|
સ્વામીશ્રીના સાંનિધ્યમાં ઉલ્લાસભેર ઊજવાયો રથયાત્રા ઉત્સવ
તા. ૨૭-૬-૦૬, મંગળવારે રથયાત્રાના પવિત્ર દિને સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે રથયાત્રાનો ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઊજવાયો હતો. સ્વામીશ્રીના સાંનિધ્યમાં રથયાત્રાના ઉત્સવને માણવા ïવહેલી સવારથી જ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનું પરિસર હજારો હરિભક્તોથી ઉભરાવા લાગ્યું હતું.
સવારે ઠાકોરજીનાં દર્શન બાદ સ્વામીશ્રીએ, ગોલ્ફકાર્ટ પર તૈયાર કરવામાં આવેલા સુંદર રથ પર વિરાજેલા હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું હતું. ત્યારપછી મોટેરા સંતો અને આગેવાન હરિભક્તોએ પણ હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું હતું. સાથે ભગવાન જગન્નાથજીની મૂર્તિનું પણ પૂજન કર્યું. ઈશ્વરચરણ સ્વામીએ સ્વામીશ્રીને ચંદનની અર્ચા કરીને પુષ્પહારથી વધાવ્યા હતા. ત્યારબાદ ઠાકોરજી સહિત રથમાં વિરાજમાન થઈને સ્વામીશ્રીએ રથયાત્રાની અવિસ્મરણીય સ્મૃતિ સૌને આપી હતી.
મંદિરના પરિસરની બહારી પ્રદક્ષિણાનો માર્ગ રથયાત્રા માટે પસંદ કરવામાં આવ્યો હતો. ચારેબાજુ ઉત્સવનું વાતાવરણહતું. પરિસરમાં પથની બંને બાજુ એ હરિભક્તો રથયાત્રાનાં દર્શન માટે શિસ્તબદ્ધ રીતે બેઠા હતા. કેટલાક અગાશીમાં પણ હતા તો વળી કેટલાક મંદિરની ઉપર પ્રદક્ષિણામાં પણ ગોઠવાઈ ગયા હતા. રથયાત્રામાં સૌથી આગળ પારંપારિક વસ્ત્રોમાં સજ્જ બાળકો નૃત્ય કરતાં હતા. બાળકોની પાછળ સંતો ઉત્સવ અને ભગવાનનાં મહિમાનાં ભજનો ગાતા ચાલી રહ્યા હતા. ત્યારપછી સ્વામીશ્રીનો રથ હતો અને પાછળ આગેવાન હરિભક્તો ચાલી રહ્યા હતા. ગળામાં પુષ્પમાળા પહેરીને સંતો અને સૌ હરિભક્તો ભક્તિમાં ગુલતાન બન્યા હતા. કીર્તનો ઝીલતાં ઝીલતાં સૌએ રથ સાથે મંદિર ફરતે પાંચ પ્રદક્ષિણા કરીને, રથયાત્રાનો ઉત્સવ ઊજવીને સ્મૃતિ આપી હતી.
ત્યારબાદ રથમાં જ વિરાજમાન સ્વામીશ્રી અહીંથી જ સીધા સભાગૃહમાં પધાર્યા. પ્રાતઃપૂજા દરમ્યાન બાળકો તથા સંતોએ રથયાત્રાનાં પ્રાસંગિક કીર્તનોનું ગાન કર્યું. પૂજા પછી સ્વામીશ્રીએ મંચ પર રથમાં વિરાજમાન શ્રીજીમહારાજની મૂર્તિનું પૂજન કર્યું અને આરતી ઉતારી. આમ, સ્વામીશ્રીના સાંનિધ્યમાં રથયાત્રા ઉત્સવ અભૂતપૂર્વ રીતે ઊજવાયો હતો.
સંધ્યાસભામાં પણ સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં રથયાત્રાનો ઉત્સવ ઊજવાયો હતો. મંચ પર રથયાત્રાને અનુરૂપ પ્રાસંગિક કીર્તનોની રમઝટ વચ્ચે સ્વામીશ્રીએ રિમોટકંટ્રોલથી ચાલતા રથ પર બિરાજમાન હરિકૃષ્ણ મહારાજને વિહાર કરાવ્યો હતો. ઉપસ્થિત હજારો દર્શકો માટે આ દર્શન અદ્ભુત હતાં. લગભગ દશેક મિનિટ સુધી રિમોટ કંટોÿલથી કુશળતાપૂર્વક હરિકૃષ્ણ મહારાજને વિહાર કરાવતા સ્વામીશ્રીએ સૌને અદ્ભુત સ્મૃતિ આપી હતી.
અંતે રથયાત્રા ઉત્સવનો માર્મિક સંદેશ આપતા સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવતાં કહ્યું હતું, ‘‘उत्सवप्रियाः खलु मानवाः।’ ઉત્સવ થાય એટલે આનંદ આવે. દર વરસે રથયાત્રા નીકળે છે. જગન્નાથપુરીમાં તો હજારો ને લાખોની સંખ્યામાં માણસો ભેગા થાય છે. આ ઉત્સવો આપણી સંસ્કૃતિનો વારસો છે. ઉત્સવોમાં આપણને સહેજે ભગવાન પ્રત્યે ભક્તિભાવ અને પ્રેમ થાય. ઉત્સવોથી ઉત્સાહનું વાતાવરણ સર્જાય છે. શ્રીજીમહારાજે પણ ઉત્સવો કર્યા છે. શ્રીજીમહારાજે આપણી સંસ્કૃતિની દૃઢતા થાય એ માટે મંદિરો, સંતો, સત્સંગીઓ કર્યાં જેની સાથે ઉત્સવોનું પણ આયોજન કર્યું છે. જન્માષ્ટમી, રામનવમી, રથયાત્રાના ઉત્સવો ભગવાને પોતે ઊજવ્યા છે. રથયાત્રા એટલે આપણા જીવનરથનો રથી બરાબર જોઈએ. પાંચ ઘોડા એ પાંચ ઇન્દ્રિયો છે, એને વશ કરવા લગામ ભગવાનને સોંપી દેવાની. ભગવાનને પોતાનું મન આપવાનું છે. મન નીલ વાંદરા જેવું ચંચળ છે. મન સંકલ્પ-વિકલ્પ કર્યા જ કરે. પણ ભગવાન ભજવાના સંકલ્પ ન કરે. જેણે મન જીત્યું એને જગત જિતાઈ ગયું.
|
|