|
અમદાવાદમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં દિવ્ય સત્સંગ
અમદાવાદ ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે તા. ૧૨-૬-૨૦૦૬થી તા. ૬-૭-૨૦૦૬ દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં ઉત્સવો અને વિશિષ્ટ કાર્યક્રમોની પરંપરા યોજાઈ હતી. સ્વામીશ્રીના સાંનિધ્યમાં નિત્ય સવાર-સાંજ સત્સંગ કાર્યક્રમો યોજાયા હતા. સવારે સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શન માટે હજારો હરિભક્તો ઊમટતા હતા. નિત્ય સાયંસભામાં વિવેકસાગર સ્વામીએ 'ચલો ચલેં હમ અક્ષરધામ' વિષય પર વિશિષ્ટ પારાયણ-વ્યાખ્યાન શ્રેણી દ્વારા અદ્ભુત જ્ઞાન પીરસ્યું હતું. સંતો દ્વારા કીર્તનગાન તેમજ સ્વામીશ્રીનાં દર્શન અને આશીર્વચનોથી સૌ ધન્ય થતા હતા. રોજ હજારો હરિભક્તોથી શાહીબાગના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના વિશાળ સભાગૃહો છલકાતાં હતાં. તેમજ વિવિધ ક્ષેત્રના દિગ્ગજો અને વિશેષ મહાનુભાવો પણ સ્વામીશ્રીની દર્શન-મુલાકાતે પધાર્યા હતા. સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાયેલા કેટલાક સ્મરણીય પ્રસંગોની એક ઝ લક...
‡ 'કન્સ્ટ્રક્શન જર્નલ આૅફ ઇન્ડિયા' સામયિકમાં અક્ષરધામઃ તા. ૧૩-૬-૨૦૦૬ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં 'કન્સ્ટ્રક્શન જર્નલ આૅફ ઇન્ડિયા' સામયિકના માલિક અને તંત્રી કમલભાઈ ખોખાણી દર્શને આવ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિપ્રાપ્ત અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા આ સામયિકમાં તેઓએ 'મેકિંગ આૅફ અક્ષરધામ'ના શીર્ષક નીચે સ્વામિનારાયણ અક્ષરધામ, દિલ્હીની નિર્માણગાથા અદ્ભુત રીતે વર્ણવી છે. આર્કિટેક્ચર તેમજ બાંધકામના વ્યવસાયીઓ અને નિષ્ણાતો માટે આ લેખ માહિતીપ્રદ અને અભ્યસનીય બની રહેવા પામ્યો છે. તેઓએ આ અંકનું સ્વામીશ્રી દ્વારા ઉદ્ઘાટન કરાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
‡ અમેરિકામાં યોજાનાર વિશ્વ ગુજરાતી સંમેલનના આગેવાનો સ્વામીશ્રીનાં દર્શને :
તા. ૧૫-૬-૦૬ના રોજ પૂર્વ મંત્રી નરહરિ અમીન તેમજ અમેરિકાથી 'એસોસિએશન આૅફ ઇન્ડિયન અમેરિકન્સ આૅફ નોર્થ અમેરિકા' નામની સંસ્થાના આગેવાનો હિમાંશુભાઈ વ્યાસ, સુનીલભાઈનાયક, સુરેશભાઈ જાની વગેરે સ્વામીશ્રીની દર્શન-મુલાકાતે આવ્યા હતા. સપ્ટેમ્બર - ૨૦૦૬માં અમેરિકામાં ઉપરોક્ત સંસ્થા દ્વારા યોજાનાર વિશ્વ ગુજરાતી કોન્ફરન્સની રજૂઆત તેમણે કરી. આ મહાસંમેલનની સફળતા માટે તેમણે સ્વામીશ્રીનાં આશિષ અને માર્ગદર્શન મેળવ્યાં હતાં.
‡ ગુજરાતના સાહિત્યકારોને સ્વામીશ્રીના આશીર્વાદઃ તા. ૧૪-૬-૦૬ના રોજ સ્વામીશ્રીની દર્શન-મુલાકાત માટે આવેલા જાણીતા લેખક સાહિત્યકાર રઘુવીરભાઈચૌધરી અને ચંદ્રકાન્તભાઈ શેઠ, ગુજરાતના પૂર્વ આઈ.એ.એસ. અધિકારી કિરીટભાઈશેલત, જાણીતા પ્રકાશક સાહિત્ય મુદ્રણાલયના માલિક શ્રેયસભાઈ પંડ્યા વગેરેએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા.
‡ તા. ૧૬-૬-૦૬ના રોજ સ્વામીશ્રીનાં દર્શને જાણીતા લેખક-વિવેચક કુમારપાળ દેસાઈ આવ્યા હતા. તેઓ અને તેઓના સહયોગીઓએ સંપાદન કરેલા ગુજરાતી વિશ્વકોશનો ૨૦મો ભાગ સ્વામીશ્રીને અર્પણ કરીને તેમણે વિશ્વકોશની પ્રવૃત્તિ માટે આશીર્વાદ માગ્યા હતા. સ્વામીશ્રીએ તેઓને ગુજરાતી ભાષાની વિશેષ સેવા થાય તેવા આશીર્વાદ આપ્યા હતા.
‡એકાદશી ઉત્સવની અણમોલ સ્મૃતિઃ ભગવાનની મૂર્તિઓનાં દર્શનમાં લીન થઈ જતા સ્વામીશ્રીનાં દર્શન કરવા એ એક અદ્ભુત લહાવો છે. તેમાંય ઉત્સવ કે પવિત્ર પ્રસંગે ભગવાનના ગુણ અને કીર્તન ગાવામાં તન્મય થઈ જતા સ્વામીશ્રીની ભકિતઅદા નીરખવાની તક અનન્ય હોય છે. આવી અનન્ય તક અમદાવાદના ભક્તોને મળી હતી. તા. ૨૧-૬-૦૬ના રોજ એકાદશીના પવિત્ર દિને નિત્યક્રમ પ્રમાણે સ્વામીશ્રી મંદિરના ખંડોમાં મૂર્તિઓનાં દર્શન કરવા પધાર્યા ત્યારે સંતો અને હરિભક્તોએ ઝાંઝ -પખવાજ સાથે એકાદશીના મહિમાનાં કીર્તનો ગાઈને ભક્તિભર્યું વાતાવરણ સર્જ્યું હતું. વૈષ્ણવી તેમજ સ્વામિનારાયણીય ઓચ્છવ પદ્ધતિથી કીર્તનોની ઝડી વરસાવતા એ હરિભક્તોની સાથે સ્વામીશ્રી પણ હાથમાં ઝાંઝ લઈને કીર્તનભક્તિમાં ગુલતાન થયા હતા. આ એક અવિસ્મરણીય સ્મૃતિ હતી. ભગવાનની ભક્તિમાં એકાકાર થઈને ભજન કરતા સ્વામીશ્રીનાં દર્શન કરી સૌ ધન્ય થયા હતા.
‡ કિડની રોગોના નિષ્ણાત ડો. એચ.એલ. ત્રિવેદીને આશીર્વાદ :
ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ, અદ્યતન સાધનોથી સુસજ્જ કિડની ઈન્સ્ટિટ્યૂટ(અમદાવાદ)ના સ્થાપક અને અધ્યક્ષ ડો. એચ. એલ. ત્રિવેદીને આશીર્વાદ આપીને તા. ૨૧-૬-૦૬ના રોજ સ્વામીશ્રીએ તેમનું બહુમાન કર્યું હતું. સમગ્ર વિશ્વમાં કિડનીના પ્રત્યારોપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર ડો. એચ. એલ. ત્રિવેદીએ કેનેડા અને યુ.એસ.એ.માં ધીકતી કમાણી અને ઉજ્જવળ કારકિર્દી છોડીને દર્દીઓની સેવા કરવા માટે કિડનીના રોગની સારવાર કરતી વિશાળ હૉસ્પિટલ સ્થાપી છે. તેમને ૭૫ વર્ષ પૂર્ણ થતાં હોઈ તેઓને શાલ ઓઢાડીને અભિનંદન આપતાં સ્વામીશ્રીએ તેમના દ્વારા અવિરત માનવસેવાઓ થતી રહે તેવા આશિષ પાઠવ્યા હતા. કિડની પ્રત્યારોપણમાં અસાધારણ સંશોધનો કરીને વિશ્વસ્તરે અદ્ભુત સિદ્ધિ મેળવનાર ડૉ. એચ. એલ. ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે 'કિડની હૉસ્પિટલના ઉદ્ઘાટનના અવસરે અમે ખૂબ મુંઝાતા હતા ત્યારે પ્રમુખસ્વામી મહારાજે સામેથી આવીને હૉસ્પિટલને આશીર્વાદ આપ્યા હતા તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં.' તેમની સાથે કિડની હૉસ્પિટલમાં કાર્ય કરી રહેલા જાણીતા શિક્ષણવિદ્, કલાકાર અને કવિ માધવ રામાનુજ તથા સહકાર્યકરો પણ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. ડો. એચ. એલ. ત્રિવેદીના સહકર્મી ડૉ. વિનિત મિશ્રા અને ડૉ. પ્રાંજલભાઈ મોદીને તેમના સંશોધનમાં સફળતા મળે એ માટે પણ આશીર્વાદ આપ્યા હતા.
‡ તબલાવાદન દ્વારા ભક્તિ અદા કરતાં બાળકો : અમદાવાદમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ બાળપ્રવૃત્તિ દ્વારા પ્રતિવર્ષે વેકેશનમાં વિવિધ તાલીમવર્ગો યોજાય છે. તેના ઉપક્રમે તા. ૨૨-૬-૦૬ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં બાળકોએ તબલાં પર વૈવિધ્યસભર તાલ રજૂ કરીને તેમણે સુંદર અને વિશિષ્ટ અભિવ્યક્તિ દ્વારા એકાકીવાદન રજૂ કર્યું હતું. સંસ્કાર સાથે સંગીતકળાની પણ તાલીમ મેળવતાં બાળકોએ સંતો અને પ્રશિક્ષક મુંજાલભાઈ મહેતાના માર્ગદર્શન પ્રમાણે તબલાવાદન રજૂ કર્યું હતું. સૌને આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ તબલાવાદન કરી દિવ્ય સ્મૃતિ આપી હતી.
‡ તા. ૩-૭-૦૬ના રોજ સવારે પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ મહેસાણા જિલ્લાના પરાવિસ્તારના સર્વ પ્રથમ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠાપૂર્વ વિધિ કરી હતી.
સ્વામીશ્રીની અમૃતવાણી
'ભગવાન અને સંતને આપણો મોક્ષ કરવો છે, એટલે આપણી કસોટી કરે. એ ખમી લઈએ તો આ ને આ જન્મે મોક્ષ થઈ જાય. સંતના આશીર્વાદથી સઘળું પ્રાપ્ત થાય છે. એ નિષ્ઠા હોય તો ગમે એટલું અપમાન થાય, તિરસ્કાર થાય તોપણ મન પાછુ _ પડે નહીં. આટલું જ્ઞાન-સમજણ આવી જાય તો આ સત્સંગ મૂકીને ક્યારેય જવાનું મન થાય નહીં અને ભગવાનને રાજી કરી શકીએ.' (તા. ૧૫-૬-૦૬)
'આ મનુષ્યદેહથી ખેતીવાડી કે વ્યવસાય તો કરવાના જ છે, પણ અનુસંધાન એક જ રાખવાનું કે અક્ષરધામમાં જવું છે. આપણે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે. માયાના ભાવોથી મુક્ત થઈને ભગવાનની આજ્ઞા મુજબ વર્તીએ તો અક્ષરધામની પ્રાપ્તિ થાય.' (તા. ૨૦-૬-૦૬)
'જગતમાં કોઈ પણ ચીજ શાશ્વત નથી. માટે કોઈ વસ્તુ નાશ પામે તો શોક કરવા જેવો નથી અને કોઈ વસ્તુ પામીએે તો બહુ હરખ કરવા જેવો નથી. જન્મ્યા ત્યારે ક્યાં કશું લઈને આવ્યા હતા, ને મરીએ ત્યારે ક્યાં લઈને જવાના છીએ? આ બધું જ મિટ્ટીમાં મળી જવાનું છે, નાશ પામવાનું છે. પણ આપણને મોહ ટળતો નથી. આકાર, દેખાવ, બંગલા, મોટર, ગાડીઓ એમ હજારો વસ્તુઓમાં મોહ છે. જગતમાં એક ભગવાન જ શાશ્વત છે. નિરંતર આમ વિચાર કરીએ તો સમસ્યા ન આવે.' (તા. ૨૩-૬-૦૬)
'જેને હઠ, માન, ઈર્ષ્યા હોય તે સત્સંગમાંથી પાછા પડે. ભગવાન અને સંત આગળ ક્યારેય હઠ ન રાખવી, પણ સરળ થઈ જવું. કોઈકામકાજની એવી જીદ પણ ન રાખવી કે હું આ જ કામ કરીશ, બીજુ _ મારાથી નહીં થાય. ઘણી વખત સમજણની હઠ હોય અને કોઈ વાર આપણા કામની હઠ હોય. એ હઠે કરીને ભગવાન અને સંતને રાજી કરી શકતા નથી. સત્સંગ, ઘર કે સમાજમાં હઠ રાખવી જ નહીં.' (તા. ૨-૭-૦૬)
|
|