રંગોત્સવનો મહિમા માણ્યો. આજની સભાના વિશેષ લાભરૂપે સ્વામીશ્રીએ મયૂર-આસન ઉપર વિરાજિત હરિકૃષ્ણ મહારાજને રંગ વડે રંગવાની શરૂઆત કરી, એ જ ક્ષણે અણધારી રીતે પણ હરિકૃષ્ણ મહારાજના હાથમાંથી પિચકારીનો પ્રવાહ શરૂ થયો, જે સ્વામીશ્રીને પણ રંગતો હતો. અરસ-પરસની આ રંગલીલા જોઈને બેઠેલા સૌ ધન્ય બની ગયા. છેલ્લે સ્વયંસેવકોનો રંગોત્સવ શરૂ થયો. ૨૦ મિનિટમાં ૪૦૦૦ જેટલા સ્વયંસેવકોને રંગીને સ્વામીશ્રીએ સૌને રંગોત્સવની ભરપૂર સ્મૃતિ આપી દીધી.
તા. ૧૪-૩-૨૦૦૬ના રોજ ભક્તિભાવપૂર્વક બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજનો જન્મજયંતી ઉત્સવ સ્વામીશ્રીના સાંનિધ્યમાં ઉજવવામાં આવ્યો હતો. ડૉક્ટર સ્વામીના પ્રવચન પછી ભગતજી મહારાજનું હિન્દી સંક્ષિપ્ત જીવનચરિત્રનું ઉદ્‌ઘાટન પુસ્તકના લેખક આત્મતૃપ્ત સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યુ._ એ જ રીતે જાગા સ્વામીનું સંક્ષિપ્ત જીવનચરિત્રનું પુસ્તક તેના લેખક શ્રીહરિ સ્વામીએ સ્વામીશ્રી પાસે ઉદ્‌ઘાટિત કરાવ્યું. સંતોનાં કીર્તનગાન બાદ સ્વામીશ્રીએ આશીર્વચન પાઠવ્યાં.
તા. ૧૫-૩-૨૦૦૬ના રોજ દિવ્યતાસભર અને મેઘધનુષી ફૂલદોલ ઉત્સવની રંગત સૂર્યોદયથી જ ખીલી ઊઠી હતી. પુષ્પદોલોત્સવની સભામાં જ્યારે સ્વામીશ્રી પ્રવેશ્યા ત્યારે મંચની નીચે બેઠેલા સંગીતવૃંદમાંના અક્ષરેશ સ્વામી તથા કૃષ્ણપ્રિય સ્વામીના કંઠમાંથી 'વરતાલ ગામ ફૂલવાડીએ, હીંડોળો આંબાની ડાળ...' ગવાઈ રહ્યું હતું. સ્વામીશ્રીનું આ અત્યંત ગમતું પદ હતું. સ્વામીશ્રી સૌ ઉપર દૃષ્ટિપાત કરતાં કરતાં મંચના મધ્યભાગમાં પધાર્યા અને એ જ વખતે ઊભાં ઊભાં સ્વામીશ્રી કીર્તનના તાલે તાલ દઈને હાથની મુદ્રાઓ કરવા માંડી. સ્વામીશ્રીની આ પ્રવેશલીલા સૌનાં અંતરમાં રંગત જમાવવા માટે પૂરતી હતી. સમગ્ર સભા તરફ દૃષ્ટિ કરતાં કરતાં આનંદની મસ્તીમાં, બ્રહ્મમસ્તીમાં પરોવાયેલા સ્વામીશ્રી કીર્તનના શબ્દે શબ્દ તાલ મિલાવીને હસ્તમુદ્રા દ્વારા અમૂલ્ય સ્મૃતિ આપતા જતા હતા.
સભાના આરંભમાં વિવેકસાગર સ્વામીએ 'પુષ્પદોલોત્સવ'નો શાસ્ત્રોક્ત મહિમા સમજાવ્યો. ડૉક્ટર સ્વામીએ સાચા સત્સંગી કેવા હોય તે અંગે સમજ આપી. મહંત સ્વામીએ આ પ્રસંગે 'દેશો મા દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન...' આ પંક્તિ આધારિત પ્રવચન કરતાં અહંકાર છોડી પ્રભુના રંગે રંગાવાની સમજ આપી. ઈશ્વરચરણ સ્વામીએ 'જે જે લીલા કરો તમે લાલ, એને સમજું અલૌકિક ખ્યાલ...' આ પંક્તિને દૃઢાવતા શ્રીજીમહારાજના કેટલાક પ્રસંગો અને માનુષી તથા દિવ્ય લીલાનું વર્ણન કર્યું.
આજના પ્રસંગે રાજ્યના કૃષિ, સહકાર અને પંચાયતના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જા અને નાણાખાતાના મંત્રી સૌરભભાઈ દલાલ તથા દસક્રોઈ તાલુકાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ પણ ઉપસ્થિત હતા. સૌ વતી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ 'કળિયુગના યુગપુરુષ સ્વામીશ્રી' આ સંબોધન કરીને જણાવ્યું કે ''મને કહેવાનું મન થાય છે કે સ્વામીશ્રીએ આ અક્ષરધામ બાંધીને 'હું ભારતીય છુ' એવું ગૌરવ વધાર્યું છે. એમાં પણ તેઓ ગુજરાતના છે. એટલે એમ પણ ઉમેરાય કે વિશ્વભરમાં ગુજરાતી હોવાનું ગૌરવ પણ તેઓએ વધાર્યું છે.''
આ પ્રસંગે પરમહંસો રચિત ફૂલદોલનાં કીર્તનોની કૅસેટ અને સીડી 'રંગ કી ધૂમ મચાઈ'નું ઉદ્‌ઘાટન અક્ષરેશ સ્વામી તથા દિવ્યમુનિ સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. આ ઉત્સવમાં વિશેષ સેવા આપનાર હરિભક્તોએ સ્વામીશ્રીના આશીર્વાદ લીધા. અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું: ‘उत्सवप्रियाः खलु मानवाः।’ માનવને ઉત્સવો ગમે છે. મહારાજે ઉત્સવો પ્રવર્તાવ્યા. તેમણે ઉત્સવનો નિષેધ નથી કર્યો, પણ નિષેધમાં વાત કરી કે ઉત્સવમાં ડીસ્કો નહીં. ડીસ્કો તો ગરબડ છે ને પશ્ચિમનો વાયરો છે. કેટલાક જન્માષ્ટમીએ જુગાર રમે. એટલે આવી વિકૃતિને શ્રીજીમહારાજે દૂર કરી, જેમાં માણસને ધર્મ, જ્ઞાન વધે, ભગવાનમાં હેત થાય એ રીતના ઉત્સવો કર્યા છે, કારણકે ભગવાનનો સંબંધ આપણને જેટલો થાય એ આપણા માટે ઉત્તમ છે. ભગવાનના સંબંધે કરીને આપણો મહિમા છે. ભગવાનના ભક્ત થયા તો આપણે પણ નિર્ગુણ. ભગવાનની નિષ્ઠા, સંબંધ ને સ્પર્શે શુભ વિચારો થાય છે. ભગવાન દિવ્ય, ચૈતન્ય છે. એમાં માયાનો કોઈ ગુણ નથી. એ મહિમા સમજી, એમનો આશરો કરી, આજ્ઞામાં વર્તીએ. દારૂ, જુગાર ને વ્યસનોથી દૂર રહેવાનું છે ને સદાચારી થઈપોતાની ને કુટુંબશાંતિ, સમાજશાંતિ, રાષ્ટ્રશાંતિ, ધર્મમાં શાંતિ વર્તે એવું જીવન આપણે કરવાનું છે.''
૧૦-૫૦ વાગ્યે સ્વામીશ્રીની અમૃતવાણી સમાપ્ત થઈ ને ત્યારબાદ સૌની ઝંખનાનો ઉત્સવ પ્રારંભાયો. હરિકૃષ્ણ મહારાજ મયૂર-આસન ઉપર વિરાજીને સૌને દર્શન દઈ રહ્યા હતા. આ આસન ઉપરથી નાના બાર દ્વારના હીંડોળે મહારાજ વિરાજ્યા. સ્વામીશ્રીની સન્મુખ આસન કરવામાં આવ્યું. શ્વેતવૈકુંઠ સ્વામીએ રંગોત્સવના પ્રારંભમાં શ્લોકગાન કર્યું અને શ્રીહરિપૂજન કરાવ્યું. સ્વામીશ્રીએ સુવર્ણ અને હિરાજડિત પિચકારી વડે હરિકૃષ્ણ મહારાજને પ્રેમથી રંગ્યા અને એ જ રીતે નાની પિચકારી દ્વારા હરિકૃષ્ણ મહારાજે સ્વામીશ્રી ઉપર રંગ ઉડાડ્યો એ અદ્‌ભુત દર્શનલાભ સૌને પ્રાપ્ત થયો. ત્યારબાદ ૧૦-૫૫ વાગ્યાથી હરિભક્તસમુદાયનો રંગોત્સવ શરૂ થયો. આ વખતે સર્વો કંટ્રોલ સંચાલિત પિચકારીઓ તૈયાર કરવામાં આવી હતી. લગભગ ૬૭,૦૦૦ લિટર જેટલો કેસરિયો રંગ તૈયાર કરવામાં આવ્યો હતો. સ્વામીશ્રી સર્વો કંટ્રોલ વડે પિચકારી ઘુમાવીને સૌ પર રંગ છાંટતાં સુખ ને સ્મૃતિ આપતા જતા હતા. કેટલાય હરિભક્તો સ્વામીશ્રીની નજર પોતાના તરફ ખેંચાય એ માટે અવનવા નુસખા અજમાવતા હતા. એક કલાક સુધી આ રંગોત્સવનો વિધિ ચાલ્યો. એ દરમ્યાન ડાબી બાજુ એ સંતો બેસીને દર્શન કરી રહ્યા હતા. ૧૨-૦૦ વાગવા આવ્યા અને પછી આવ્યો સંતોનો વારો. સ્વામીશ્રીએ સદ્‌ગુરુ સંતોથી શરૂઆત કરી. મંચ ઉપર ડાબી બાજુ એ બેઠેલા સદ્‌ગુરુ સંતોમાં મહંત સ્વામીને રંગ્યા. નીચે સંતોની રંગત પણ જામી હતી. ઢોલ લઈને તાલ આપી રહેલા સંતો, ઉપરના સદ્‌ગુરુ સંતોને પોરો ચઢાવતા હતા અને સદ્‌ગુરુ સંતો પણ સૌની ઇચ્છાને માન્ય રાખીને સ્વામીશ્રીના રંગે રંગાતાં રંગાતાં નૃત્ય કરતા જતા હતા. જેમાં, ડૉક્ટર સ્વામી કે કોઠારી સ્વામી પણ બાકાત ન હતા. સ્વામીશ્રીએ ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી વગેરે સૌને રંગ્યા અને સાથે સાથે નીચે ઊભેલા સૌ સંતોને પણ ખૂબ રંગીને અત્યંત સ્મૃતિથી સભર કરી દીધા. સૌના માટે આ ïવખતનો ઉત્સવ ધન્ય ઉત્સવ હતો.
સારંગપુરમાં બ્રહ્મોત્સવ
તા. ૧૬-૩-૨૦૦૬ થી તા. ૩૧-૩-૨૦૦૬ દરમ્યાન સ્વામીશ્રીના સારંગપુરના રોકાણ દરમ્યાન ભક્તિ અને સત્સંગની ભરતી ઊમટી હતી. સવાર અને સાંજ હરિભક્તોનાં વૃંદ સ્વામીશ્રીનાં દર્શન અને સત્સંગનો લાભ માણવા અહીં આવતાં. સંતોનાં મનનીય વ્યાખ્યાનોની સાથોસાથ બાળમંડળ અને યુવકમંડળ દ્વારા વિવિધ પ્રેરક કાર્યક્રમો રજૂ થયા. બોટાદના યુવકોએ 'પ્રાપ્તિનો કેફ' સંવાદ રજૂ કર્યો હતો. દૃઢ આશરો અને નિષ્ઠા ધરાવતા ભક્તોની ગાથા ગાતાં આ સંવાદમાં ભક્તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ સ્વસ્થ રહે છે, એ ભાવ રજૂ થયો. સૌથી વિશેષ સ્વામીશ્રીના નિત્ય આશીર્વચન સૌને આધ્યાત્મિક ભૂમિકા પર વિહાર કરાવતા હતા. સ્વામીશ્રીના સવાર-બપોર-સાંજના ભોજન દરમ્યાન તાલીમાર્થી સંતોનાં વિવિધ વિષય પરનાં વ્યાખ્યાનો અને પરિસંવાદો પ્રસ્તુત થતાં હતાં. સ્વામીશ્રીની પ્રસન્નતા આ સૌ વિદ્યાર્થી સંતો પર સતત વરસતી રહેતી હતી.
તા. ૨૯-૩-૨૦૦૬ના રોજ સાંજે ૪-૪૪ વાગ્યાથી ખંડગ્રાસ સૂર્યગ્રહણ શરૂ થવાનું હતું. આ નિમિત્તે મંદિરના સભાગૃહમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં સંતો-હરિભક્તોની સભા યોજવામાં આવી હતી. સંતોએ ધૂન-કીર્તનની રમઝટ બોલાવ્યા બાદ વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું.
સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું: ''અત્યારે સૂર્યને રાહુ આવીને નડ્યો છે, એટલે સૂર્ય દુખિયો થયો છે. ભજન કરે તો ઊગરે. બધાં શાસ્ત્રોમાં કહ્યું કે કોઈ દુઃખી હોય તો આપણે મદદરૂપ થવું જોઈએ ને! એટલે બધાં કામ છોડીને ભજન કરવું તો સૂર્ય દુઃખમુક્તથાય. સાથે સાથે આપણું મોક્ષનું કામ કરવા આવ્યા છીએ એ ભૂલીએ નહીં, તો આપણને પણશાંતિ થાય.''
સ્વામીશ્રીના સાંનિધ્યમાં સારંગપુરમાં નિત્ય બ્રહ્મોત્સવના આનંદની છોળો ઊછળતી રહી, સૌ તેમાં કૃતાર્થ થતા રહ્યા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |