Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણની અભિષેકમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા

અમદાવાદમાં શાહીબાગ ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના ભોંયતળિયે રંગમંડપમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની અભિષેકમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરીને પ્રમુખસ્વામી મહારાજે સનાતન ભક્તિપરંપરાની એક વધુ પ્રણાલીને નવજીવન આપ્યું છે. આ મૂર્તિની સ્થાપના સાથે માત્ર અમદાવાદ નહીં, પરંતુ સમસ્ત હરિભક્ત સમુદાયમાં ભક્તિની એક વિશેષ લહેર ફરી વળી છે.
અમદાવાદમાં આ અભિષેકમૂર્તિની સ્થાપના કરવા પાછળ ૨૦૦ વર્ષ પૂર્વેનો ઇતિહાસ છે. ગોપાળદાસ રચિત 'એક સમે અમદાવાદમાં આવ્યા શ્યામ સુજાણ...' ભગવાન સ્વામિનારાયણે અમદાવાદમાં બિરાજીને ભક્તોને જે સ્મૃતિ આપી તેનાં આ પદો સાંભળતાં આજે પણ એ લીલાઓ આંખ સામે તાદૃશ્ય થઈ જાય છે. અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણ અનેક વખત સાબરમતી નદીમાં સ્નાન કરવા સંતો-ભક્તો સાથે પધારતા. અમદાવાદના દિલ્હી દરવાજેથી પરમહંસો અને ભક્તો સહિત સાબરમતીએ સ્નાનલીલા કરવા જતાં ભગવાન સ્વામિનારાયણ વૃક્ષોની ઘટાથી છવાયેલા બાગમાં વિશ્રામ લેતા. તે પ્રસાદીભૂત સ્થળ એટલે શાહીબાગ વિસ્તારમાં આવેલું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ ભૂમિ સંપાદન કરીને તેના પર શિખરબદ્ધ મંદિર કરવાનો સંકલ્પ કર્યો હતો, જે સને ૧૯૬૨માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે પૂર્ણ કર્યો હતો.
આ ઐતિહાસિક તીર્થભૂમિના આંગણે તા. ૩-૭-૦૬, સોમવારના રોજ ઉત્સવનું વાતાવરણ છવાયું હતું. પ્રમુખસ્વામી મહારાજનાં દિવ્ય કરકમળો વડે ભગવાન સ્વામિનારાયણની અભિષેક મૂર્તિ પ્રતિષ્ઠાવિધિનો મહામૂલો અવસર સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉલ્લાસભર્યા વાતાવરણમાં યોજાયો હતો. મંદિરના ભોંયતળિયે રચવામાં આવેલા અભિષેક મંડપમ્‌માં વહેલી સવારે પ્રતિષ્ઠા પૂર્વ વિધિમાં ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી, સત્સંગિજીવન સ્વામી વગેરે વડીલ સંતો અને મુખ્ય યજમાનો ચંદ્રકાન્તભાઈ પૂજારા (લંડન), ધીરુભાઈ તેરૈયા, શેઠશ્રી છજ્જુસિંહ, બબલદાસ પટેલ(ચાલાસણ) પરિવાર, તથા ભોયકાવાળાના પરિવાર સહિત ૧૫૦ યજમાનોએ ભાગ લીધો હતો.
સવારે ૯.૩૦ વાગ્યે સ્વામીશ્રીના આગમન સાથે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિધિ શરૂ થઈ હતી. સ્વામીશ્રીએપ્રતિષ્ઠાનો વેદોક્ત સંકલ્પ કર્યો, પ્રાણસ્થાપન કર્યું, પૂજન અને અર્ચન કર્યું. ત્યાર બાદ મૂર્તિ સમક્ષ મૂકવામાં આવેલા આસન ઉપર વિરાજીને સ્વામીશ્રી થાળગાનમાં પરોવાયા. આરતી અને પુષ્પાંજલિ સાથે પ્રાણપ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થયો.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ પ્રતિષ્ઠા ઉત્સવ અને મૂર્તિનો મહિમા વર્ણવતાંકહ્યું, 'આજના ઉત્સવની જય જય જય. બહુ સારો ઉત્સવ થયો. ભગવાન સ્વામિનારાયણ પોતાનું ધામ અક્ષર, જે આદર્શમૂર્તિ છે તે ગુણાતીતાનંદ સ્વામીને સાથે લાવ્યા. ગુણાતીતાનંદ સ્વામીમાં જેવા ગુણ છે, એ જેવા શુદ્ધ ને પવિત્ર છે એવા આપણને બધાને કરવા માટે તેમને સાથે લાવ્યા. એવા ગુણ આપણે પ્રાપ્ત કરીએ તો ભગવાન આપણી સેવા અંગીકાર કરે. સંત માતા સમાન છે. સંત આપણને હેત-પ્રેમ અને વહાલ કરીને આપણામાંથી દુર્ગુણો કાઢી શુદ્ધ, સ્વચ્છ બનાવીને ભગવાનના ખોળામાં મૂકે છે અને ભગવાનનું સુખ આપણને આવે છે.
આજે આ મૂર્તિ પધરાવી છે તે આપણા બધા ગુના માફ કરવા માટે, આપણા દરેક સંકલ્પ પૂરા કરવા માટે છે. આપણું કલ્યાણથાય એ માટે મૂર્તિ પધરાવી છે. એ મૂર્તિની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા. જે કંઈ સુખદુઃખ આવે તો અહીં ભગવાન પાસે પ્રાર્થના કરવી. સુખ આવે તો સુખ ભોગવી લેવું અને દુઃખઆવે તો દુઃખ ભોગવી લેવું, પણ ભગવાનના શરણે જ આવવું. શ્રીજીમહારાજની દયાથી અહીં જે જે આવશે, દર્શન કરશે, અભિષેક કરશે એના બધા સંકલ્પો શ્રીજીમહારાજ પૂરા કરશે અને સર્વ પ્રકારે શાંતિ થશે. ફક્ત અમદાવાદ નહીં, પણ વિશ્વ આખાનું કલ્યાણ થાય, દેશ-પરદેશથી જે કોઈ આવે એ બધાના સંકલ્પ પૂરા થાય. એવું સુખ અને શાંતિ બધાને ભગવાન આપે એ જ પ્રાર્થના.'
સ્વામીશ્રીની કલ્યાણભાવના તેમનાં અમૃતવચનોમાં પામી સૌ ધન્ય થયા.
આ પવિત્ર પ્રસંગે પુણ્ય સંકલ્પો કરાવવામાં આવ્યા. સંસ્થા દ્વારા દેશ-પરદેશમાં નિર્માણ પામી રહેલાં મંદિરો અને સંસ્કારધામો, અન્ય પ્રકલ્પો તેમજ દેશની જીવાદોરી સમાન નર્મદા ડેમની યોજના સમયસર પૂર્ણ થાય, વગેરે સંકલ્પો સાથે સ્વામીશ્રીએ પ્રાર્થના સાથે ધૂન કરાવી.
ત્યાર બાદ સ્વામીશ્રીએ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પર શંખ અને કળશ દ્વારા દૂધ, તીર્થજળ, કેસરજળ અને શુદ્ધ જળનો પ્રથમ અભિષેક કર્યો. સાથે સાથે સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજ પર પણ અભિષેક કર્યો. પવિત્ર અને નીલકંઠવણીની કલ્યાણયાત્રામાં પ્રસાદીભૂત તીર્થધામો માનસરોવર, મુક્તિનાથ અને ગૌરીકુંડના જળ દ્વારા પણ સ્વામીશ્રીએ મૂર્તિને અભિષેક કર્યો હતો. ત્યાર બાદ વડીલ સંતો અને યજમાનોએ પણ મૂર્તિનો અભિષેક કર્યો હતો.
રંગમંડપમાં આ વિધિ થઈ રહ્યો હતો તેને સમાંતર મંદિરના પ્રાંગણમાં વિશાળ સભાગૃહમાં ૧૦,૦૦૦થી વધારે હરિભક્તોની પ્રાસંગિક સભા ચાલી રહી હતી. વિવેકસાગર સ્વામી અને ઈશ્વરચરણ સ્વામીનાં પ્રવચનો બાદ સૌએ અભિષેકવિધિ અને પ્રતિષ્ઠાવિધિનું સી.સી. ટી.વી. દ્વારા જીવંત પ્રસારણ માણ્યું હતું. અંતે સૌ હરિભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |