|
અમદાવાદ - ગાંધીનગર માર્ગ પર રાયસણ ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરનો ઉદ્ઘાટન સમારોહ
'મેગા સીટી' તરીકે વિકાસ પામી રહેલા અમદાવાદ તથા પાટનગરી ગાંધીનગરને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ તાજેતરમાં નવનિર્મિત શિક્ષણ પરિસરની ભેટ આપીને મૂલ્યનિષ્ઠ શિક્ષણ ક્ષેત્રે એક વધુ પ્રદાન આપ્યું છે.
અમદાવાદ-ગાંધીનગરને જોડતા હાઈવે પર જ રાયસણ નામનું ગામ આવેલું છે. શહેરથી દૂર આવેલા અને રમણીય વાતાવરણ ધરાવતા આ ગામમાં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રાથમિક-માધ્યમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન તા. ૨૮-૬-૦૬ના રોજ પ્રમુખસ્વામી મહારાજ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું હતું.
વિશાળ ભૂમિ પર નિર્માણ પામેલા આ શૈક્ષણિક સંકુલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરના પરિસરમાં વિશાળ શમિયાણામાં મંચ પર પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રપતિશ્રી ડો.એ.પી.જે. કલામના ખાસ પ્રતિનિધિ શ્રી વાય.એસ. રાજન્ , વડિલ સંતો તથા આમંત્રિત મહેમાનો બેઠા હતા. આમંત્રિત મહેમાનો ઉપસ્થિત હતા. ગાંધીનગર સ્વામિનારાયણ ગુરુકુળના સ્થાપક હરિપ્રકાશ સ્વામી, ગુજરાત રાજ્યના સ્વાસ્થ્યમંત્રી અશોકભાઈ ભટ્ટ, કૃષિમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસૂલમંત્રી કૌશિકભાઈ, પૂર્વમંત્રી નરહરિભાઈ અમીન, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થભાઈ પટેલ, ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પરિમલભાઈ ત્રિવેદી તથા ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ અશોકભાઈ ભાવસાર, જાણીતા ઉદ્યોગપતિ પ્રણવભાઈ અદાણી, હોંગકોંગથી આવેલા ભૂપેનભાઈ સુરાણી, મસ્કતથી આવેલા સુરેશભાઈ વીરમાણી, રાજસ્થાનથી આવેલા એડિશનલ એડ્વૉકેટ જનરલ ભરતભાઈ વ્યાસ, જાણીતા ઉદ્યોગપતિ છજ્જુસિંહજી તથા ચીફ કસ્ટમ કમિશ્નર દેવેન્દ્રભાઈ દત્ત, દિલ્હીની હયાત રિજન્સીના માલિક રાજકુમાર જતિયા વગેરેનું સન્માન ઈશ્વરચરણ સ્વામીએ કર્યું હતું.
ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ બાળ વિદ્યાર્થીઓએ મંગલસ્તોત્રોના ગાનથી કર્યો હતો. વિવેકસાગર સ્વામી તથા ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસંગિક પ્રવચન દ્વારા સંસ્કૃતિનાં શિક્ષણમૂલ્યો અને બી.એ.પી.એસ. સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિ વિશે મનનીય પ્રવચનો કર્યાં હતાં. આ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રી ડો. એ.પી.જે. અબ્દુલ કલામના પ્રતિનિધિ તરીકે દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહેલા ભારતના પ્રસિદ્ધ વિજ્ઞાની શ્રી વાય.એસ. રાજને, રાષ્ટ્રપતિશ્રીએ ખાસ વિદ્યાર્થીઓને ઉદ્દેશીને લખી મોકલાવેલો સંદેશો જણાવ્યો હતો. બ્રહ્મવિહારી સ્વામીએ આ સંકુલની રચનામાં સહયોગ આપનારા તમામ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એકવીસમી સદીને ભારતીય સદી તરીકે આળખાવતાં કહ્યું, 'ગુલામીકાળથી આપણા સમાજમાં એક એવી સમજ પ્રવર્તે છે કે આપણું જે કંઈછે એ નકામું છે. આ સ્થિતિમાં આપણે જ આપણને તુચ્છ ગણવા લાગ્યા. આપણી આધ્યાત્મિક પરંપરાને પણ તુચ્છ ગણવા લાગ્યા. પરંતુ આપણી પરંપરામાં સંતો, •ષિઓએ સદા અદ્ભુત સેવાઓ કરી જ છે. પહેલાના જમાનામાં રાજા-મહારાજાઓનાં સંતાનોને ભણાવનાર સંતો અને •ષિઓ જ હતા. આટલું ઘણું બધું હોવા છતાં આપણે એ બાબતનું ધ્યાન આપતા નથી. આ આપણી ગુલામી માનસિકતા છે. આવા સમયે સુંદર આયોજનની રીત વડે પ્રમુખસ્વામીએ આ માનસિકતાને તોડવાનું કામ કર્યું છે.
એકવીસમી સદી ભારતની છે. કારણ કે, એક તો એકવીસમી સદીમાં દુનિયા આજે જે સ્થિતિમાં છે એ જોતાં લગભગ બધા જ દેશો વૃદ્ધ છે. જ્યારે એક ભારત જ એવું રાષ્ટ્ર છે કે જે યુવાન છે. ૬થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતા યુવાનોની જેટલી સંખ્યા અત્યારે ભારતમાં છે, એટલી કોઈની પાસે નથી. આટલું યુવાધન ધરાવતો દેશ ભવિષ્યનું અજોડ નિર્માણ કરી શકે છે. અને બીજું કારણ એકવીસમી સદી જ્ઞાનની છે. હંમેશાં ભારતની એ વિશેષતા રહી છે કે જ્યારે જ્યારે માનવે જ્ઞાનયુગમાં પ્રવેશ કર્યોત્યારે ભારતની પ્રભુતા રહી જ છે. ભારત એમાં શીર્ષસ્થ રહ્યું છે. સદીઓથી ભારતે કહ્યું છે કે જ્ઞાનના કોઈદરવાજા હોતા નથી. જ્યાંથી સારું જ્ઞાન મળે એ મેળવો. જ્ઞાનની સાધના ને યુવાનની સાધના બંનેની યોગ્ય જગ્યા એટલે આ શાળા. અને બંનેની સેવા ને સંસ્કૃતિનો અભિષેક અહીં થઈ રહ્યો છે. ભગવાનની જડો સાથે જડાયેલી આ પ્રવૃત્તિ છે.'
તેઓના પ્રવચન પછી પ્રમુખસ્વામી મહારાજે આશીર્વાદમાં દેશના વિકાસ માટે સાચી કેળવણીની જરૂરિયાત અને સમજ આપતા કહ્યું, 'શિક્ષણમાં પહેલેથી હકારાત્મક વિચારો, આધ્યાત્મિક વિચારો, ચારિત્ર્યના વિચારો દૃઢ હશે તો આગળ વધાશે. એ બ્રહ્મવિદ્યા છે. એ વિદ્યા ભણશે તો જ રાષ્ટ્ર આગળ આવશે.'
સ્વામીશ્રીના આશીર્વાદ પછી સ્કૂલની વાર્ષિક ડાયરીનું ઉદ્ઘાટન ઈશ્વરચરણ સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. આ સાથે ઉદ્ઘાટન સમારંભની સમાપ્તિ થઈ. ત્યારબાદ વિદ્યામંદિરના વિધિવત્ ઉદ્ઘાટન માટે વિદ્યામંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સ્વામીશ્રી, મુખ્યમંત્રી અને તમામ મહાનુભાવો પધાર્યા હતા. સ્વામીશ્રીએ સ્વહસ્તે સૌને જમણા હાથે નાડાછડી બાંધી. વૈદિક માંગલિક શ્લોકોચ્ચાર વચ્ચે સ્વામીશ્રી અને મુખ્યમંત્રીએ નાડાછડી છોડીને સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ ઠાકોરજીને આગળરાખીને સ્વામીશ્રીએ તથા સૌ અતિથિઓએ સ્કૂલમાં પ્રવેશકર્યો હતો. સ્વામીશ્રીએ વર્ગખંડોમાં પધારીને સ્કુલનું નિરીક્ષણ કર્યું હતું. પ્રત્યેક વર્ગમાં નાની બેંચ પર ગણવેશ સાથે બાળ વિદ્યાર્થીઓ શોભી રહ્યા હતા. સ્વામીશ્રીએ સૌને 'માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ' વગેરે ઉપનિષદનાં મૂલ્યોનો પ્રથમ પાઠ લઈ વિદ્યારંભ કરાવ્યો હતો. ત્યારબાદ સ્વામીશ્રીએ અને મહાનુભાવોએ અહીંથી વિદાય લીધી હતી. અમદાવાદ અને ગાંધીનગરના હજારો હરિભક્તો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
|
|